Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જામનગરના કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ અને સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ દ્વારા ચકલી બચાવો અભિયાન હેઠળ ઓપન ગુજરાત તસવીર સ્પર્ધા અને શોર્ટ સ્ટોરી સ્પર્ધા

જામનગર, તા. પઃ વિશ્વભરમાં ગુપ્ત થતી પ્રજાતિઓમાં ઘર આંગણે જોવા મળતી ચકલીનો પણ સમાવેશ થાય છે. વધતા જતા કોંક્રીટના જંગલો અને મોબાઇલ ટાવરના રેડીએશનના કારણે ચકલી નામશેષ થતી જાય છે. આંગણામાં ચી..ચી.. કરતી ચકલી હવે શહેરી વિસ્તારોમાં જવલ્લેજ જોવા મળે છે. આ ઘટતી જતી ચકલીઓની સંખ્યા સામે જામનગરના વોર્ડ-પના મહિલા કોર્પોરેટર શ્રીમતિ ડીમ્પલબેન રાવલ દ્વારા પ્રતિવર્ષ ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ પ્રસંગે શહેરીજનોને વિના મૂલ્યે ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ ચકલી દિવસે શ્રી જામસાહેબ પ્રેરિત અને બ્યુટી વિધાઉટ બુટાલીટી સુરત સંચાલિત સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે ઓપન ગુજરાત ફોટોગ્રાફી સ્પર્ધા અને ઓપન ગુજરાત શોર્ટ સ્ટોરી સ્પર્ધા યોજવામાં આવી છે.

ચકલી બચાવો અભિયાન હેઠળ ઘર આંગણાની ચકલી (હાઉસ સ્પેરો)ની લેવામાં આવેલી તસ્વીરોની ઓપન ગુજરાત તસવીર સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં ભાગ લેનાર સ્પર્ધક એ તેમના દ્વારા પાડવામાં આવેલી ચકલીની તસવીર હાર્ડકોપીમાં ૮*૧રની સાઇઝમાં ડીમ્પલબેન રાવલ, નોબલ કાર્યાલય સામે પંચેશ્વર ટાવર રોડ વિજય અગરબત્તીની બાજુમાં જામનગર તેમજ સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ, સાત રસ્તા સર્કલ જામનગર અથવા ravaljagat@gmail.com પર ૩૦૦ ડી.પી.આઇ.માં તારીખ ૧પ-૩-ર૦ર૦ સુધીમાં મોકલી આપવાની રહેશે. જેમાં વ્યાવસાયિક અને બિનવ્યાવસાયિક બે વિભાગમાં વિજેતા સ્પર્ધકોને પુરસ્કૃત કરાશે. આ ઉપરાંત ઓપન ગુજરાત શોર્ટ સ્ટોરી સ્પર્ધામાં વિષય (૧) મારા જીવનનો ચકલી સાથેનો પ્રસંગ (ર) લુપ્ત થતી ચકલી બચાવવા શું કરી શકાય ? ઉપર ઓછામાં ઓછા ર૦૦ શબ્દોમાં સ્ટોરી ઉપરોકત સરનામા પર અને ઇમેલ એડ્રેસ પર તારીખ ૧પ-૩-ર૦ર૦ સુધીમાં મોકલવાના રહેશે.

ચકલી બચાવો અભિયાન હેઠળ વિના મૂલ્યે ચકલીના માળા, પાણીના કુંડા અને પક્ષીને ખોરાક માટે બર્ડ ફિડરનું શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે જેનું આ વર્ષે પણ શહેરના સાત રસ્તા, લાલ બંગ્લા, ડિકેવી સર્કલ અને પંચેશ્વર ટાવર સર્કલ વિસ્તારમાં વિનામૂલ્યે માળા વિતરણ કરવામાં આવનાર છે.

(1:02 pm IST)