Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

માણાવદરના વાળાછડા પાસે કારે-બાઇકને ઉલાળતા આહીર દંપતી કાળનો કોળીયો

ધનાભાઇ સિસોદીયા પત્ની હીરીબેન સાથે કંડોરણાથી નાગોદર જતા'તાઃ બાઇકને ઠોકર માર્યા બાદ કાર પલ્ટી જતા એકને ઇજાઃ પુત્રએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં આક્રંદ

રાજકોટ, તા., પઃ માણાવદરના વાળાછડા ગામ નજીક અકસ્માતની ઘટનામાં ફોરવ્હીલના ચાલકે બાઇકને ઉલાળતા આહીર દંપતીનું રાજકોટની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા પરીવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ઉપલેટાના નાગોદર ગામમાં રહેતા ધનાભાઇ મારખીભાઇ સીસોદીયા (ઉ.વ.૪૮) ગઇકાલે સાંજે પત્ની હીરીબેન સાથે બાઇક પર કંડોરણાથી નાગોદર ગામે આવતા હતા. ત્યારે માણાવદરના વાળાછડા ગામ પાસે જી.જે. ૧ર બી.એફ ૩૧૮૧ નંબરની કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા ધનાભાઇ અને તેના પત્ની હીરીબેન ફંગોળાઇ જતા બંન્નેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત થતા કાર રોડ સાઇડમાં ઉતરી પલ્ટી ખાઇ ગઇ હતી. તેમાં પણ એક વ્યકિતને ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને આહીર દંપનીને તાકીદે સારવાર માટે પ્રથમ ઉપલેટા બાદ વધુ સારવાર માટે રાજકોટ લાવતી વખતે પત્ની હીરીબેને રસ્તામાં દમ તોડી દીધો હતો અને પતિ ધનાભાઇને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાં મોડી રાત્રે ધનાભાઇનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. મૃતક ધનાભાઇ ખેતીકામ કરતા હતા તેને સંતાનમાં એક પુત્ર છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ પી.પી.ચાવડાએ પ્રાથમીક કાગળો કરી માણાવદર મોકલવા તજવીજ હાથ ધરી છે

(11:31 am IST)