Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

શ્રી ખોડલધામ મંદિર સવારે ૬:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી ખુલ્લું રહેશેઃ આરતીમાં ભાવિકોને નો એન્ટ્રી

માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું પડશે

રાજકોટઃ કોરોના વાઇરસની મહામારીના કારણે થયેલા તબક્કાવાર પાંચ લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક-૧ની જાહેરાત કરીને નિયમોને આધિન ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. આથી સરકારશ્રીના નિયમો પ્રમાણે ૮ જૂનને સોમવારથી રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે ખુલશે. સરકારશ્રીએ છૂટછાટ આપતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીમંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસર ખોલવાનું નક્કી કરાયાનું યાદીમાં જણાવાયું છે.

ગત તારીખ ૨૦ માર્ચથી ખોડલધામ મંદિર કોરોના વાઇરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું હવે જયારે ૮૦ દિવસ બાદ ૮ જૂનથી ખોડલધામ મંદિર ખુલી રહ્યું છે ત્યારે દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. જો કે હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર સાથે મંદિર ખુલશે તેની દરેક ભકતજનોએ નોંધ લેવી. ૮ જૂનથી ભકતો માટે સવારના ૬-૩૦ થી સાંજના ૬-૩૦ સુધી જ મંદિર પરિસર દર્શન માટે ખુલ્લું રહેશે. શ્રી ખોડલધામ મંદિરે સવારે અને સાંજે થતી આરતીનો લ્હાવો હાલ પૂરતો કોઈ ભકતો નહીં લઈ શકે. મંદિરના પ્રવેશદ્વાર પર થર્મલ ગનથી તમામ ભકતોના શરીરનું તાપમાન માપવામાં આવશે અને જો વધુ તાપમાન જણાય તો મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પરિસરમાં પ્રવેશનાર દરેક ભકતોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને અંદર પ્રવેશ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સીંગનું ખાસ પાલન કરવું પડશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા પણ મંદિર પરિસરમાં ભકતો વધુ સંખ્યામાં એકઠાં ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને દર્શન ગૃહમાં દર્શનાર્થી વચ્ચે જરૂરી અંતર જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે.

     હાલ મંદિરે થતાં ધ્વજારોહણ કાર્યક્રમમાં ફકત પાંચ લોકો જ ઉપસ્થિત રહીને ધ્વજારોહણ કરે તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિરના અન્નપૂર્ણાલય અને પ્રસાદદ્યર હાલ નહીં ખુલે. હાલ માત્ર ભકતો માટે ચા-પાણીની જ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે. આગામી સમયમાં સરકારશ્રી દ્વારા જે નિયમો જણાવવામાં આવશે અને ટ્રસ્ટી મંડળ દ્વારા જે નિર્ણય લેવાશે તે પ્રમાણે મંદિર પરિસરનું સંચાલન થશે જેની સર્વ ભકતોએ નોંધ લેવા અંતમાં જણાવાયું છે.(૩૦.૩)

મંદિરના પરિસરને બેકટેરીયા મુકત કરાયુ

રાજકોટઃ લોકડાઉનમાં શ્રી ખોડલધામ મંદિર બંધ હતું તે સમયમાં સંપૂર્ણ મંદિર પરિસરને બેકટેરિયાથી મુકત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પ્રમાણિત મશીન દ્વારા શ્રી ખોડલધામ મંદિરના પરિસરમાં તમામ જગ્યાએ મશીન દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું હતું. મંદિરની બારીક કોતરણી, રેલિંગ, દાનપેટી, દ્યંટ સહિતની જગ્યાએ રહેલા તમામ બેકટેરિયા દૂર થાય તે માટે આ કામગીરી કરાઈ હતી. સમગ્ર મંદિરને શિખરથી લઈને નીચેના ભાગ સુધી પાણીથી સાફ કરવામાં આવ્યું હતું.  આગામી સમયમાં પણ સમયાંતરે મંદિર પરિસરમાં સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.

(12:59 pm IST)