Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

કચ્છના મુન્દ્રા માંડવીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: લુણી ગામે નદી વહેતી થતાં વાહનવ્યવહાર અટક્યો, સમાઘોઘા ગામે બસ ફસાઈ, મુન્દ્રામાં પાણી ભરાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫

 કચ્છમાં ઝરમર ઝરમર અને ઝાપટાં વચ્ચે મેઘરાજાએ માંડવી અને મુન્દ્રા શહેર અને તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ૪ કલાકમાં અઢી થી ત્રણ ઈંચ પાણી પડી ગયું હતું. સમાઘોઘા ગામના ઉપસરપંચ મહાવીરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આજે સવારે એસ ટી બસ ફસાઈ ગઈ હતી અને સ્કૂલ ના છાત્રોએ બસને ધક્કા દઈ બહાર કાઢવામાં મદદ કરી હતી. મુન્દ્રાના યુવા પત્રકાર રાજ સંઘવીએ આપેલી માહિતી અનુસાર લુણી ગામની નદી બે કાંઠે વહી નીકળી હતી અને વાહન વ્યવહાર ઉપર અસર થઈ હતી. મુન્દ્રા શહેરની બીએસએનએલ કચેરી નજીક શાસ્ત્રી મેદાન પાસે ભૂખી નદી ની પાપડી પર પુષ્કળ પાણી ભરાતા વાહનવ્યવહાર પર અસર થઈ હતી.

તેવી જ રીતે ડાક બંગલા પાસે ભારે વરસાદ થી ભૂખી નદી ના તટ માં વરસાદી પાણી ભરાયા હતા અને હાથ ગાડી તેમજ રીક્ષા ડૂબેલા જોવા મળ્યા હતા.

મુન્દ્રા ની વાંકલ બજાર, હરિ નગર, તાલુકા પંચાયત કચેરી નજીક, એસ ટી વર્ક શોપ, જવાહર ચોક માં વરસાદી પાણી ભરાયા હતા. માંડવી શહેર અને તાલુકામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે વરસાદી માહોલ છવાયો હતો. (તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(11:27 am IST)