Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પોરબંદરના રીણાવાડાથી ગડુ સુધી વ્યસન મુકિત પદયાત્રા યોજાઇ : ૭૦ થી વધુ વ્યકિતઓ દ્વારા વ્યસન છોડવાના સંકલ્પો

પોરબંદર, તા. ૫ : શુરવિર નાથા ભગત સેવા સમિતિ દ્વારા રીણાવાડા થી ગડુની   યોજાયેલ  વ્યસન મુકિત પદયાત્રાના સમાપન કાર્યક્રમમાં ૭૦ થી વધુ વ્યકિતઓઅ ે વ્યસન છોડવા સંકલ્પ લીધા હતા.

તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ રામદેભાઇ બોખીરીયાએ જાહેરમાં વ્યસનને તિલાંજલી આપવા સંકલ્પ કર્યો હતો. સાથે એડવોકેટ કનુભાઇ આડેદરાએ પણ વ્યસનને તિલાંજલી અર્પવા સંકલ્પ કર્યો હતો. સાથે શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ શામળાભાઇ આડોદરાએ પણ ફાકીનું વ્યસન ત્યજીને એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. ૭૦ કરતાં વધારે લોકોએ સ્વેચ્છાએ વ્યસનોને તિલાંજલી અર્પી હતી. વ્યસનમુકિત ઝુંબેશ ચલાવતા મુરૂભાઇ સીડા અને પોપટભાઇ મોઢવાડિયા અને ભીમભાઇ સુંડાવદરાએ પણ સ્થળ પર જ વ્યસન મુકવામાં મદદરૂપ થતી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કર્યુ. વ્યસનમુકિત પદયાત્રા સમાપન પ્રસંગે નાથા ભગતની રણખાંભી ખાતે યોજાયેલ વિરપુજા સમારોહમાં ઉપસ્થિત પદયાત્રા પ્રણેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ વકતવ્યમાં જણાવ્યું હતું કે યુવા પેઢી જાગૃત સમજદાર અને સાધાનસંપન્ન છે બસ તેમાથી વ્યસનના દુષણને આપણે સૌએ સાથે મળીને કાઢવું છે.  સાથે સાથે શિક્ષણ પર પણ ભારમુકતા જણાવ્યું હતું કે દિકરીઓ આજે ભણવામાં આગળ વધી રહી છે ત્યારે દિકરાઓએ પણ ભણવું પડશે નહીંતર આવનારા દિવસોમાં સામાજિક પ્રશ્નો ઉભા થશે જે વિકટ હશે.

શુરવિર નાથા ભગતની મેડી રીણાવાડાથી શરૂ થયેલી વ્યસનમુકિત પદયાત્રા સીમાણી, બાબડા, ભારવાડા, બગવદરથી પસાર થઇને બપોરે વિધ્યવાસીની માતાજીના મંદિરે પહોચ્યા હતા જ્યાં સમસ્ત ખાંભોદર ગામ દ્વારા અર્જુનભાઇ મોઢવાડિયા અને પદયાત્રી ઓનું ઢોલ અને શરણાઇ થી સામૈયું કાઢીને સ્વાગત કર્યુ હતું અને ત્યારબાદ અર્જુનભાઇ મોઢવાડિયા દ્વારા કુળદેવી શ્રી વિધ્યવાસીની માતાજીના મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓએ વિશ્રામ કરીને પ્રસાદી લીધી હતી જેમાં હજાર લોકો જોડાયા હતા. બપોરે પછી પદયાત્રાનું ફરીથી પ્રસ્થાન કરીને ખાંભોદર, કુણવદર થઇને નાથા ભગતની રણખાંભી ખાતે પદયાત્રાનું સમાપાન થયું હતું.

૨૪ કીલોમીટરની આ પદયાત્રામાં હજારો લોકો જોડાયા હતા તેમની સેવામાં સામાજિક સંસ્થાઓ અને વ્યકિતગત ધોરણે ઠેર ઠેર ઠંડાપાણીના પરબ, સરબત, ચા, આઇસ્ક્રીમ, ફ્રુટ સલાટ, શેરડીનો રસ, છાશ, સહિતના સ્ટોલો ઉભા કરીને પદયાત્રીઓની સેવામાં ખડે પગે ઉભા રહ્યા હતા. પદયાત્રાના સમાપન પ્રસંગે નાથા ભગતની રણખાંભી ખાતે બહેનોના ભાતીગળ રસોડાઓ અને મણિયારો દાંડિયા રાસ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. પોરબંદરના જાણીતા લોકગાયક ભાઇ-બહેનોના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયા, લાયન્સ કલબના પ્રમુખ હીરલબા જાડેજા પૂર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા, જાહેર સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ વિમલભાઇ ઓડેદરા વગેરે હાજર રહી પ્રવચન કર્યા હતા.

(11:37 am IST)