Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબીના જાહેરમાં ગંદકી ફેલાવતા હોટલ માલિકોને મધ્યરાત્રીએ પકડતી નગર પાલિકા

ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ વોચ ગોઠવી કચરો નાખતા હોટલ માલિકો સામે દંડનીય કાર્યવાહી કરી સબક શીખવાડયો

 મોરબી શહેરમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા અને શહેરને ગંદુ બનાવતા તેમજ પ્લાસ્ટિક કચરાથી ગૌવંશને મોતના મુખમાં ધકેલતા તત્વોને ખુલ્લા પાડવા માટે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ગતરાત્રે વોચ ગોઠવી મેદાને આવ્યા હતા અને શહેરના પ્રવેશદ્વાર એવા સમયના ગેટ પાસેથી પ્લાસ્ટિક, એઠવાડ સહિતનો કચરો ફેકતા હોટલ માલિકોને સ્થળ ઉપર બોલાવી દંડનીય કાર્યવાહી કરી સબક શીખવાડયો હતો.

મોરબીના પ્રવેશદ્રાર સમાન સમયના ગેઇટ પાસે કચરાના ગંજ હોવાનું ધ્યાને આવતા આસપાસના અમુક હોટલના માણસો જ અહીં વાસી એઠવાડ નાખતા હોવાની ફરિયાદ મળ્યા બાદ નગરપાલિકાના ઓફિસર સંદીપસિંહ ઝાલા અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ ગતરાત્રે ત્યાં વોચ ગોઠવીને ઓચીતું ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે એક હોટલના માણસો કેરેટ લઈને વાસી એઠવાડ તેમજ પ્લાસ્ટિકનો કચરો ઠાલવવા આવતા પાલિકાની ઝપટે ચડી ગયા હતા. આથી ચીફ ઓફિસર અને પાલિકાના ઉપપ્રમુખે આવા હોટલના માણસોને શહેરને ગંદુ બનાવવા બદલ બરાબર તતડાવી નાખી બીજી વખત અહીં કચરો ફેંકે નહિ તે માટેનો બરાબરનો પાઠ ભણાવ્યો હતો. નગરપાલિકાની ચીફ ઓફિસર અને ઉપપ્રમુખે ગંદકી ફેલાવતા હોટલના માલિકોને સ્થળ બોલાવ્યા હતા. જેમાં પટેલ રાજા પાઉભાજી, ટીપટોપ રેસ્ટોરન્ટ, મારવાડી પૌનભાજી હોટલના માલિકો સામે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરી હતી અને હવે પછી અહીં ગંદકી ફળવાશે તો આકરી કાર્યવાહી કરશે તેવી તાકીદ કરી હતી.

નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું નગરપાલિકા દ્વારા સફાઈની યોગ્ય કામગીરી કરવામાં આવે છે પણ નગરપાલિકા જે જગ્યાએ સફાઈ કરી ચોખ્ખું કરે તરતજ ત્યાં ફરી ગંદકી ફેલાવવામાં આવે છે. આમ અમુક બેફિકર લોકો કચરો કરે અને પાલિકા એ કચરો ઉપાડ્યા જ રાખે આવી રીતે તો નગરપાલિકા શહેરને કેવી રીતે સ્વચ્છ રાખી શકે. એટલે ગંદકી ફેલાવતા તત્વો છે તેને ખુલ્લા પાડવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ઓચિંતા ચેકિંગ કર્યું છે. જેમાં હોટલવાળાઓનું ગંદકી ફેલાવવામાં ગંભીર બેદરકારી બહાર આવી છે. જે બદલ યોગ્ય કાર્યવાહી કરી છે અને હજુ પણ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી થશે

(1:09 am IST)