Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ત્રંબામાં પીજીવીસીએલના જુનિયર એન્જિનીયરને આસિસ્ટન્ટે ઝાપટ મારી પતાવી દેવાની ધમકી દીધી

ધો.૧૦-૧૨ની પરિક્ષા માટે ફાળવાયેલા કર્મચારીના નંબર માંગતા 'આ તારું કામ છે' કહી ડખ્ખો : કાગળનો ડુચો ફેંકી ઝાપટ મારીઃ તું ગાડી લઇને બહાર નીકળ એટલે પુરો કરી નાંખવો છે કહી ધમાલ મચાવીઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૫: ત્રંબામાં પીજીવીસીએલના જુનિયર એન્જિનીયરને સાથી કર્મચારી જુનિયર આસીસ્ટન્ટે ધો-૧૦, ૧૨ની પરિક્ષામાં ફાળવેલા કર્મચારીઓના એમ્પ્લોય નંબર માંગતાં તેણે 'આ તારું કામ છે' કહી ઝાપટ મારી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ચર્ચા જાગી છે.

આ બનાવ અંગે આજીડેમ પોલીસે ત્રંબા ગામમાં જુના પાદરમાં હનુમાન રોડ પર જીનીયસ બોયઝ હોસ્ટેલ ખાતે રહેતાં અને ત્રંબા પીજીવીસીએલમાં જુનિયર એન્જિનીયર તરીકે નોકરી કરતાં દિપકભાઇ મનસુખભાઇ આસોદરીયા (પટેલ) (ઉ.૨૯)ની ફરિયાદ પરથી તેની સાથે જ જુનિયર આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતાં સામંતાભાઇ સામે ગુનો નોંધ્યો છે.

દિપકભાઇએ જણાવ્યા મુજબ પોતે ગઇકાલે ત્રંબા રઘુનંદન પાર્કમાં આવેલી પીજીવીસીએલની ઓફિસે હતાં ત્યારે ધોરણ ૧૦-૧૨ની પરિક્ષા અંતર્ગત ત્રણ કર્મચારી ફરજ પર ફાળવવાના હોઇ જેથી આ કર્મચારીઓના એમ્પ્લોય નંબર સાથે એપ્રેન્ટીસમાં ફરજ બજાવતાં ચિરાગભાઇ મકવાણાને જુનીયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં સામંતાભાઇ પાસે નંબર લેવા મોકલ્યા હતાં. પરંતુ સામાંતાભાઇએ ચિરાગભાઇને યોગ્ય જવાબ ન અપતાં દિપકભાઇ પોતે ગયા હતાં અને ત્રણ કર્મચારીઓના નંબર માંગતા સામંતાભાઇએ ગુસ્સે થઇ આ તારું કામ છે, કહી કાગળો હાથમાં હતો તે તેના તરફ ફેંકી ગુસ્સે થઇ ઝાપટ મારી દીધી હતી. તેમજ હવે તું ગાડી લઇને બહાર નીકળ એટલે મારી જ નાંખવો છે તેવી ધમકી આપી ઝપાઝપી કરી હતી.

એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે ગુનો નોધ્યો હતો. પીએસઆઇ જી. એન. વાઘેલાએ વિશેષ તપાસ શરૂ કરી છે.

(11:32 am IST)