Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

આર્થિક સંકળામણથી કંટાળીને ખંભાળિયાના યુવાને જિંદગી ટુંકાવી

જામ ખંભાળિયા,તા.૫:  ગિરધરનગર વિસ્‍તારમાં આવેલા હોન્‍ડાના શોરૂમની પાછળના ભાગે રહેતા જગદીશભાઈ કાનજીભાઈ જાદવ નામના યુવાનને છેલ્લા ઘણા સમયથી ટી.બી. તથા સુકા થાઇરોડની બીમારી હોવાથી તેઓ કાંઈ કામ ધંધો કરી શકતા ન હતા. આ પરિસ્‍થિતિમાં તેમણે અગાઉ બેંકમાંથી લીધેલી લોન સંદર્ભે દેવુ વધી જતા આ બાબતથી કંટાળીને તેમણે પોતાના હાથે અનાજમાં નાખવાની ગોળીઓ ગળી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેમનું મૃત્‍યુ નીપજયું હતું.

આ બનાવવાની જાણ મૃતકના પત્‍ની જલ્‍પાબેન જગદીશભાઈ જાદવે અહીંની પોલીસને કરી છે.

દારૂ અંગે ત્રણ દરોડા

ખંભાળિયામાં એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે ગુરુવારે વિદેશી દારૂ અંગેની કરવામાં આવેલી કાર્યવાહીમાં બે શખ્‍સોને મુદામાલ સાથે દબોચી લીધા હતા. જયારે એક શખ્‍સ ફરાર જાહેર થયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગના ઇન્‍ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્‍ટાફના સજુભા જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્‍તારમાં રહેતા અને ફાયનાન્‍સનું કામ કરતા વિરેન્‍દ્રસિંહ ખુમાનસિંહ સોલંકી નામના ૩૭ વર્ષના શખ્‍સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા ૨,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની પાંચ બોટલ ઝડપી લીધી હતી. આ પ્રકરણમાં ભિખા કાના લુણા નામના શખ્‍સ પાસેથી તેણે દારૂનો ઉપરોક્‍ત જથ્‍થો વેચાણ અર્થે મેળવ્‍યો હોવાનું કબૂલ્‍યું હતું. તેથી પોલીસે ગાયત્રીનગર વિસ્‍તારમાં રહેતા અને પાનની દુકાન ધરાવતા ભિખા કાના લુણાના રહેણાંક મકાનમાં દરોડો પાડી, રૂપિયા ૧૦,૮૦૦ ની કિંમતની ૨૭ બોટલનો જથ્‍થો કબજે કર્યો હતો. આ પ્રકરણમાં ધરારનગર વિસ્‍તારમાં રહેતા નવલ ઘેલા ગંઢ નામના શખ્‍સનું નામ ખુલવા પામ્‍યું હતું. જેથી પોલીસે નવલ ઘેલા ગંઢના રહેણાંક મકાનમાં દરોડો પાડી, વધુ રૂપિયા ૧૧,૨૦૦ ની કિંમતની ૨૮ બોટલ વિદેશી દારૂ કબજે લીધો છે. જોકે આરોપી નવલ ઘેલા ગંઢ પોલીસને હાથ લાગ્‍યો ન હતો. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં પ્રોહી. એક્‍ટ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

કલ્‍યાણપુરના ખાખરડા ગામે નવ જુગારીઓ ઝડપાયા

કલ્‍યાણપુરથી આશરે ૧૧ કિલોમીટર દૂર આવેલા ખાખરડા ગામે તળાવના કાંઠે બેસી અને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા દિગ્‍વિજયસિંહ ઉર્ફે દીગુભા દોલુભા જાડેજા, રઘુવીરસિંહ દાજીભા જાડેજા, રામદેવસિંહ ભીખુભા જાડેજા, પરાક્રમર્સિહ બચુભા જાડેજા, હરેશસિંહ વખતસિંહ જાડેજા, વનરાજસિંહ દિલુભા ગોહિલ, રાજેન્‍દ્રસિંહ દિલભા ગોહિલ, ઇન્‍દ્રસિંહ લખમણજી જાડેજા અને લગધીરસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના નવ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખ્‍સો પાસે પોલીસે રૂપિયા ૨૭,૮૪૦ રોકડા તથા રૂપિયા ૨૪,૫૦૦ ની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન અને રૂપિયા ૫૫ હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧૦૭,૩૪૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

કલ્‍યાણપુરમાં પીધેલો

કાર ચાલક ઝડપાયો

કલ્‍યાણપુર નજીક આવેલી હર્ષદ ચેકપોસ્‍ટ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૮૦ હજારની કિંમતની અલ્‍ટો મોટરકાર લઈને નીકળેલા રાજકોટ તાલુકાના કુવાડવા ખાતે રહેતા ભાવેશ શાંતિભાઈ પરમાર નામના ૪૩ વર્ષના યુવાનને પોલીસે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી. 

(12:21 pm IST)