Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સિરામિક શ્રમિકોની વિગતો માટે 'મોરબી એસ્યોર્ડ' એપ્લીકેશન

હવે પરપ્રાંતીય શ્રમિકો કોઇ ગુન્હાને અંજામ આપી આસાનીથી નાસી શકશે નહિ, પોલીસને પણ તપાસમાં મળશે જરૂરી મદદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૫ : મોરબી પંથકમાં વિકસેલા સિરામિક એકમોમાં કામ કરતા અનેક રાજયોમાંથી લાખો શ્રમિકો મોરબી આવીને વસતા હોય છે ત્યારે પરપ્રાંતીય શ્રમિકોની માહિતી મળી રહે અને ગુન્હાની તપાસમાં પોલીસને મદદ મળી શકે તેવા હેતુથી મોરબી એસ્યોર્ડ નામની એપ્લીકેશન કાર્યરત કરવામાં આવી છે.

રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહની ખાસ ઉપસ્થિતિમાં 'મોરબી એસ્યોર્ડ' એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી જે અંગે માહિતી આપતા રેંજ આઈજીએ જણાવ્યું હતું કે મોરબીના ઉદ્યોગોમાં કામ કરતા ૨.૫૦ લાખથી વધુ શ્રમિકો આવીને મોરબી વસ્યા હોય અને કેટલાક ગુન્હાને અંજામ આપી આવા શ્રમિકો નાસી જતા હોય છે ત્યારે યુનીફાઈડ મેનરમાં શ્રમિકોનો ડેટા પ્રાપ્ત થાય તે માટે જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી અને મોરબી સિરામિક એસો તેમજ પોલીસની ટીમે સંયુકત રીતે મોરબી એસ્યોર્ડ એપ્લીકેશન બનાવી છે.

જેમાં પરપ્રાંતીય શ્રમિકોનો ડેટા ઉપલબ્ધ હશે જેથી કોઈ ગુનાહિત બનાવમાં એવા શ્રમિકોની સંડોવણી હશે તો તુરંત પોલીસ એકશન લઇ શકશે વિવિધ બનાવોની તપાસમાં પોલીસને એપ્લીકેશન મદદરૂપ બનશે અને મોરબીને ક્રાઈમ ફ્રી રાખવામાં એપ્લીકેશન મદદરૂપ બનશે તેમ જણાવ્યું હતું.

(1:12 pm IST)