Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

મહુવાના મોટા ખુંટવડામાં કાલે પ્રભુદાસ પારેખ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક ઉત્સવ

વેદાંતાચાર્ય પૂ. સ્વામી નિજાનંદ સરસ્વતી, પૂ. શ્રી ભારદ્વાજગિરી ઉપસ્થિત રહેશે

રાજકોટ તા. ૪ :  સ્વ. શ્રી વૃજલાલ (વાચ્છાભાઈ) પ્રભુદાસ પારેખે પોતાના પિતા સ્વ. શ્રી પ્રભુદાસ રામજીભાઈ પારેખની પુણ્યસ્મૃતિમાં મોટા ખુંટવડા (મહુવા)ના બજરંગપુરા ખાતે પ્રાથમિક શાળાનું નિર્માણ કરી સરકારશ્રીને ચલાવવા સમર્પિત કરી હતી. આજથી લગભગ ૪૫ વર્ષ પહેલા બાંધવામાં આવેલી એ શાળાનું મકાન જર્જરિત થઈ જતા સ્વ. શ્રી વૃજલાલભાઈ (વાચ્છાભાઈ) પારેખના પુત્રો શ્રી શરદભાઈ પારેખ (એમ.ડી., નીલકમલ પ્લાસ્ટિક્સ, મુંબઈ) અને શ્રી વામનભાઈ પારેખ (ચેરમેન, નીલકમલ પ્લાસ્ટિક્સ, મુંબઈ) દ્વારા સાવ મૂળમાંથી જ પાડીને સુંદર વાસ્તુકલા, કૉમ્પ્યુટર-લેબ, સ્માર્ટક્લાસ, લાઈબ્રેરી, સાયન્સ-લેબ અને વિવિધ સ્પોર્ટસ  સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ એવી શાળાનું  નવનિર્માણ કરાવ્યું છે, જેનું ઉદ્ઘાટન- લોકાર્પણ તા. ૫ માર્ચ, ૨૦૨૦નાં રોજ સવારે દસ વાગ્યે પરમ વંદનીય સંત- વેદાંતાચાર્ય પ.પૂ. સ્વામિ શ્રી નિજાનંદ સરસ્વતીજી (પરમ પ્રમાણ દર્શન આશ્રમ, પારડી, જિ. વલસાડ)ના વરદ્ હસ્તે નિરધાર્યું છે.

આ આધુનિક અને નવનિર્મિત શાળાના ઉદ્ઘાટન -લોકાર્પણ અવસરે દાતાઓના સમગ્ર પારેખ પરિવાર ઉપરાંત મોટા ખુંટવડાના સુખ્યાત સિદ્ધ ગણેશ આશ્રમના મહંત પ.પૂ. ભારદ્વાજગિરી બાપુની પણ પાવન ઉપસ્થિતિ રહેશે. એ સિવાય અમરેલીના સંસદસભ્ય નારણભાઈ કાછડિયા, ભાવનગરના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ, ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણા, શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ દવે, મોટા ખુંટવડાના સરપંચ, સમગ્ર ગ્રામજનો , વિવિધ જ્ઞાતિ-સમાજો, વિદ્યાર્થીઓ- વાલીઓ મળીને સાડા ત્રણ હજારથીયે વધુ લોકો ખાસ ઉપસ્થિત રહેશે કે પોતાની શુભકામનાઓ પાઠવી ઉદ્ઘાટન અને લોકાર્પણને વધુ સાર્થક બનાવશે.

આ શુભ અવસરે મોટા ખુંટવડા ગામની શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળીને શાળાસંકુલ સુધી જશે અને ત્યાં ઢોલ-નગારા સાથે તેનું ભવ્ય સ્વાગત થશે. ઉદ્ઘાટન અવસરે નાગરિકો અને વિદ્યાર્થીઓ દ્વારા કેટલીક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

(11:50 am IST)