Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કચ્છના નખત્રાણાના વિથોણ ગામમાં અષાઢી બીજે વડિલો ઉપર જળ અભિષેકની પરંપરા

કચ્છ :ગઈકાલે દેશભરમાં રથયાત્રાનો પર્વ ઉજવાયો હતો. જેમાં ભગવાન જગન્નાથના રથ ભાઈ-બહેનની સાથે નગરચર્યા કરવા નીકળે છે. આ પ્રથા સમગ્ર ભારતમાં એક જ પ્રકારે ઉજવાય છે. ત્યારે કચ્છના નખત્રાણા તાલુકાના વિથોણમાં અષાઢી બીજના પાવન અવસર પર ગામના વડીલો પર જળાભિષેક કરાય છે. આ ગામ લગભગ 400 વર્ષની પરંપરાને આજે પણ જીવંત રાખે છે. ગઈકાલે અષાઢી બીજના તહેવારની અહીં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિના વરસાદે ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. ગામની નવોઢાઓએ વડીલોને પિતૃભાવે અષાઢી સ્નાન કરાવ્યું હતું, ત્યારબાદ દરેક શેરીઓમાં પાણીની છોળો ઉડી હતી.

છેલ્લાં 400 વર્ષથી આષાઢી બીજે કરાતી પરંપરાગત ઉજવણી અંતર્ગત વિથોણ ગામના ખેતાબાપાનાં સ્થાનકે વહેલી સવારે ગ્રામજનો સમૂહ બનાવી માથું ટેકવવા અને ચડતર કરવા ઊમટયા હતા. ચડતરમાં એક માથા દીઠ એક એ રીતે 11,૦૦૦ શ્રીફળ વધેરવામાં આવ્યાં હતાં, તેમજ 400 કિલો સુખડીનો પ્રસાદ ચઢાવાયો હતો. બપોર બાદ ગામની નવોઢાઓએ સંત ખેતાબાપાના ચરણ પખાળી સમાધિ સ્નાન કરાવ્યુ હતું, ત્યારબાદ પરિસરમાંથી પાવન જળ ભરી ગામના ચોકમાં કતારબંધ બેઠેલા વડીલોને પિતૃભાવે અષાઢી સ્નાન કરાવ્યુ હતું. વડીલોને વંદન કરી નવોઢાઓ દ્વારા શેરીઓમાં સામૂહિક જળાભિષેક કરાયો હતો, જેનાથી ગામની ગલીઓમાં વિના વરસાદે પાણી વહી નીકળ્યાં હતાં.

ખેતાબાપા સંસ્થાના અગ્રણી કાન્તીભાઈ પટેલે જણાવ્યું કે, 400 વર્ષ પહેલા ગાયોની રક્ષા કાજે શહીદી વહોરીને સંત ખેતાબાપા અમર થયા હતા. તેથી આ ગામમાં બાપાનાં ચરણે ચડતરમાં એક પુરુષ માથા દીઠ એક એ રીતે ૧૧૦૦૦ શ્રીફળ વધેરવામાં આવે છે. અમર થયેલા સંત ખેતાબાપાને આજે પણ નત મસ્તકે વંદન કરવા દેશભરમાંથી લોકો આવી પહોંચે છે. પૂજા ,અર્ચન, મહા આરતી, શોભા યાત્રા, પ્રસાદ તેમજ બપોર પછી જળ પૂજા, વડીલોને સ્નાન એવી પરંપરા સદીઓથી ચાલી આવે છે.

જળ પૂજા વિશે ગામના અગ્રણીઓએ જણાવ્યું કે, આ ઉત્સવ અમે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ અને 400 વર્ષ જૂનો અનેરો ઉત્સવ ખૂબ જ પ્રેમ ભાવથી ઉજવીએ છીએ. તો આજુબાજુના ગામોનો મહિલા વર્ગ પણ ઉત્સાહભેર ભાગ લેવા અહીં આવી જાય છે.

ગામના મહિલા મંડળના પ્રમઉખ ચંચળબેન લખમશી કહે છે કે, સાસરે ગયા પછી પણ દીકરીઓ અને બહારગામ ગયેલી વહુઓ આષાઢી બીજની ઉજવણી તો અહીં કરવા માટે આવે છે. દરેક લોકોનો સહયોગ સાંપડે છે. મહાઆરતી પ્રસંગે વરસાદનાં આગમન માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આષાઢી બીજની પૂર્વ સંધ્યાએ ભક્તિભાવ સાથે દાંડિયા રાસ, હાસ્ય રસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આમ કચ્છના ગામડાઓમાં આ તહેવાર અનેક રંગોથી ઉજવાતો જોવા મળે છે.

(5:10 pm IST)