Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ગીર સોમનાથ જિલ્લાની દરિયાઇ પટ્ટીમાં ૧૦ ટીમો દ્વારા જપ્‍ત કરાયેલ ચરસનાં જથ્‍થાના પેકેટ ઉપર પાકિસ્‍તાનની સુગર મીલના સિક્કા

જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ટીમ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત

સુત્રાપાડા પંથકમાંથી ૩૧ પેકેટનો જથ્‍થો જપ્‍ત : સુત્રાપાડાના પી.એસ.આઇ. આર.આર.ગળચર દ્વારા પેટ્રોલીંગ દરમિયાન સુત્રાપાડાના ધામળેજ તથા પ્રશ્નાવડાના સમુદ્ર કિનારેથી બિનવારસી ૩૧ પેકેટ મળી આવેલ છે. (તસ્‍વીર - અહેવાલ : રામસિંહ મોરી, સુત્રાપાડા)

વેરાવળ તા. ૫ : સોમનાથના સમુદ્ર કિનારેથી મળી આવેલ નશીલા પદાર્થનો મામલો જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. આદરીથી સોમનાથ લાટી સુધીના દરિયા કિનારેથી પેકેટો મળ્‍યા હતા. ૧ કિલોના મળી ૧૬૦ કિલો જથ્‍થો જપ્‍ત કર્યો છે. અંદાજે ૨.૫ કરોડનો જથ્‍થો ઝડપાયો છે. ચરસ હોવાની શકયતા છે. પેકેટ પર પાકિસ્‍તાનની સુગર મિલનો મારકો છે. જિલ્લાના કોસ્‍ટલ બેલ્‍ટ પર ૧૦ ટીમોનું સઘન પેટ્રોલીંગ ચાલુ છે. વધુ જથ્‍થો મળી આવવાની શક્‍યતા છે તેમ મનોહરસિંહ જાડેજા (એસ.પી. - ગીર સોમનાથ)એ જણાવ્‍યું છે.

તા.૦૩/૦૮/૨૦૨૨ ના રોજ સાંજ સુધીમાં ૧૬૦ શંકાસ્‍પદ માદક પદાર્થના પેકેટ શોધી કાઢેલ જેની એફ.એસ.એલ. તપાસણી કરાવતા ચરસ હોવાનું માલુમ પડેલ અને આ સર્ચીંગ ઓપરેશન અવિરત ચાલુ રાખવામાં આવેલ જેમાં ગીર સોમનાથ જીલ્લાને વેરાવળ થી લઇને ઉના હદ વિસ્‍તાર સુધીનો ૧૧૦ કી.મી.નો લાંબો દરિયા કિનારો હોય જે વિશાળ દરિયા કિનારે ભૌગોલિક પરિસ્‍થિતિના લીધે ત્‍યાં કોઇ વાહનથી સર્ચ કરવુ શક્‍ય ન હોય જેથી આજરોજ તા.૦૪/૦૮/૨૦૨૨ ની વહેલી સવારથી પગપાળા ચાલીને એસ.ઓ.જી, એલ.સી.બી. તથા સ્‍થાનિક પોલીસની ૧૦ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જે સર્ચ ઓપરેશન દરમ્‍યાન આ દરિયા કિનારેથી વધુ ૧૧૩ ચરસના પેકેટ શોધી કાઢેલ છે.

આ ઉપરાંત દરીયાઇ સુરક્ષાને ધ્‍યાને રાખી પોલીસ દ્વારા બનાવવામાં આવેલ ફીશરમેન વોચ ગૃપ મારફત આવી પ્રવૃતિ ઉપર વોચ રાખવા જણાવવામાં આવેલ છે. તેમજ દરીયાકાંઠે વસતા અને માછીમારી સાથે સંકળાયેલા સમાજના આગેવાનોને આવી કોઇ શંકાસ્‍પદ ચીજવસ્‍તુ મળી આવે તો સત્‍વરે પોલીસનું ધ્‍યાન દોરવા અપીલ કરવામાં આવેલ જેમાં તેઓ દ્વારા પોલીસને પુરતો સહકાર મળેલ છે.

આમ છેલ્લા ત્રણ દિવસ દરમ્‍યાન સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી કુલ - ૨૭૩ ચરસના પેકેટ કબ્‍જે કરવામાં આવેલ છે. જેની અંદાજિત કીંમત ચાર કરોડ આસપાસ હોવાની શકયતા છે. તેમજ જીલ્લા પોલીસ વડા દ્વારા હજુ પણ વધુમાં વધુ ટીમો બનાવી ૨૪ ×૭ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવેલ છે.

(11:47 am IST)