Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ધ્રાંગધ્રાની DCW ફેકટરીમાં ધમાલઃ આત્મવિલોપનનો પ્રયાસઃ ૧૦ દલિત ઉપવાસીઓ સુરેન્દ્રનગર સારવારમાં

છેલ્લા ૮૦ થી ૮પ દિવસથી ઉપવાસ ઉપર ઉતરેલા ધ્રાંગધ્રા કેમીકલ વર્કસના કોન્ટ્રેકટરના મજુરોની માંગણી કંપની અયોગ્ય ઠેરવી રહી છેઃ આજે બપોરે ઉપવાસી છાવણીના કેટલાક લોકોએ કંપનીના ગેઇટ ઉપર ધમાલ મચાવ્યા બાદ દવાની શીશીઓ મોઢે માંડીઃ કોંગ્રેસના ધારાસભ્ય નૌષાદ સોલંકી દોડયા

રાજકોટ-ધ્રાંગધ્રા, તા.,પઃ સુરેન્દ્રનગર જીલ્લાના ઐતિહાસિક ધ્રાંગધ્રા ટાઉનની ઐતિહાસિક ધ્રાંગધ્રા કેમીકલ્સ વર્કસની બહાર છેલ્લા કેટલાય દિવસોથી ઉપવાસ ઉપર ઉતરેલા મજુરોએ આજે બપોરે કંપનીના દરવાજા ઉપર તોડફોડ, ધમાલ મચાવી હંગામો  ખડો કર્યા બાદ આ પૈકીના દસેક લોકોએ ઝેરી પદાર્થની શીશી મ્હોં ઉપર લગાડતા તમામને સુરેન્દ્રનગર હોસ્પીટલમાં ખસેડાયા છે. પાટડી-બજાણાના કોંગ્રેસી ધારાસભ્ય નૌષાદ સોલંકીએ આ બારામાં ગાંધીનગર ખાતે મજુરોનો પક્ષ લઇ તેમની માંગણીને ટેકો આપ્યો હતો. જો કે કેમીકલ વર્કસના મેનેજમેન્ટ દ્વારા મજુરોની આ

માંગણીને અયોગ્ય ગણાવાઇ રહી છે. ડીસી ડબલ્યુના સતાવાળાઓ તરફથી માધ્યમોને એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે ઉપવાસ ઉપર ઉતરેલા મજુરો કંપનીના કાયમી કે રોજદાર કર્મચારીઓ નથી તેઓ અમારા અંડરમાં કામ કરતા કોન્ટ્રાટરના મજુરો છે. જેથી તેમની અયોગ્ય માંગણી અમે સંતોષી શકીએ તેમ નથી. આ વચ્ચે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે.

આ લખાય છે ત્યારે ધ્રાંગધ્રાના અમારા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે લાંબા સમયથી કહેવાતુ આ આંદોલન ચાલી રહયું છે. ધ્રાંગધ્રા કેમીકલ્સ વર્કસ તેમની માંગણીઓને અયોગ્ય ઠેરવી રહી છે. આજે ઓચિંતી ધમાલ મચાવી દેવામાં આવી હતી.

મળતી માહીતી મુજબ રાજા-રજવાડાના વખતથી ધ્રાંગધ્રા ખાતે શકિત કેમીકલ્સના નામે સોડાએશ બનાવતી ફેેકટરી ધ્રાંગધ્રા રાજ પરીવાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ કંપનીનો કેટલોક હિસ્સો  દાલમીયા ગૃપે ખરીદી મેનેજમેન્ટ ટેઇક ઓવર કર્યો હતો. છેલ્લે સીએસસી ચપ્પલ બનાવતી કંપનીના  શ્રેયાંશ શંકર જૈન દ્વારા આ કંપનીને ટેઇક ઓવર કરવામાં આવી હતી. આ કંપનીમાં હજુ પણ ધ્રાંગધ્રા સ્ટેટનો કેટલોક હિસ્સો હોવાનું જાણકારોનું કહેવું છે. હાલમાં કંપની ધ્રાંગધ્રા કેમીકલ્સ વર્કસ  તરીકે ઓળખાય છે. આ કંપનીની ફેકટરી બહાર બેેઠેલા મજુર ઉપવાસીઓ દ્વારા ધમાલ મચાવવામાં આવી હતીવધુ વિગત ો મેળવાઇ રહી છે.

(3:29 pm IST)