Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ગોંડલમાં બે ટોળાની ધમાલમાં અખ્તરની હત્યાઃ૪ ઘાયલ

એક દેવીપૂજક મહિલાના ઘર પાસે ભરવાડ શખ્સોની આવ-જા થતી હોઇ થોડા દિવસ પહેલા તેને મુસ્લિમ શખ્સોએ ટપારતાં ચાલતું મનદુઃખ મોટા ડખ્ખામાં પરિણમ્યું: ઘવાયેલા બે યુવાનો અખ્તર ઉર્ફ ઇલ્યાસ અને અકબર સુમરા પૈકી અખ્તરે મોડી રાતે રાજકોટમાં દમ તોડ્યોઃ હુમલાખોર તરીકે ૧૭ ભરવાડ શખ્સોના વ્હોટ્સએપમાં નામ ફરતાં થયાઃ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ નહિ સંભાળવાનો નિર્ણયઃ સામા પક્ષે જગદીશ ભરવાડ, અનિલ બતાળા, દિપા નિનામા ઘવાયાઃ આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ નહિ સંભાળવાનો ઇલ્યાસના સગાનો નિર્ણયઃ જો કે પોલીસે ૧૨ ભરવાડ શખ્સોને પોલીસે ઉઠાવી લીધા છેઃ સામા પક્ષે પણ ત્રણની પુછતાછઃ કેબીન અને બાઇકમાં તોડફોડ : ૧૭ ભરવાડ શખ્સો અને સામે ૨૧ મુસ્લિમ શખ્સો વિરૂધ્ધ સામ-સામે ગુના દાખલ

હત્યાો ભોગ બનેલા ઇલ્યાસ ઉર્ફ અખ્તર નુરમહમદભાઇ સવાણ (સુમરા)નો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો તથા તેનું ગોંડલનું નિવાસસ્થાન, તેના માતા-પિતા સહિતના પરિવારજનો અને તેની દૂકાન જોઇ શકાય છે. બનાવને પગલે મુસ્લિમ પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

ધમાલમાં ઘાયલ થયેલા ત્રણ ભરવાડ યુવાનો ગોંડલમાં સારવાર હેઠળ છે તે જોઇ શકાય છે. એક બાઇક અને કેબીનમાં તોડફોડ થઇ હતી તે પણ નજરે પડે છે (ફોટોઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) (૧૪.૮)

