Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પૂ.મહંત સ્વામી ગઢડામાં: 'કોરોના'નાં કારણે મુખ્ય કાર્યક્રમ મોકુફ

વચનામૃત મહોત્સવમાં પાંચ દિવસ દરમિયાન હરીભકતો ઉપસ્થિત રહેનાર હતા પરંતુ સાવચેતીરૂપે બીએસપીએસ સંસ્થાએ પ્રેરણાદાયી નિર્ણય લીધો

પ્રથમ અને બીજી તસ્વીરમાં પૂ. મહંત સ્વામી તથા ત્રીજી તસ્વીરમાં મંદિરમાં યોજાનાર મહોત્સવની તૈયારી થતી નજરે પડે છે. (તસ્વીર : અરવિંદ નિર્મળ, અમરેલી)

અમરેલી તા. ૫ : દેશમાં 'કોરોના' રોગના કારણે ભયનો માહોલ ફેલાયો છે ત્યારે ગઢડા ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો તા. ૧૦ના રોજ યોજાનાર મુખ્ય કાર્યક્રમ મોકુફ રાખીને બીએપીએસ સંસ્થા દ્વારા પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. જેમાં તા. ૧૦મીએ યોજાનાર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો - હરિભકતો ઉપસ્થિત રહેનાર હતા.

ગઇકાલે પૂ. મહંતસ્વામીનું ગઢડામાં આગમન થયું છે. મહોત્સવનું મુખ્ય આકર્ષણ વિશાળ સ્વામિનારાયણ નગર છે. તારીખ ૫ માર્ચથી ૧૦ માર્ચ સુધી અહીં સત્સંગના વિવિધ કાર્યક્રમો થશે. જેમાં સ્વામિનારાયણ નગરનું ઉદ્ઘાટન, માણકી ઘોડી પર બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણની ૨૫ ફૂટ ઊંચી કાસ્ય પ્રતિમાનું સ્થાપનવિધિ, ભકતરાજ શ્રી જીવાખાચરના દરબારગઢનો લોકાર્પણ મહોત્સવ, વચનામૃતની વિરાટ મહાપૂજા, આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૮ માર્ચના દિવસે પ્રમુખસ્વામી મહારાજના અસ્થિઓનું ઘેલા નદીમાં વિસર્જન કરવામાં આવશે. સાંજે સૌરાષ્ટ્ર પંથકના આદરણીય સંતો - મહંતો વિશાળ સંમેલન યોજાશે. આ અગાઉ ૬ માર્ચના રોજ સ્વામિનારાયણ નગરમાં સ્થિત પ્રદર્શન ખંડો જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે. આ પ્રદર્શન ખંડમાં આધ્યાત્મિકતાની સાથે અનેક જીવન ઉત્કર્ષના કાર્યક્રમો રજૂ થવાના છે. અહીં સેવા આપતા વિપુલભાઇએ જણાવ્યું કે, અહીંના પ્રદર્શન ખંડો સમગ્ર સૌરાષ્ટ્રમાં અદ્વિતીય છે.

જેનાથી શુધ્ધ જીવન, રાષ્ટ્ર અને સમાજ માટે નિસ્વાર્થભાવે સેવા કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે.

(11:29 am IST)