Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કચ્છના હરામીનાળામાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ

૧૫મી ઓગસ્ટના એલર્ટ વચ્ચે બીએસએફ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું

(વીનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫

કચ્છના દરિયા કિનારે માછીમારીની સીઝન શરૂ થઈ ચુકી છે. ત્યારે આ તકનો લાભ લઈને ભારતની સીમામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસને સતર્ક બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે. એન્જીનવાળી બોટમાં સવાર પાકિસ્તાનીઓ ઘૂસણખોરી માટે કુખ્યાત કચ્છના હરામીનાળાથી ભારતીય સીમમાં આજે સવારે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ સીમા સુરક્ષા દળના જવાનોને પેટ્રોલિંગ કરી રહેલા જોઈને બોટ મૂકીને તેમના દેશમાં ભાગી ગયા હતા. માછીમારીની સીઝન શરુ થઈ થઈ હોવાને પગલે ઘૂસણખોરી થઈ શકે છે તેવા ઇનપુટને પગલે કચ્છમાં ઈન્ડો-પાક બોર્ડરે બીએસએફના જવાનો એલર્ટ છે. આ ઉપરાંત ૧૫મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને પણ દર વર્ષની જેમ આ વખતે એલર્ટ આપવામાં આવેલું છે. એટલે રાઉન્ડ ઘી ક્લોક બોર્ડર ઉપર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે.

ગુજરાત  બીએસએફ ફ્રન્ટિયરની જી બ્રાન્ચના સેકન્ડ ઈન કમાન્ડ આશિષ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર વિગતો પ્રમાણે, કચ્છના હરામીનાળા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ઘુસણખોરીનો નાકામ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ માછલી પકડવા આવી હોય તેવી લાગતી બે એન્જીન ફિટેડ બોટમાં પાકિસ્તાનીઓએ હરામીનાળામાં પ્રવેશ કર્યો હતો. પરંતુ બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીએ તેઓ ભારતની જળસીમામાં વધુ આગળ આવે તે પહેલા જ તેમને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો હતો. હંમેશની જેમ ભૌગોલિક પરિસ્થિતિનો લાભ ઉઠાવીને પાક ઘૂસણખોરો બોટ મૂકીને તેમના દેશની જમીન ઉપર સરકી ગયા હતા. બંને બોટને જપ્ત કરવામાં આવી છે. તથા આ બે બોટ સિવાય અન્ય બોટ-ઘૂસણખોરો આ વિસ્તારમાં આવી ગયા છે કે નહિ તેની ચકાસણી કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

(10:02 am IST)