Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

જૂનાગઢમાં યોજાશે સૂર શબ્દનો ઉત્સવઃ સાહિત્યોત્સવનું આયોજન

૧૦થી ૧ર ઓગષ્ટ પ્રેરણાધામ ખાતે ગુજરાતનાં નામાંકિત સાહિત્યકારોનું માર્ગદર્શનઃ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુકો માટે વિનામૂલ્યે રજીસ્ટ્રેશન

જુનાગઢ, તા.પઃ આપણા અમૂલ્ય ગુજરાતી સાહિત્ય વારસાના અંશ તરીકે ૧૦, ૧૧,૧૨ ઓગસ્ટના રોજ પ્રેરણાધામ, જૂનાગઢમાં પ્રથમ 'સાહિત્યોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દરેક સાહિત્યપ્રેમી માટે રજિસ્ટ્રેશન નિઃશુલ્ક છે. સાહિત્યપ્રેમી અમૂલ્ય સમય ફાળવીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતી સાહિત્યના અંશ સમાન લેખન-કૃતિઓના સત્ર અને શિબિર થકી ગુજરાતી સંસ્કૃતિ, સંસ્કાર, સાહિત્ય, ભાષા અને વારસાને જાળવવા માટેનો ટીમ સાહિત્યોત્સવનો આ નમ્ર પ્રયાસ છે.

'સાહિત્યોત્સવ' એટલે ગુજરાતી ભાષા સહિત્યના વારસા સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય અને વિવિધ આધુનિક સ્વરૂપમાં તેના રૂપાંતર સાથેનો ઉત્સવ. સર્જકના શબ્દને અને ભાવોને ગુજરાતીઓનાં હૈયા સુધી પહોંચાડવાનો ઉમંગ એટલે સાહિત્યોત્સવ.

ગુજરાતના ફલક પર ગુજરાતી સંસ્કૃતિ,ભાષા, સાહિત્યને ધબકતી રાખવા માટેના આ આધુનિક પ્રયાસમાં વિખ્યાત ગુજરાતી સાહિત્યકારો, લેખકો, પત્રકારો, કવિઓ અને ગુજરાતી સિનેમા સાથે જોડાયેલાં દિગ્ગજો વિવિધ વિષય પર પ્રકાશ પાડશે. આશરે ૩૦૦૦થી વધુ સાહિત્યપ્રેમીઓ આ ઉત્સવની મુલાકાત લેવા માટે તત્પર છે.

સાહિત્યોત્સવમાં રાજેન્દ્ર શુકલ, શોભિત દેસાઈ, રાજેશ વ્યાસ 'મિસ્કિન' જેવા નામાંકિત કવિગણ ગુજરાતી પદ્ય પર તેમના વિચારો રજૂ કરશે તો પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, આશુ પટેલ, કૃષ્ણકાંત ઉનડકટ, જયોતિબહેન ઉનડકટ, શિલ્પાબહેન દેસાઈ જેવા દિગ્ગજ પત્રકાર – લેખક તેમના અનુભવો કહેશે.ગુજરાતી ફિલ્મી હસ્તીઓમાંથી ચેતન ધાનાણી,જય ભટ્ટ, રોનક કામદાર, પાર્થ ઓઝા, રામ મોરી ગુજરાતી સિનેમાના નવયુગ અંગે ચર્ચા કરશે તેમજ અત્યારે ગુજરાતી ફિલ્મોના યુગ વિશે જાણકારી પણ આપશે.

આધુનિક યુગમાં પણ જીવંત રહે અને નવપેઢી પણ તેને વધાવે એવી ખેવના સાહિત્યોત્સવ સેવી રહ્યું છે.

ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યે મમત્વ જગાડવાનો સાહિત્યોત્સવના આયોજકો અને ટીમનો આ પ્રથમ પ્રયત્ન છે. સાહિત્ય સેવાની આ અવિરત કેડીએ સાહિત્યોત્સવને સાહિત્યપ્રેમીઓની આંગળી ઝાલીને, રજથી ગજ સુધીના સંગાથથી ચાલવું છે. દોડવું છે, ઉડવું છે...

કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા જયારથી તમે ખુદની જાત પર ભરોસો મૂકો ત્યારથી તમે વિશ્વના સર્વ શકિતમાન માનવી બની જાઓ છો. આ જ વાકયને સાહિત્યોત્સવના આયોજકો નીતાબહેન સોજીત્રા અને મેહુલ પટેલે ઉજાગર કર્યું છે. સાહિત્યક્ષેત્રે નવોદિતોને મંચ આપવાના વિચારબીજને તેમણે સિંચન આપીને આ કાર્યક્રમરૂપી વૃક્ષ સાહિત્યપ્રેમીઓને અર્પણ કર્યું છે.

નીતાબહેન સોજીત્રા તથા મેહુલ પટેલ કહે છે કે આ કાર્ય માટે તેમને લોકોએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે.

કાર્યક્રમ દરમિયાન કેટલીક સુંદર સાહિત્યિક પ્રવૃત્ત્િ।ઓ માટેઙ્ગઙ્ગઅદભુત આઈડિયા આપ્યા છે.

ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સિનેમા સાથે સંકળાયેલા તુષાર શુકલ,મલ્હાર ઠાકર, પૂજા ગોર, આશિષ કક્કડ, આરતી પટેલ,  પ્રેમ ગઢવીએ શુભેચ્છા પાઠવી છે.

આ  સાહિત્યોત્સવનું રજિસ્ટ્રેશન સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. સાહિત્યોત્સવનાં ફેસબુક પેજ ઉપર અથવા કાર્યક્રમ સ્થળે પણ આપ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. સાહિત્યોત્સવ વિશે વધુ માહિતી માટે  www.sahityotsav.com તથા

નીતાબહેન સોજીત્રા અને મેહુલ પટેલ

(મો.૯૬૮૭૪૧૭૩૩૦) પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(4:04 pm IST)