Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

માળિયાની મોટી બરાર પ્રાથમિક શાળાના શિક્ષક અનિલભાઇ બદ્રકિયાને નેશનલ એવોર્ડ

મોરબી,તા.૫:માળિયા(મી.) તાલુકાના નાનાદહિંસરા ગામના વતની અને રત્નમણિ પ્રાથમિક શાળા - મોટીબરારમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનિલભાઈ બદ્રકિયાને મહર્ષિ અરવિંદો સોસાયટી (ZIIEI) આયોજિત શિક્ષણમાં શૂન્ય નિવેશ નવાચાર અંતર્ગત અપતા નેશનલ કક્ષાના એવોર્ડથી આઈ.આઈ.ટી. દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે.

અનિલભાઈ પોતાની શાળામાં હમેશા અવનવા નવતર પ્રયોગો કરતા રહે છે. તેમણે GCERT ગાંધીનગર અને DIET રાજકોટ આયોજિત મોરબીઙ્ગ જિલ્લા કક્ષાના એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં કરેલા નવતર પ્રયોગો રજૂ કર્યા છે જેમાંથી બે વખત તેમના નવતર પ્રયોગોની રાજયકક્ષાના એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પણ પસંદગી થઈ ચૂકી છે ત્યારે હવે તેમણે શાળામાં કરેલ એક નવતર પ્રયોગ 'મારુ પેપર, મારી પરીક્ષા' રાજયની સીમાઓ પાર કરીને નેશનલ કક્ષા સુધી પહોચી ગયો હતો અને તે થકી નેશનલ કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત કરવાનું સન્માન મેળવ્યુ છે.

નેશનલ કક્ષાએ મહર્ષિ અરવિંદો સોસાયટી દિલ્હી (ZIIEI) દ્વારા દેશભરમાથી શિક્ષકોએ કરેલા નવતર પ્રયોગોની નોંધ લઈ, આવા ઇનોવેટિવ શિક્ષકોને પ્રોત્સાહન રૂપે તેને એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી આવા ૨૪ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયાનો સમાવેશ થયો હતો. તારીખ ૧ માર્ચના રોજ દિલ્હી ખાતે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના મંત્રીશ્રી રમેશ પોખરીયાલ 'નિશંક'ના વરદ હસ્તે તેમને આઈ.આઈ.ટી. દિલ્હી ખાતે બેસ્ટ ઈનોવેટિવ શિક્ષક તરીકેનો નેશનલ એવોર્ડ એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું. જે સમગ્ર મોરબી જિલ્લા માટે તેમજ શિક્ષક સમાજ માટેની ગૌરવપૂર્ણ બાબત છે.

(11:47 am IST)