Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇના હસ્‍તે લોકાર્પણ થયેલ લાખોટા કોઠા મયુઝીયમ અંગે લાભાર્થીઓના મંતવ્‍યો

જામનગર: જામનગરના એક દુકાનદાર ચિરાગ ઓઝા કહે છે કે, લાખોટા મ્યુઝિયમએ પુરાતત્વીય સંગ્રહાલય છે. જેના જાળવણી અને રક્ષણ માટે કુલ ૧૮ કરોડના સરકારી તંત્ર દ્વારા સુંદર વિકાસના કામ થયા છે. જામનગરવાસીઓને ફરવા માટે લાખોટા તળાવ તો સુંદર બનાવાયુ જ છે પરંતુ સાથો સાથ તળાવની અંદરના કિલ્લા અને તેની અંદર આવેલ સંગ્રહાલયને સુંદર રૂપ આપી ત્યાં અનેક સવલતો ઉભી કરી એક આગવું પર્યટન સ્થળ પણ બનાવ્યુ છે,દેશ અને વિદેશથી પણ પ્રવાસીઓ તળાવ, મ્યુઝીયમ, પક્ષીઓ જોવા અહી આવે છે.

રાજકોટના યોગેશ શાહ તેમના તથા મિત્રના પરિવાર સાથે જામનગર લાખોટા તળાવે ફરવા આવ્યા છે તેઓ  કહે છે કે, લાખોટા કોઠો એ ઐતિહાસિક છે. ભૂતકાળમાં આવેલ ભૂકંપ અને ચક્રવાતોની વિપરીત અસરોને કારણે જર્જરિત થયેલ કોઠાની જાળવણી અનિવાર્ય હતી. પૌરાણિક સ્મારકના વારસા, ઇતિહાસ અને તેની ઓળખને પુનઃસંગ્રહિત કરવા તેમજ સંગ્રહાલયનું કાયાકલ્પ કરીને સ્થાપત્યના સાચા મહિમાના ફરી સ્થાપિત કરવા જરૂરી હતા અને હવે આ સંગ્રહાલયનું નિર્માણ કરાતા જામનગરને એક નવલુ નજરાણું પ્રાપ્ત થયું છે.

જામનગર જે.એમ.સી.ના સેનેટરી સબ ઇન્સપેકટર પ્રકાશભાઇ મકવાણા કહે છે કે, મ્યુઝિયમમાં લાખોટા કોઠાની બંને બાજુએથી સરળતાથી પ્રવેશ તેમજ નિકાસ માટે આકર્ષક પ્રવશેદ્વાર, રણમલ તળાવના જુદા જુદા ઐતિહાસિક વારસાઓનું વર્ણન કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો, ખાસ કરીને બર્ડ વોચર્સ માટે બાઇનોકયુલર્સ, મ્યુઝિયમમાં તમામ પૌરાણિક વસ્તુઓને તેમના નામ અને લખાણ સાથે પ્રોપર ડિસ્પ્લે કરવાનું કામ થયું છે,જે સંગ્રહાલયની શાનમાં વધારો કરે છે.

જામનગરની ફાર્મા કંપનીના મેનેજરશ્રી રાજુભાઇ વ્યાસ કહે છે કે, મ્યુઝીયમમાં ફલોરિંગ વર્ક, કોઠાના આગળ તેમજ પાછળની અટારીઓ, ધ્વજા દંડ તેમજ દેરાણી જેઠાણી સ્થાપત્યનું રી પ્રોડકશન વર્ક, કોઠાના દરેક બારી – દરવાજા તેમજ છતમાં રહેલ લાકડાનું કન્સોલીડેશન વર્ક, તમામ ભીતચિત્રો તેમજ પેનલ(વુડન)ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક,જામનગરના એકમાત્ર સંગ્રહાલય માટે વ્હેલ માછલીનું વિશાળ હાડપિંજર મૂકવામાં આવેલ છે, લાખોટા કોઠા સ્થાપત્યનું સંપૂર્ણ લાઇટીંગ અને ઇલેકટ્રીફિકેશન વર્ક, લાખોટા કોઠા તેમજ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. મુખ્યમંત્રીશ્રી આવીને મ્યુઝીયમનું લોકો માટે લોકાર્પણ કરે તે આપણા માટે ગૌરવનીવાત છે.

 

(12:34 am IST)