Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાની એન્ટ્રીઃ ભેંસાણ સીએચસીના ડોકટર-પ્યુનને પોઝીટીવ

સોરઠમાં કોરોનાનો કેસ નોંધાતા-ખળભળાટ સાથે હલચલઃ ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રને સીલ કરી દેવાયું: સીએચસીનાં તમામ કર્મચારીઓનું ચેકઅપ-કલેકટર ડો. સૌરભ પારધી

જુનાગઢ તા. પઃ જુનાગઢ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થતાં ભારે ખળભળાટ સાથે હલચલ-દોડધામ મચી ગઇ છે. ભેસાણ સીએચસીનાં ડોકટર અને તેના પ્યુન કમ ચોકીદારને પોઝીટીવ કોરોના હોવાનું જાણવા મળેલ છે.

તબીબ સહિત બે કર્મી.ને કોરોનાં પોઝીટીવ માલુમ પડતા કલેકટર ડો. સૌરભ પારધીએ આગળનાં પગલા હાથ ધર્યા છે. તેમજ ભેસાણ સીએચસીને સીલ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ શહેર અને જિલ્લાને કોરોના મુકત રાખવા માટે વહીવટી, આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા સઘન પગલા લેવામાં આવેલ અને લોકડાઉનના પાલન માટે વરિષ્ઠ અધિકારીઓ સતત ખડેપગે રહ્યા છે છતાં આજે જુનાગઢ જિલ્લામાં કોરોનાએ પગ પેસારો કરી લેતા હંડકંપ મચી ગયો છે.

જુનાગઢ જિલ્લાનાં ભેસાણ ખાતેનાં સામુહિક આરોગ્ય કેન્દ્રનાં ડોકટર અને તેનાં પ્યુન કમ ચોકીદારનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ બશ્રંનેને કોરોના થયો હોવાની જાણ થતાની સાથે કલેકટર ડો. સૌરભ પારધી તેમજ ડીડીઓ પ્રવીણ ચૌધરીએ તાકીદની એક બેઠા યોજી હતી. જેમાં ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ અને પ્યુનને કોરોના પોઝીટીવ થવા અંગેની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેકટર ડો. સૌરભ પારધીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ભેસાણ સીએચસીનાં તબીબ અને પ્યુન કમ ચોકીદારને કોરોના પોઝીટીવ થયો હોવાનું માલુમ પડયું છે. આ બંનેને કોરોનાનો ચેપ કંઇ રીતે લાગ્યો તે અંગેની માહિતી મેળવાઇ રહી છે.

હાલ તાત્કાલિક ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં તમામ કર્મચારીઓનું સઘન મેડીકલ ચેકઅપ હાથ ધરી દેવામાં આવેલ છે તેમજ કોરોના પિડીત બંને કર્મચારીને સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

કલેકટર ડો. સૌરભ પારધીએ વધુમાં જણાવેલ કે, ભેસાણ સીએચસીના કોરોના ગ્રસ્ત તબીબ અને પ્યુન કોનાં કોનાં સંપર્કમાં આવેલ છે તેની માહીતી મેળવાઇ રહી છે. અને તમામ પ્રકારના આરોગ્ય વિષયક પગલા લેવામાં આવી રહ્યા છે.

લોકડાઉનનાં પ્રથમ દિવસથી જુનાગઢ જિલ્લામાં તંત્રની અસરકારક કામગીરીને લઇ સોરઠ પ્રદેશ કોરોના મુકત રહેલ પરંતુ એકી સાથે બે દર્દીનાં પોઝીટીવ રીપોર્ટ આવતા દોડધામ મચી ગઇ છે.

બે કેસ આવતા ભેંસાણમાં અફવાનું  બજાર ગરમઃ દુકાનો ટપોટપ બંધ

જુનાગઢ તા. પઃ બે કોરોના પોઝીટીવ કેસને લઇ ભેસાણમાં અફવાનું બજાર ગરમ થયું હોવાનું જાણવા મળેલ છે.

જોકે તંત્રએ અફવાથી દુર રહેવા અને તંત્રને સહકાર આપવા લોકોને અનુરોધ કર્યો છે. ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી)નાં ડોકટર અને તેનાં પટ્ટાવાળાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા ભેસાણમાં વિવિધ બજાર ગરમ થઇ ગયું છે.

એક અહેવાલ પ્રમાણે સવારે ભેસાણ ખાતેની દુકાનો પણ કોરોનાનાં બે કેસને લઇને ટપોટપ બંધ થતા લાગી હતી.

જોકે તંત્રએ લોકોને અફવાથી દુર રહેવા અનુરોધ કર્યો છે.

(11:45 am IST)