Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જુનાગઢમાં ધો.૧૦-૧રના પરીક્ષા કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લેતા કલેકટર ડો.સૌરભ પારધી

ડીઇઓ નૈષેધ મકવાણા સહીતના કલાસવન અધિકારીઓની વોચ

જુનાગઢ, તા., પઃ આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં કલેકટર ડો.સૌરભ પારધીએ જુનાગઢમાં ધો.૧૦-૧રના પરીક્ષા કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લઇને ઇન્સ્પેકશન કર્યુ હતું.

બીજી તરફ ડીઇઓ નૈષેધ મકવાણા સહિતના કલાસવન અધિકારીઓ પરીક્ષાની દરેક બાબત પર વોચ રાખી રહયા છે.

વિદ્યાર્થીઓની શૈક્ષણીક કારકીર્દી માટે અતિ મહત્વની ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાનો આજે જુનાગઢ શહેર અને જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતીપુર્ણ પ્રારંભ થયો છે.

પરીક્ષાના પ્રારંભ પુર્વે અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો વગેરેએ પરીક્ષાર્થીઓને મોં મીઠુ કરાવી ગુલાબનું ફુલ આપી શુભેચ્છા પાઠવી હતી અને આવકાર્ર્યા હતા.

ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના કુલ મળી ૩૩ પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવેલ છે. પરીક્ષા કેન્દ્રોના ૧૮૭ બિલ્ડીંગોમાં આવેલા ૧૮૯૯  બ્લોકમાં ૫૦ અંધ સહિત કુલ ૫૬,૦૧૩ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટાભાગની સ્કુલોએ સીસીટીવી કેમેરાથી સજ્જ કરાવેલ છે.

૩૩ પરીક્ષા કેન્દ્રોમાંથી ૧૯ સંવેદનશીલ તથા એક અતિ સંવેદનશિલ જાહેર કરવામાં આવેલ છે. તમામ કેન્દ્રો પર પોલીસ બંંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

પરીક્ષા દરમ્યાન કોઇ ગેરરીતીને અવકાશ રહે નહી તે માટે ૭૯ ઓબ્ઝર્વેરને તૈનાત કરવામાં આવેલ છે.

દરમ્યાનમાં  કલેકટર ડો. સૌરભ પારઘીએ જુનાગઢમાં પરીક્ષા કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લઇને  ચકાસણી કરી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીની નૈષધ મકવાણાએ જુનાગઢમાં આઝાદ ચોક સ્થિત ઝોનલ કચેરી (ગર્લ્સ સ્કુલ) ખાતેથી અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે બોર્ડની પરીક્ષાનો શાંતી પુર્ણ પ્રારંભ થયો છે. જયાં કેટલીક સમસ્યા હતી ત્યાં નિરાકરણ કરાયુ છે. કલાસ વન અધિકારીઓ સહિત ઓબ્ઝર્વરો પરીક્ષા લક્ષી દરેક બાબત પર  વોચ રાખી રહ્યા છે.

(11:27 am IST)