Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

પાન્ધ્રોમાં મનરેગા યોજનામાં ગેરરીતિ મુદે તપાસ કરીને પગલા ભરવા વિધાનસભામાં ખાત્રી

વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદાએ પ્રશ્ન ઉઠાવ્યો

વાંકાનેર તા.પ : ગુજરાત વિધાનસભા ગૃહમાં મોરબી અને કચ્છ જિલ્લામાં મહાત્મા ગાંધી રોજગારી ગેરેંટી યોજનામાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવા અંગે વાંકાનેર ધારાસભ્ય શ્રી જાવેદ પીરઝાદાએ પ્રશ્ન ઉઠાવ્યો છે.

શ્રી પીરઝાદાએ જણાવ્યુ કે છેલ્લા બે વર્ષમાં મહાત્મા ગાંધી રોજગારી ગેરેંટી યોજના હેઠળ મોરબી અને કચ્છ જીલ્લામાં નાણાકીય ગેરરીતિઓ અંગેની કેટલી ફરિયાદો સરકારને મળી અને તે પૈકી તાલુકાવાર કેટલી ફરિયાદો અંગે તપાસ કરી, કસુરવારો સામે શી કાર્યવાહી કરવામાં આવી.

આ સવાલનો પ્રત્યુતર આપતા ગ્રામ વિકાસ મંત્રીશ્રી બચુભાઇ મ. ખાબડે જણાવ્યુ કે છેલ્લા બે વર્ષમાં મહાત્મા ગાંધી રોજગારી ગેરેંટી યોજના હેઠળ મોરબી અને કચ્છ જિલ્લામાં નાણાકીય ગેરરીતિઓ અંગેની એક પણ ફરિયાદ સરકારને મળી નથી અને એક પણ ફરિયાદ મળેલ ન હોઇ પ્રશ્ન રહેતો નથી.

આ પ્રત્યુતર સામે વાંધો ઉઠાવી પ્રશ્ન રજુ કરતા માન. અધ્યક્ષને જણાવ્યુ કે મંત્રીશ્રએ રજુ કરેલો પ્રત્યુતર સાચો નથી. મારી પાસે પુરાવા છે કે પાન્ધ્રોમાં બોગસ જોબકાર્ડની ગેરરીતિ અંગે લખપત તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રીએ તા.ર૪-૦૭-૧૭, ર૮-૭-૧૭ સમાચાર પત્રમાં ૧૩-૧૦-૧૬થી ફરિયાદો થયેલી છે અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ તા.૩-૧૧-૧૬ના પત્રમાં ગેરરીતિઓ સ્વીકારી છે. આ માહિતીઓ છુપાવી અને સરકારને ગેરમાર્ગે દોરવા માટે આના જે પણ અધિકારી-કર્મચારી હોય એમના સામે શું પગલા સરકાર લેવા માંગે છે.

આ પેટા પ્રશ્નનો પ્રત્યુતર આપતા મંત્રીશ્રીએ જણાવ્યુ કે સભ્યશ્રી વાત કરે છે એ અગાઉના વર્ષની અંદર આ ઘટના બનેલી છે. પાન્ધ્રો ગ્રામ પંચાયતની આ હકીકત છે. સદર પ્રકરણ બાબતે તાલુકા વિકાસ અધિકારીશ્રી લખપત-કચ્છ દ્વારા તપાસ કરી અને તા.૩-૧-ર૦૧૬ના રોજ કલેકટરશ્રી ભુજ-કચ્છને તપાસનો અહેવાલ રજુ કરવામાં આવેલો છ. તાલુકા વિકાસ અધિકારીશ્રી લખપત-કચ્છ દ્વારા તા.૩-૧૧-ર૦૧૬ના તમામ અહેવાલમાં જણાવ્યા મુજબ સોગંદનામામાં જવાબ, નિવેદન લક્ષમાં લેતા યોજના હેઠળ ગેરરીતિ અને અનિયમિતતામાં ગ્રામ પંચાયતના નિયમોમાં ઘટતી કાર્યવાહી હાથ ધરવા કરેલ સુચન અન્વયે જિલ્લા પંચાયત ભુજ-કચ્છ દ્વારા તા.૭-૩-ર૦૧૭ના પત્રથી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભુજ-કચ્છ તથા કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત માર્ગ-મકાન પેટા વિભાગ દ્વારા તાલુકા લખપતને તપાસ સોંપવામાં આવેલ છે તેવુ ધારાસભ્ય-વાંકાનેરના અંગત મદદનીશ ભીમજી વડોરની યાદીમાં જણાવાયુ છે.(૩-૧)

 

(9:46 am IST)