Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

વેરાવળના રામપરામાં કોળી દંપતિની હત્યામાં શંકાસ્પદોની પૂછપરછ

એફએસએલ અને ડોગ સ્કવોડ સહિતની ટીમો દ્વારા હત્યા કરનારાની શોધખોળ

તસ્વીરમાં મૃતક દંપતિ નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ - વેરાવળ, દેવાભાઇ રાઠોડ - મીનાક્ષી ભાસ્કર વૈદ્ય - પ્રભાસપાટણ)

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૫ : વેરાવળના રામપરામાં કોળી દંપતિની હત્યામાં પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એફએસએલ અને ડોગ સ્કવોડ સહિતની ટીમો દ્વારા હત્યા કરનારાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વેરાવળથી ૩૫ કીમી દુર આવેલા તાલુકાના રામપરા ગામની સીમમાં આવેલ વાડીએ મકાનમાં મૂળ નજીકના જ બીજ ગામના કોળી રામાભાઈ સિદીભાઈ ભાદરકા (ઉ.વ.૬૦) અને તેમના પત્ની લક્ષ્મીબેન (ઉ.વ.૫૫) સાથે છેલ્લા સાત વર્ષથી રહેતા હતા. દરમ્યાન આજે બુધવારે સવારે ઘઉંમાં કામ કરતા મજૂરો વાડીએ આવેલ ત્યારે રામભાઇ નજરે ન પડતા મજુરો મકાનમાં જોવા ગયેલ ત્યારે રામભાઇ અને લક્ષ્મીબેનની લોહીથી લથબથ લાશ જોઈ હતપ્રભ બની ગયા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતાં એએસપી અમિત વસાવા, પ્રભાસપાટણ પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ઘરી હતી. જો કે, મોડેથી એફએસએલ સહિતની ટીમએ ઘટનાસ્થળનું ઝીણવટભર્યુ પરીક્ષણ હાથ ધર્યું હતું.

આ મર્ડરની ઘટના અંગે એએસપી અમિત વસાવાએ જણાવેલ કે, હત્યાની ઘટના ગઇકાલે મંગળવારની મઘ્યરાત્રીએ બની હોઇ શકે જેમાં અજાણ્યા હત્યારાઓએ અતિ ક્રૂરતા પૂર્વક દંપતિને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. જો કે, દંપતીની હત્યા લૂંટના ઇરાદે થઈ નથી. કારણ કે મૃતક લક્ષ્મીબેનએ પહેરલ ઘરેણાં યથાવત મળી આવ્યા છે. જેથી હત્યા પાછળ અન્ય કોઈ કારણ હોવાની શકયતા છે. હત્યારાઓએ હત્યાની ઘટનાને અંજામ આપવા જે કુહાડીનો ઉપયોગ કરેલ તે લોહીલુહાણ વાળી કુહાડી પણ સ્થળ પરથી મળી આવતા તેનો કબજો લીધેલ છે. આ બેવડી હત્યાનું કારણ જાણવા અને અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા એફ.એસ.એલ અને ટેકનોલોજી સર્વેલન્સ ટીમોની મદદ મેળવી તપાસ હાથ ધરી છે.

રામભાઇ સીદાભાઇ ભાદરકા મુળ બીજ ગામના છે અને ૭ થી ૮ વર્ષ પહેલા તેમની પત્ની મૃત્યુ થતા તેઓએ લક્ષ્મીબેન સાથે બીજુ ઘર કરેલ અને તેઓ બીજ ગામથી રામપરા રહેવા ગયેલ. જ્યાં તેઓ ૭ થી ૮ વર્ષથી રહે છે અને તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. જેઓનું તા. ૩ માર્ચની રાત્રીના હત્યા કરવામાં આવેલ. રામભાઇ ભાદરકાની પહેલી પત્નીના પાંચ સંતાનો છે. જેઓ પરણી ગયેલ છે. આ કેસની વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઇ. પ્રભાસ પાટણ એ.જી.વાઘેલા કરી રહેલ છે.

(1:04 pm IST)