Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જે સૌનુ ઇષ્‍ટ ઇચ્‍છે તે સાધુ : પૂ. મોરારીબાપુ

ભાવનગર જિલ્લાના મહુવા કૈલાસ ગુરૂકુળ ખાતે તુલસી જન્‍મોત્‍સવ અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૫ : શ્રાવણ મહિનાના શુક્‍લ પક્ષની સપ્તમી રામચરિત માનસના સર્જક પૂ.ગોસ્‍વામી તુલસીદાસજીની જન્‍મ જયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષે પૂ.મોરારીબાપુની પાવન સાનિધ્‍યમાં સને ૨૦૧૦ થી શરૂ થયેલી શૃંખલા ચાલુ વર્ષે સને ૨૦૨૨માં ૧૨ મણકા તરીકે આજરોજ ચતુર્દિવસીય તુલસી જન્‍મોત્‍સવના ભાગરૂપે સંપન્ન થઈ.

રામચરિત માનસના વિદ્વાનો અને આ ક્ષેત્રમાં પ્રદાન કરનાર સંસ્‍થાઓને વિશિષ્ટ રીતે વંદના કરવા તુલસી એવોર્ડ,વ્‍યાસ અને વાલ્‍મિકી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.આ એવોર્ડ મેળવનાર મહાનુભાવને સૂત્રમાલા, પ્રશસ્‍તિપત્ર અને સવા લાખ રૂપિયાની રાશિથી વંદના કરવામાં આવે છે.ચાલુ વર્ષે મહાનુભાવોને પસંદ કરીને તેની વંદના આજરોજ તારીખ ૪ -૮ -૨૨ ના રોજ કૈલાશ ગુરુકુળ મહુવાના જગતગુરૂ આદિ શંકરાચાર્ય સભાગૃહમાં કરવામાં આવી.ᅠ

આ એવોર્ડ પ્રાપ્ત કરનારાં વિદ્વાનોમાં વાલ્‍મીકિ એવોર્ડᅠ સર્વશ્રી પુ.જગદગુરુ શ્રી રાધવાચાર્યજી મહારાજ (અયોધ્‍યા),શ્રી વિજયશંકર દેવશંકર દયાશંકર પંડ્‍યા (અમદાવાદ), રામાયણ સીરીયલના નિર્માતા સ્‍વ.રામાનંદ સાગરને અપાયેલો એવોર્ડ તેમના પુત્ર શ્રી પ્રેમસાગરે સ્‍વીકાર્યો હતો.વ્‍યાસ એવોર્ડ ભાગવતાચાર્ય પૂ. શરદભાઈ વ્‍યાસ, કુંભણ વાળા (ધરમપુર), આચાર્ય ગોસ્‍વામી શ્રી મૃદુલ કૃષ્‍ણજી મહારાજ (વૃંદાવન)ના પ્રતિનિધિ ઉમાશંકરજીને તથા મહાભારત સીરીયલના નિર્માતા શ્રી બી. આર. ચોપરાનો એવોર્ડ તેના પ્રતિનિધિ સુશ્રી પ્રીતિબેન વખારીયાએ સ્‍વીકાર્યો હતો. તૃતિય ક્રમના તુલસી એવોર્ડᅠ સુશ્રી રામબેન હરિયાણી (જયપુર), શ્રી મુરલીધરજી મહારાજ (ઓમકારેશ્વર) અને મહંત શ્રી રામ હૃદયદાસજી (ચિત્રકૂટ ધામ સતના મધ્‍યપ્રદેશ)ની વંદના થઈ હતી.

