Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પોરબંદર ખેડૂત તાલીમ કેન્દ્રમાં કૃષિ મેળો યોજાયોઃ

પોરબંદરઃ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ હેઠળ ખેડૂત તાલીમ કેન્દ્વ અને આત્મા પ્રોજેકટનાં સંયુકત ઉપક્રમે કૃષિ મેળો – ૨૦૨૦ અંતર્ગત પાક પરિસંવાદ અને પ્રદર્શન યોજાયુ હતું, જેમા પોરબંદર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો રજુ કર્યા હતા.  કાર્યક્રમનાં અધ્યક્ષ અને પોરબંદર જિલ્લાના કલેકટરશ્રી ડી.એન.મોદીએ આ પ્રસંગે કહ્યુ કે, પ્રગતીશીલ ખેડૂતો માઇક્રો સાયન્ટીસ્ટ છે, વિજ્ઞાન અને કોઠાસુઝના સાયુજયથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો કૃષિમેળા કાર્યક્રમના આત્મા છે, આત્મા પ્રોજેકટ અને ખેડૂત તાલીમ કેન્દ્રની મહેનતથી પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળતા થયા છે જે ખુબ જ સારી બાબત છે. કલેકટરશ્રીએ વધુમાં કહ્યુ કે, ખેતર માટે જેમ રાસાયણિક ખાતર ઝેર છે તેમ માણસના શરીર માટે તમાકુ, ગુટખાનું વ્યસન ઝેર છે.  આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનાં પોતાના અનુભવો રજૂ કર્યા હતા. પ્રગતિશીલ ખેડૂત બાલુભાઇ ભૂતિયાએ કહ્યુ કે, હું કેટલાય વર્ષથી પ્રાકૃતિક ખેતી કરૂ છું, મેં જયારથી જમીનમાં રાસાયણીક ખાતર નાખવાનું બંધ કર્યું ત્યારથી મારા જીવનમાં સોનાનો સુરજ ઉગ્યો છે.પ્રગતિશીલ મહિલા ખેડૂત ભારતીબેન ચાવડાએ કહ્યુ કે, હું મારી જમીનમાં જીરૂ અને રાય જેવા પાકો ઝીરો બજેટ થી પ્રાકૃતિક ખેતી કરીને પૈસા કમાવાની સાથે લોકોનાં આરોગ્યની કાળજી રાખવાનું કામ કરૂ છું. ગાય આધારિત ખેતી કરતા કળેગી ગામના કાળાભાઇ કળેગીયાએ કહ્યુ કે, ગાય માતામાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે તેમ ગાયમાં ૩૩ પ્રકારની ઔષધિઓ છે માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જોઇએ. કૃષિમેળામાં વૈજ્ઞાનિકો દ્વારા જિલ્લાના મુખ્ય પાકો સંદર્ભે  ખેડૂતો દ્વારા રજુ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવાની સાથે પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે આવેલ નવીન ટેકનોલોજીનાં ઉપયોગ થી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ફળ અને શાકભાજી પ્રદર્શન તથા હરિફાઇ યોજાઇ હતી. જેમાં વિજેતા ખેડૂતોને મહેમાનોએ પ્રમાણપત્ર પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી શું છે ? તે અંગે લધુ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વકતવ્ય રજુ કરાયુ હતું.આઇ.સી.ડી.એસ, જિલ્લા ખેતીવાડી શાખા, વન વિભાગ, પશુપાલન શાખા, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી સહિતના વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી ખેડૂતોને મળી રહે તે માટે ૧૫ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા.  આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન.પરમાર, નાયબ પશુપાલન નિયામક ડો.કે.બી.રાવલ, મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, કૃષિ વૈજ્ઞાનિકો તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ભાઇઓ બહેનો તથા સાગર ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ ખેતી નિયામક તાલીમ આર.એસ.ગોહિલે શાબ્દિક સ્વાગત અને પ્રાસંગીક પ્રવચન તથા ડી.પી.ડી. આત્મા પ્રોજેકટ ચાવડાએ કાર્યક્રમની આભારવિધિ તથા સંચાલન વિશાલભાઇ રાજયગુરૂએ કર્યું હતું.કૃષિ મેળામાં દીપ પ્રાગટ્ય તથા પ્રદર્શનની તસ્વીરો.

(11:48 am IST)