Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

વાંકાનેરના રાજવી દિગ્વિજયસિંહજીનો સમાજ સેવા અને પર્યાવરણ પ્રત્યેનો લગાવ હંમેશા યાદ રહેશેઃ નરેન્દ્રભાઇએ શ્રધ્ધાંજલી અર્પી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ પુષ્પાંજલી અર્પીઃ વાંકાનેરના વેપારીઓએ બંધ પાળ્યો

વાંકાનેરના રાજવી દિગ્વિજયસિંહજીની અંતિમ યાત્રા તથા તેમના ફાઇલ ફોટો.(તસ્વીરઃ નિલેશ ચંદારાણા, મહમદ રાઠોડ-ભાટી એન.વાંકાનેર)

ભભ(નિલેશ ચંદારાણા- મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૫: વાંાકનેરના પ્રજા વત્સલ્ય રાજવી અને કેન્દ્રના પ્રથમ પર્યાવરણ  મંત્રી શ્રી દિગ્વીજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાનું ટુંકી બીમારીના અંતે ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. બાપુ સાહેબના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા સગા-સ્નેહીઓ અને શુભચિંતકો વાંકાનેર રાજ પેલેસ ખાતે પહોંચી ગયા હતા અને શ્રધ્ધાંજલી અર્પી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતનાએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

વાંકાનેરના રાજવી અને પૂર્વ કેન્દ્રિય મંત્રી શ્રી દિગ્વિજયસિંહ ઝાલાનું દુઃખદ અવસાન થતાં નરેન્દ્રભાઇએ ટિવટર હેન્ડલ પર શ્રધ્ધાંજલિ આપતા કહયુ છે કે તેમણે ગુજરાત અને દેશના રાજકારણમાં સક્રિય ભાગ લીધો હતો. તેઓ સમાજ સેવા અને પર્યાવરણ પ્રત્યેના લગાવ માટે હમેંશા યાદ રહેશે. તેમણે તેમના પરિવારને સાંત્વના આપતા લખ્યું છે કે ઓમ શાંતિ...

 વાંકાનેરના હિઝ હાઇનેસ અને પૂર્વ પર્યાવરણ મંત્રી દિગ્વીજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ.૮૯)નું ગઇકાલે સાંજે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. સંવત ૧૬૦૪માં વાંકાનેર સ્થાપના બાદ સ્વ. દિગ્વીજયસિંહ વાંકાનેર રાજ પરિવારના ૧પ મી પેઢીના રાજવી હતા.

અંતિમ વિધિ પ્રસંગે સ્વ.ના એક ના એક પુત્ર કેશરીદેવસિંહ ઝાલા દ્વારા અંતિમ સંસ્કાર કરાશે. આ પ્રસંગે સમગ્ર ઝાલા પરિવાર ઉપસ્થિત રહેનાર છે.

સ્વ. દિગ્વીજયસિંહની રાજકીય -સામાજિક જીવન યાત્રા

-જન્મ ૧૯૩ર મૃત્યુ-ર૦ર૧

-અભ્યાસ : રાજકુમાર કોલેજ રાજકોટથી અભ્યાસ ની શરૂઆત કેમ્બ્રિજ યુનિવર્સિટી-ઇંગ્લેન્ડમાં કોલેજ સુધી ડબલ પીએચડી (પર્યાવરણ અને ભૂગોળ)

-રાજકીય ક્ષેત્રમાં ૧૯૬ર થી ૧૯૭૧ સુધી વાંકાનેરના ધારાસભ્ય રહ્યા

-૧૯૭૯ થી ૧૯૮૯ સુધી સુરેન્દ્રનગર લોકસભાના સદસ્ય (કોંગ્રેસપક્ષ)

-આ સમયગાળા દરમ્યાન ૧૯૮ર થી ૮૪ વચ્ચે દેશનાં પ્રથમ પર્યાવરણ મંત્રી રહ્યા અને તેઓના પ્રયાસોથી જ પર્યાવરણ મંત્રાલય બન્યું.

-ઇકોવોટ નામની પર્યાવરણ બચાવો અંગેની બુક પ્રકાશિત કરતા બીજા જ દિવસે સ્વ. ઇન્દિરા ગાંધીએ પર્યાવરણ ખાતાના સ્વતંત્ર હવાલો તેઓને સોંપેલ પર્યાવરણ મંત્રાલયનો ઉદ્ભવ ત્યારથી થયો.

-પર્યાવરણ ક્ષેત્રમાં દેશમાં નેશનલ સેન્ચુરી-પાર્કનું નિર્માણ કરેલુ

-મહત્વના નિર્ણયો પૈકી ઇન્ડીયન રેલ્વેના રેલ્વે સ્ટેશનોના પાટીયા-બોર્ડ જે તે સમયે લાકડાઓના બનતા તેને બદલે સિમેન્ટની બનતા કરોડો વૃક્ષોના નિકંદન થતું અટકયું હતું.

- સ્વ. ગુજરાત હેરીટેઝ હોટલ એસો.ના ફાઉન્ડીંગ મેમ્બર અને ર૦ વર્ષ સુધી પ્રમુખ.

- રાજકુમાર કોલેજના ટ્રસ્ટી રહ્યા હતા.

- અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભાના પ્રમુખ (૧૯૮૯ થી ર૦ર૧)

મહાત્મા ગાંધીનું વાંકાનેર પેલેસથી જોડાણ

મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી વાંકોનર સ્ટેટમાં દિવાન તરીકે નોકરી કરતા તા. એ સમયે માતાના ઉદરમાં મહાત્મા ગાંધી હજુ ઉછરી રહ્યા હતા ગાંધીજીનું જન્મ સ્થળ વાંકાનેર અંકિત થયુ હોત પરંતુ કોઇ કારણોસર ગાંધીના પિતા કરમચંદ ગાંધી વાંકાનેર પેલેસમાંથી દિવાન તરીકેની નોકરી છોડીને પોરબંદર જતા રહ્યા જયાં ગાંધીજીનો જન્મ થતા ગાંધીનું જન્મ સ્થળ વાંકાનેરને બદલે પોરબંદર અંકિત થવા પામ્યુ.

વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ખાતે આજે સવારથી રાજવી પરંપરા મુજબ અંતીમ વીધી પુજન-દર્શનની ક્રીયામાં યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી દિગ્વીજયસિંહજી ઝાલા તથા પરિવારના સદસ્યોની હાજરીમાં બ્રાહ્મદેવો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સથો વિધી સંપન્ન થયેલ બપોરે ૨વાગ્યે રાજ પેલેસ ખાતેથી બર્ડેવાજાની સુરાવલી અને રાજવી સન્માન સાથે પાલખી યાત્રા વાજતે ગાજતે શરૂ થયેલ. જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી રાજવી પરિવારના સ્મશાન ખાતે પહોંચી હતી. મહારાણા રાજની અંતીમ યાત્રાના હજારો લોકોએ દર્શનનો લાભ લીધો હતો. વાંકાનેરના નાના-મોટા વેપારીઓએ સ્વયંભુ બંધ પાળી શોક વ્યકત કર્યો હતો. અંતિમ યાત્રામાં તમામ ક્ષેત્રના લોકો જોડાયા હતા.

(11:49 am IST)