Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જામનગરમાં રખડતા પશુએ ભોગ લેતા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા આવેદન

જામનગર, તા. ૫ :. જામનગરમાં રખડતા પશુએ હડફેટે લેતા દિનેશભાઈ ટાંકનું મોત થતા શ્રી ગુર્જર પ્રજાપતિ સમાજ જામનગર દ્વારા કમિશ્નરશ્રી તથા જીલ્લા પોલીસ અધિકારીશ્રીને પત્ર પાઠવીને ન્યાય આપવા માંગણી કરી છે.

તેઓએ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, મૃત્યુ પામનાર સ્વ. દિનેશભાઈ જમનભાઈ ટાંકનું અવસાન થતા તેમના પરિવારના સભ્યો તેમજ સમસ્ત પ્રજાપતિ સમાજ અતિશોકમય બની ગયેલ છે. સ્વ. દિનેશભાઈ જમનભાઈ ટાંકનું અવસાન થતા તેમના ઘરનું સંચાલન કઈ રીતે ચાલશે તે મોટો યક્ષ પ્રશ્ન છે. તેમના મૃત્યુ માટે જવાબદાર કોણ ? સ્વ. દિનેશભાઈ જમનભાઈ ટાંકના પરિવારની આજીવિકાનો પ્રશ્ન ઉભો થતા સમસ્ત પ્રજાપતિ સમાજ, જામનગર દ્વારા આવેદનપત્ર પાઠવાયુ છે.

જેમા તા. ૨૯-૬-૨૦૧૯ના બનાવવાળી જગ્યા પાસેના સીસીટીવી કુટેજ મેળવી ગેરકાયદેસર નીરણનું વેચાણ કરનાર તેમજ પશુ માલિક વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૪ (અ) મુજબ ગુન્હો નોંધવા તેમજ અવસાન પામનાર સ્વ. દિનેશભાઈ જમનભાઈ ટાંકના મૃત્યુ બદલ જામનગર મહાનગરપાલિકા વિભાગ દ્વારા રૂ. ૨૫,૦૦,૦૦૦ તેમજ જીલ્લા પોલીસ અધિકારી વિભાગ દ્વારા રૂ. ૨૫,૦૦,૦૦૦ મળી સ્વર્ગસ્થના પરિવારજનોને તાત્કાલીક અસરથી રૂ. ૫૦,૦૦,૦૦૦ અંકે રૂપિયા પચાસ લાખ પુરા કોમ્પેન્સેશન તરીકે સરકારી રાહત જાહેર કરે. તેમજ સ્વર્ગસ્થની પુત્રી હીતીક્ષાની ઈજા સબબ થયેલ તથા થનાર તમામ ખર્ચ સરકારશ્રી ભોગવે તેમજ સ્વ. દિનેશભાઈ જમનભાઈ ટાંકના પરિવારમાંથી કોઈપણ એક વ્યકિતને તાત્કાલીક અસરથી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી ધોરણે નોકરીમાં સમાવિષ્ટ કરે. જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતા રાજમાર્ગો તેમજ શહેર વિસ્તારના અંદરના ભાગોમાં આપ બન્ને અધિકારીઓ દ્વારા પંદર દિવસે ઓચિંતા ઈન્સ્પેકશન વિઝીટ કરવા નમ્ર વિનંતી છે.

તાત્કાલીક અસરથી રખડતા ઢોરો બાબતે યોગ્ય પગલા લેવા તેમજ સ્વર્ગસ્થના પરિવારજનોને ઉપરોકત સહાય ચૂકવવા તેમજ આ બાબતે સરકારશ્રીમાં પણ ધ્યાન ઉપર મુકવા આ આવેદનપત્ર પાઠવાયુ છે.

(1:20 pm IST)