Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

માસ્ક પહેરવાનુ કહેતા પિતો ગયો અને

ધ્રાંગધ્રાના PSI પોલીસ કર્મી પર યુવકે બ્લેડથી હુમલો કરતા ફરીયાદ

વઢવાણ, તા.૫: હાલ સમગ્ર જિલ્લામાં લોકડાઉન-૩નો પ્રારંભ થઈ ચૂકયો છે અને કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉનની કામગીરીમાં વહિવટી તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ખડેપગે રહી કામગીરી કરી રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક પાસે લોકડાઉન દરમિયાન બંદોબસ્તમાં રહેલ પોલીસ કોન્સ્ટેબલ સહિત પી.એસ.આઈ. પર બ્લેડ વડે હુમલો કર્યા અંગે ત્રણ શખ્સો સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ જિલ્લામાં લોકડાઉન-૩ ચાલી રહ્યું છે. જેના કારણે ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે રાજકમલ ચોક પાસે સીટી પોલીસ મથકના કોન્સ્ટેબલ પરાક્રમસિંહ ઝાલા સહિત ટી.આર.બી.ના મૌસીનભાઈ સુમરા સહિત હોમગાર્ડઝ જવાનો ફરજ પર હતા તે દરમિયાન સવારના સમયે બુલેટ, મોટરસાઈકલ પર એક યુવક માસ્ક પહેર્યા વગર પસાર થતાં તેને રોકવાની કોશિષ કરતાં ઉભો રહ્યો નહોતો.

આગળ જઈ બાઈક ઉભુ રાખતા પિતાની ઓળખાણ આપી હતી અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી રહ્યો હતો તે દરમિયાન યુવકના પિતા સહિત મોટો ભાઈ આવી ગયા હતા અને ત્રણેયે એકસંપ થઈ બોલાચાલી કરતાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને આ દરમિયાન પી.સી.આર વાન તથા પી.એસ.આઈ. એન.બી.ડોડીયા સહિતનો સ્ટાફ આવી પહોંચ્યો હતો.

ત્યારે આ ત્રણેય વ્યકિતને પકડવાના પ્રયાસો કરતાં યુવકના મોટાભાઈ ગૌતમભાઈએ પોતાની પાસેની બ્લેડ વડે પી.એસ.આઈ. એન.બી.ડોડીયા પર હુમલો કરી કોણીના ભાગે ઈજાઓ પહોચાડી હતી અને પોતે અનુ.જાતિના હોવાનું જણાવી પોલીસ વિરૂધ્ધ માર માર્યાની ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પી.એસ.આઈ.ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ત્રણ શખ્સો જયદીપભાઈ સોમાભાઈ વાણીયા, ગૌતમભાઈ સોમાભાઈ વાણીયા, સોમાભાઈ મોતીભાઈ વાણીયા તમામ રહે. આંબેડકરનગર ધ્રાંગધ્રાવાળા સામે ફરજમાં રૂકાવટ તેમજ ખોટી ફરિયાદ આપવાની ધમકીઓ અંગે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(11:39 am IST)