રાજકોટ હોસ્પિટલે ઉમટેલા મૃતકના સ્વજનો અને ગોંડલના મુસ્લિમ સમાજના લોકો

રાજકોટ તા. ૫: ગોંડલના વોરાકોટડા રોડ પર ચિસ્તીયાનગર પાસે ગત રાતે ભરવાડ અને મુસ્લિમ લોકોના ટોળા સામ-સામે આવી જતાં અને સશસ્ત્ર ધમાલ થતાં ભરવાડ સમાજના ત્રણ અને મુસ્લિમ સમાજના બે  યુવાનો ઘાયલ થયા હતાં. જેમાં બે મુસ્લિમ યુવાનોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મોડી રાતે એક યુવાનનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. ઘટનાને પગલે વોરા કોટડા રોડ પર પોલીસના ધાડા ઉતારી દેવાયા હતાં. પોલીસે સામ-સામી ફરિયાદ નોંધવા તજવીજ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યા  મુજબ મુસ્લિમ લોકોના ઘર નજીક કવાર્ટરમાં એક દેવીપૂજકનું ઘર આવેલું હોઇ ત્યાં ભરવાડ યુવાનોની આવ-જા રહેતી હોઇ તેને આ બાજુ ન આવવા મુસ્લિમ લોકોએ સમજાવ્યા હતાં. આ બાબતનો ખાર રાખી બે-ત્રણ દિવસથી ભરવાડ લોકો મુસ્લિમ લોકો નીકળે ત્યારે તેને અટકાવી ડખ્ખો કરતાં હતાં. ત્યાં ગત રાતે બે યુવાનો સમજાવવા માટે જતાં ટોળુ તૂટી પડ્યું હતું અને વળતો ઘા પણ થયો હતો. ગોંડલના પ્રતિનિધી જીતેન્દ્ર આચાર્યના અહેવાલ મુજબ ગુનાખોરી માટે કુખ્યાત વોરાકોટડા રોડ પર બે જૂથ વચ્ચે અથડામણ થતાં જગદીશ બટુકભાઇ ઠુંગા (ભરવાડ) (ઉ.૩૫), અનિલ મયાભાઇ બતાળા (ઉ.૨૮) તથા દિપા સેલાભાઇ નિનામા (રહે. રૂપાવટી)ને તથા ચિસ્તીયાનગર આવાસ કવાર્ટરના ઇલ્યાસ ઉર્ફ અખ્તર નુરમહમદ સવાણ (ઉ.૩૪) તથા આવાસ કવાર્ટરના અકબર ઇબ્રાહીમભાઇ સુમરા (ઉ.૪૦)ને ઇજાઓ થતાં ગોંડલ સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાંથી બંને મુસ્લિમ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ઘટનાને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતાં. બંને જુથ સામ-સામે આવી જતાં અને એક બીજા પર પથ્થરમારો કરતાં અને બે બાઇકમાં તથા એક કેબીનમાં પણ તોડફોડ કરતાં સીટી પોલીસ, તાલુકા પોલીસ, એલસીબી, એસઓજીના અધિકારીઓ તેમજ રૂરલ એસપી બલરામ મીણા પણ પહોંચી ગયા હતાં અને પરિસ્થિતી થાળે પાડી હતી. તેમજ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

રાજકોટના અહેવાલ મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા અકબર અને ઇલ્યાસ ઉર્ફ અખ્તર પૈકીના ઇલ્યાસ ઉર્ફ અખ્તર (ઉ.૩૪)નું મોડી રાતે મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ઘટનાની જાણ થતાં ગોંડલથી મૃતકના સ્વજનો તથા બીજા મુસ્લિમ સમાજના લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલે ઉમટી પડ્યા હતાં. હત્યાના ભોગ બનનારના સ્વજનોના કહેવા મુજબ જ્યાં સુધી આરોપી નહિ પકડાય ત્યાં સુધી અમે લાશ સંભાળશું નહિ.

મુસ્લિમ યુવાનોએ હુમલામાં ૧૭ જેટલા ભરવાડ શખ્સો સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ વ્હોટ્સએપ પર આ શખ્સોના નામ વહેતા થયા હોઇ તે આરોપી તરીકે દર્શાવ્યા હતાં. આ નામોમાં વિજય વીરાભાઇ બતારા, રવિ ગોવિંદભાઇ, સુરેશ બતાળા, લાલો ગોવિંદભાઇ, રવી સવાભાઇ, કારો બાબુભાઇ, કાચો ગોવિંદભાઇ, ભાણો, રણજીત જાડીયો, ચંદુ પાણીવાળો, વિશાલ સવાભાઇ, નયન ભુરાભાઇ, રવિ ગોવિંદભાઇ, લાલો હોટેલવાળો સહિતનો સમાવેશ થાય છે. આ બારામાં અકબર સુમરા કે જે રાજકોટ દાખલ છે તેની ફરિયાદ પરથી ગુનો નોંધવા તજવીજ થઇ છે.

