Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ગુજરાતમાં મંકિપોક્‍સની એન્‍ટ્રી : જામનગરમાં ૨૯ વર્ષીય યુવાનને મંકિપોક્‍સના લક્ષણો દેખાતા રિપોર્ટની જોવાતી રાહ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૫ : દુનિયાભરમાં કહેર મચાવનાર મંકી પોક્‍સની હવે ગુજરાતમાં એન્‍ટ્રી થઈ ચુકી છે.જામનગરની નજીક આવેલા એક ગામમાં મંકી પોક્‍સનો શંકાસ્‍પદ કેસ જોવા મળ્‍યો છે. જેને પગલે તંત્ર દોડતું થયું છે. હાલ શંકાસ્‍પદ દર્દીને હોસ્‍પિટલના અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ ખસેડાયો છે. તેનો રિપોર્ટ આવ્‍યા બાદ જ આગળની સારવાર કરવામાં આવશે. અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરની નજીક આવેલા નવા નાગના ગામમાં મંકી પોક્‍સનો એક શંકાસ્‍પદ કેસ સામે આવ્‍યો છે. ગામના ૨૯ વર્ષીય યુવકમાં શંકાસ્‍પદ લક્ષણો જોવા મળ્‍યા છે. જેને પગલે આ યુવકને નજીકની હોસ્‍પિટલના અલાયદા વોર્ડમાં સારવાર અર્થે ખસેડાયો છે. મહત્‍વનું છે કે યુવકના સેમ્‍પલ લઈને ગાંધીનગરની લેબ ખાતે મોકલવામાં આવ્‍યા છે. આ સેમ્‍પલનો રિપોર્ટ આવ્‍યા બાદ જ વધુ સારવાર હાથ ધરાશે.

ᅠમંકી પોક્‍સ એ મંકી પોક્‍સ વાઈરસથી થતી બીમારી છે. જે ઓર્થોપોક્‍સવાઇરસ જીન્‍સ સાથે સંબંધિત છે જેમાં ચિકનપોક્‍સ પેદા કરતા વેરિયોલા વાઇરસ પણ સામેલ છે. મંકી પોક્‍સ એક ઝૂનોસિસ છે, જે સંક્રમિત જાનવરોથી મનુષ્‍યોમાં ફેલાય છે. સૌ પ્રથમ મંકી પોક્‍સનો કેસ આફ્રિકાના દેશોમાં જોવા મળતા હતો. પરતું હવે ધીમે ધીમે આ કેસો યુરોપન દેશમાં અમેરિકા, કેનેડા,ઓસ્‍ટ્રેલિયામાં પણ સામે આવ્‍યા છે. આ ચેપ હાલ ઝડપી ફેલાઈ રહ્યો છે.

ભારતમાં પણ મંકી પોક્‍સના કેસ સામે આવ્‍યા છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. આ રોગથી બચવા માટે સૌ પ્રથમ માસ્‍ક પહેરવું જોઈએ. મોટાંભાગે મંકી પોક્‍સના દર્દીઓ સામાન્‍ય ઇલાજથી અમુક અઠવાડિયામાં જ ઠીક થઇ જાય છે, તેમ છતાં કેટલાંક કેસોમાં આ બીમારી જીવલેણ પણ સાબિત થઇ શકે છે. મંકી પોક્‍સથી સંક્રમિત ૧૦ ટકા દર્દીઓના મોત થાય છે. ત્‍યારે જામનગરમાં શંકાસ્‍પદ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. સાથે લોકોમાં પણ ચિંતા વ્‍યાપી છે.

(11:09 am IST)