Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

મોરબી આદરણીના નિવૃત આર્મી જવાન અનિલ કુમારનું વતન વાજતે ગાજતે સ્વાગત

મોરબી,તા.૫: મોરબીના આંદરણા ગામમાં લગ્નના વરઘોડામાં નહિ પરંતુ આર્મી જવાનની નિવૃતિના પ્રસંગે ગામમાં ઉત્સવનો માહોલ છવાયો હતો આંદરણા ગામના યુવાન પોતાના જીવનના ૧૬ વર્ષ સુધી માં ભોમની રક્ષા કરીને નિવૃત થયા હોય ત્યારે નિવૃત આર્મી જવાનને આવકારવા આખું ગામ ઉત્સાહથી રાહ જોઈ રહ્યું હતું અને આર્મી જવાનનો વાજતે ગાજતે શોભાયાત્રા યોજી ગામમાં ઉત્સવ મનાવ્યો હતો.

મોરબી નજીક આવેલા આંદરણા ગામના વતની અનીલકુમાર સંઘાણી નામના યુવાન દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયા હતા અને ૧૬ વર્ષ સુધી માં ભોમની રક્ષા કરીને તેઓ સેવાનિવૃત થયા છે અને પોતાના વતનમાં પરત ફર્યા હોય ત્યારે ગામ આખામાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો પોતાના ગામના સપુત દેશની સુરક્ષા માટે જીવનના ૧૬ વર્ષ આપી પરત ફર્યા હોય એ અવસર ગર્વથી ભરપુર હતો ત્યારે નિવૃત થયેલા આર્મી જવાન ખાસ વાતચીતમાં જણાવે છે કે તેમને રાજસ્થાન, પશ્યિમ બંગાળ, આસામ, જમ્મુ કાશ્મીર સહીતના રાજયોમાં ફરજ બજાવી છે અને દેશની સુરક્ષા માટે તેઓ દિવસ રાત જાગૃત રહ્યા હતા. નિવૃત થઈને ગામમાં આવતા ગ્રામજનોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું છે જેથી તેઓ અભિભૂત થયા છે.

બહાદુર જવાન એવા અનિલભાઈ સંઘાણી દેશની સુરક્ષા માટે ૧૬ વર્ષ ગુજારી વતનમાં પરત ફર્યા છે ત્યારે સરપંચ તરીકે માત્ર મને જ નહિ પરંતુ આખા ગામને તેના પર ગર્વ છે તેમ જણાવીને ગામના સરપંચ રસિકભાઈ રંગપરીયા વધુમાં જણાવે છે કે આજે અનિલભાઈના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી છે અને આખું ગામ આ અનેરા ઉત્સવમાં જોડાયું છે જીવનના ૧૬ વર્ષ સુધી માં ભોમની રક્ષા કરીને જયારે બહાદુર પુત્ર આર્મીમાંથી નિવૃત થઈને પરત ફર્યો હોય ત્યારે સ્વાભાવિક છે જે જવાનની માતાને સૌથી વધુ ગર્વ હોય, ત્યારે આ પ્રસંગે અનીલકુમારના માતા જશુબેને જણાવ્યું હતું કે તેના બે પુત્રો હોય જેમાં એક પુત્ર શિક્ષક તરીકે કાર્યરત છે જયારે અનીલને તેઓએ દેશની રક્ષા માટે મોકલ્યો હતો જે પોતાની ફરજ નિભાવી આજે પરત ફર્યો છે ત્યારે પુત્ર પર ગર્વ છે અને અન્ય માતાઓ પણ પોતાના પુત્રને દેશની સરહદોની રક્ષા માટે આર્મીમાં મોકલે તેમ જણાવ્યું હતું.

(11:47 am IST)