સામા પક્ષે ભરવાડ યુવાન અનિલ મયાભાઇ બતાળા (ઉ.૨૮)ની ફરિયાદ પરથી ૨૧ મુસ્લિમ શખ્સો ઇમરાન ઉર્ર્ફ ઈમલો, મુસ્તુફા ગામેતી, આફતાબ સુમરા, સાજીદ સુમરા, રમીઝ ચોૈહાણ, બટેટી, ઇલ્યાસ નુરમહમદ સવાણ, અકબર ઇબ્રાહીમભાઇ, અમન સિપાહી, સમીર સિપાહી, વસીમ સિપાહી, નદીમ સમા, રફીક ફકીર, અહેમદ ફકીર, બાબુ સુમરાનો ભાઇ ઠુઠો, સસલો સિપાહી, અહેમદ સુમરા, રસુલ ઉર્ફ નાનુ કુરેશી, બીલાલશા શાહમદાર, ભોલીયો મુસ્લિમ અને ઇમરાન ઉર્ફ ઇમલાનો મોટો ભાઇ સહિત બીજા ૧૫ અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.

પીઆઇ શ્રી રામાનુજના કહેવા મુજબ મુસ્લિમ લોકોના ઘર નજીક આવાસ કવાર્ટરમાં એક દેવીપૂજક મહિલા રહે છે. ત્યાં ભરવાડ શખ્સોની આવ-જા થતી હોઇ તેને અહિ આવવાની બે ત્રણ દિવસ પહેલા મુસ્લિમ લોકોએ ના પાડી હતી. આ કારણે બંને જુથના લોકો વચ્ચે મનદુઃખ શરૂ થયું હતું. આ બાબતે ગત રાતે ફરીથી માથાકુટ થતાં ટોળા સામ-સામે આવી ગયા હતાં. આરોપીઓમાં ભરવાડ જુથના ૧૭ જેટલા શખ્સોને ઉઠાવી લેવાયા છે. તેમજ સામા જુથના ત્રણેક શખ્સોને પણ સકંજામાં લઇ લેવાયા છે.

બીજી તરફ રાજકોટ ખાતે ગોંડલથી મુસ્લિમ સમાજના લોકો અને મૃતકના સ્વજનો ઉમટી પડ્યા હોઇ તેણે તમામ આરોપીઓ પકડાય ન જાય ત્યાં સુધી ઇલ્યાસ ઉર્ફ અખ્તરનો મૃતદેહ નહિ સંભાળવાનો નિર્ણય કર્યો હતો. પીએસઆઇ શ્રી ઝાલાના કહેવા મુજબ મોટા ભાગના આરોપીઓ હાથવેંતમાં છે. વિસ્તારમાં શાંતિ છે અને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. (૧૪.૭)

હત્યાનો ભોગ બનનાર ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજો તથા અપરિણત હતોઃમાતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ગરક

. હત્યાનો ભોગ બનનાર અખ્તર ઉર્ફ ઇલ્યાસ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ અને અપરિણીત હતો. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવવા સાથે પાનની દૂકાન પણ ચલાવતો હતો. તેના અન્ય ભાઇઓના નામ ઇકબાલભાઇ, યાસીનભાઇ અને બહેનોના નામ યાસ્મીબેન, મહેતાબબેન, મહેમુદાબેન તથા શાહીદાબેન છે. જુવાનજોધ દિકરાની હત્યાથી વૃધ્ધ માતા જુબેદાબેન, પિતા નુરમહમદભાઇ હાજીભાઇ સવાણ (સુમરા) સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. (૧૪.૬)

આવતી કાલે અખ્તરના પિત્રાઇ ભાઇની શાદી હોઇ ખુશાલીનો માહોલ હતો, હત્યા થતાં માતમ છવાયો

. હત્યાનો ભોગ બનેલા અખ્તર ઉર્ફ ઇલ્યાસના કાકાના દિકરા અન્સુરની આવતીકાલે શુક્રવારે શાદી છે. આ પ્રસંગની પરિવારજનોમાં તૈયારી થઇ ચુકી હતી અને સોૈ ખુશખુશાલ હતાં. શાદીના બે દિવસ અગાઉ થયેલા હુમલામાં અખ્તરની હત્યા થઇ જતાં સવાણ પરિવારની ખુશીનો માહોલ માતમમાં પલ્ટાઇ ગયો છે.

(11:18 am IST)