Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ખંભાળીયા-દ્વારકા હાઇવે ઉપર ફૂલડોલ ઉત્સવના પદયાત્રિકોની કતારો

રપ જેટલી જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ લોકો દ્વારા સેવાકેમ્પનો ધમધમાટ

ખંભાળીયા તા.પ : હોળી ફૂલડોલ ઉત્સવ દ્વારકા ખાતે હોય દિવસો નજીક આવતા પદયાત્રીઓોનો ઘસારો રસ્તા પર વધ્યો છે તથા રોજ સવારે તથા સાંજે પદયાત્રીઓની કતારો જોવા મળે છે તો ઠેરઠેર સેવાભાવીઓ દ્વારા કેમ્પોનું આયોજન થયેલ છે તથા તેમા પદયાત્રીઓને સેવા પુરી પાડવામાં આવી રહી છે. ખંભાળીયામાં જૂદા જૂદા સ્થળે દ્વારકા તથા જામનગર રોડ પર અનેક સ્થળે કેમ્પોથી વાતાવરણ ભકિતમય બની ગયેલ છે.

પદયાત્રીઓને માટે દ્વારકા રોડ પર ખોડીયાર મંદિરથી આગળ ભણગોર સમસ્ત ગામ દ્વારા નાસ્તો તથા શરબત, ચાપાણી સાથે કેમ્પ કરાયો છે. ત્યાથી બાજુમાં જામપર સમસ્ત ગામ દ્વારા બે સમયનુ ભોજન ભરપેટની વ્યવસ્થા તમામ પદયાત્રીઓ માટે કરાઇ છે.

દ્વારકા રોડ પર જ વાંકાનેર રાતડિયાના મનસુખભાઇ જોધાભાઇ મેર દ્વારા સેવા કેમ્પમાં ખમણ, ગાંઠીયા, ભજીયા, ચા લીંબુ શરબતની વ્યવસ્થા કરી છે તો રાજકોટના કોલેજીયન ગૃપના યુવાનોએ બાલાજી ગૃપના નામથી ચેવડો પેંડાનું પદયાત્રી માટે આયોજન કરેલ હતુ.

રાજકોટના દાતાના સહયોગથી હરસિધ્ધિ ગૃપ દ્વારા પદયાત્રી કેમ્પ યોજાયો છે. જેમાં સતત સાત દિવસ સુધી રોજ સવારથી સાંજ સુધી ચા પાણી નાસ્તાની સુવિધા રાખી છે.

દ્વારકા પદયાત્રી કેમ્પ ખંભાળીયા પુરી પાડવામાં આવી રહી છે તો ચોટીલા ગૃપ દ્વારા સતત પાંચ દિવસ નાસ્તો તથા શરબત વિ.પુરૂ પાડવામાં આવે છે ખંભાળીયામાં દલવાડી હોટસ પાસે ૨૪ કલાક સેવા આનંદ કેમ્પનુ આયોજન કરેલ છે જેમાં નાસ્તો, ચા, જમવાનુ તથા રહેવા સુવા પાથરવાનું પણ રાખેલ છે જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લે છે દુલા મહારાજ દ્વારા આયોજન કરેલ છે ખંભાળીયાના ગઢવી અગ્રણી તથા પૂર્વ પાલિકા પ્રમુખ તથા વર્તમાન ઉપપ્રમુખ પી.એમ.ગઢવી દ્વારા દ્વારકા હાઇવે પર વિષ્ણુ પેટ્રોલ પંપ પાસે ૨૪ કલાક ગાઠીયા શાક ખીચડી રોટલા સાથે ભોજન ચા પાણીની વ્યવસ્થા કરી છે. પદયાત્રીઓ માટે છેક જામનગર, રાજકોટ, દ્વારકા, ગોંડલ, જેતપુર જેવા સ્થળોથી દાતાઓ ગાડીઓ ભરી ફળો, શેરડીનો રસ, આઇસ્ક્રીમ, સુકો મેવો, તરબૂચ વિ. લઇને પદયાત્રીઓની સેવા કરી આનંદ લે છે. તો જયા રાતવાસો હોય ત્યા ડી.જેસાથે ભોજન ધૂન અને રાસ લઇ પદયાત્રીઓ પોતાનો ભકિતભાવ તથા દ્વારકાધીશની શ્રધ્ધા પ્રગટ કરતા જાય છે.

દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા ફૂલડોલ ઉત્સવના દર્શને જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક એમ્બ્યુલન્સ તથા મેડીકલ સારવારની વ્યવસ્થા કરાઇ છે.

ડો.સી.વી.કંડોરીયા (મો. ૯૪૦૮૮ ૪૧૪૦૫) ડો.અમીત નકુમ (૯૭૧૨૯ ૮૭૭૫૯), ડો.સોમાત ચેતરીયા (૭૮૭૮૬ ૮૦૦૦૦) ડો. તેજશ પટેલ (મો. ૯૦૩૩૬ ૬૫૫૦૦), ડો.નિસર્ગ રાણીગા (૦૨૮૩૩ ૨૩૬૬૬૬) તથા ઇમરજન્સી માટે મો. ૮૦૦૦૨ ૬૮૪૪૯ નો સંપર્ક કરવો.

ઇન્દ્રજીતસિંહ પરમાર, નિકુંજ વ્યાસ, સુરપાલસિંહ ચુડાસમા, વનરાજસિંહ, તપનભાઇ શુકલ, પરબતભાઇ ભાદરકા, અમીતભાઇ જોશી, અમિતભાઇ શુકલ, ભાર્ગવ શુકલ, અશોકભાઇ કાનાણી, નિરવભાઇ કવૈયા વિ. સ્વયંસેવકોની ટીમમાં જોડાયા છે.

(11:45 am IST)