એવોર્ડ સમારંભમાં પોતાની વાણીથી મુખરિત કરતાં પુ. મોરારીબાપુએ કહ્યું કે ‘આ ત્રિભુવન ગ્રંથનું જે વિદ્વાનો પોતાના મુખથી ગાયન કરી રહ્યાં છે તે બધાં જ મહદની ‘પાદુકા અભિષેક' કરવાનું ખૂબ ગમે છે. આ એવોર્ડ ઉપક્રમ તે માત્ર એક કડીરૂપ છે, માધ્‍યમ છે.પરંતુ વાસ્‍તવમાં આપ સૌની વંદના અંદરથી ઊર્જાના ભાવો પ્રગટ કરે છે.' શાયરી તો સિર્ફ બહાના હૈ અસલી મકસદ તો આપકો રી જાના હૈ તલગાજરડા ઇચ્‍છે છે કે આ ભૂમિ પર આ ઉપક્રમ સતત પ્રજવલિત રહે.આપ સૌ આવતાં રહેજો.હવે પછીના મણકામાં આપણે આ ચતુર્દિવસીય મહોત્‍સવને સપ્તકમાં બદલી દઈએ તેવો મનોરથ પણ છે.કોઈએ સૂચન પણ કર્યું કે તુલસીજીના નામ સાથે વંદના થતી હોય તો રત્‍નાવલીજીને પણ આપણે યાદ ન કરી શકીએ..!? તો રત્‍નાવલી એવોર્ડ તરીકે પણ એક માતૃશક્‍તિની વંદના ભવિષ્‍યમાં આપણે કરીએ.કથા વાંચકોએ પાંચ વસ્‍તુઓનું પર તરફ વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત રાખવું જોઈએ. કથન, શ્રવણ, સ્‍મરણ, ગાયન અને અનુમોદન તેમાં નર્તનને પણ આપણે જોડી શકીએ. જે કહેવું છે તે સ્‍પષ્ટ અને કોઈપણ બાબતમાં તટસ્‍થ થઈને કહેવું જોઈએ.લોકો તો વાત કરવાનો મોકો શોધતાં હોય છે. પરંતુ જે ભજન કરે છે તેમને કોઈની કોમેન્‍ટમાં ધ્‍યાન આપવાની જરૂર નથી.બુદ્ધ પુરુષો દીક્ષા અને ભિક્ષા દે છે. દરેક વ્‍યક્‍તિએ પોતાનું અને રામચરિત માનસ એમ બંનેના ચરિત્રને સંભાળવાના હોય છે.ત્રણ બાબતો પર ખૂબ જરૂરી છે તમે જે ગાઓ છો, તેના પર ગુણાતીત શ્રદ્ધા હોવી જોઈએ.બીજું અવસર મળે ત્‍યારે સાધુસંગ કરી લેવો અને છેલ્લું જે શરણમાં પ્રેમ હોય તેનું ભજન કરી લેવું. વ્‍યાસ કોઈ ફ્રેમમાં મઢી શકાય નહીં. સાધુમાં દ્વેષ ન હોય અને જે સૌનું ઇષ્ટ ઈચ્‍છે તે સાધુ.

 મોરારીબાપુએ તલગાજરડાના ચિત્રકૂટ ધામના નામકરણની સરસ તાર્કિક દલીલ આપી હતી. ભારતભરના ભાગવત, રામાયણ, મહાભારત અને વેદ -ઉપનિષદ જેવાં સંસ્‍કૃતના ગ્રંથના અનેક વિદ્વાનો ખૂબ મોટી સંખ્‍યામાં ચાર દિવસ સુધી મહુવાના કૈલાશ ગુરુકુળ ખાતે પૂજય મોરારીબાપુની આતિથ્‍યભાવનાથી ગદગદિત થઈ ગયાં હતાં.આ સમગ્ર કાર્યક્રમનું ભાવવરણ તુલસીમય બની ગયું હતું.

મંચનું સંચાલન શ્રી હરીશચંદ્રભાઇ જોશીએ તથા વ્‍યવસ્‍થા સંકલન માંᅠ જયદેવભાઈ માકડ તેમજ ગુરૂકુળના છાત્રો સક્રિય રહ્યા હતા.

(11:08 am IST)