Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ભાવનગરના હાથબ ગામે થયેલ હત્યા કેસના મુખ્ય આરોપીને આજીવન કેદઃ બે મહિલા સહિત પાંચ આરોપીઓને શંકાનો લાભ

સામાપક્ષે પકડાયેલા બે આરોપીઓને છ માસની સજા ફરમાવતી ભાવનગરની કોર્ટ

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. પ :.. ત્રણ વર્ષ પુર્વે ભાવનગર નજીકનાં હાથબ ગામે થયેલ હત્યા કેસનાં મુખ્ય આરોપીને ભાવનગર ડીસ્ટ્રીકટ કોર્ટે  આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે બે મહિલા સહિત અન્ય પાંચ આરોપીઓને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. જયારે સામા પક્ષે બે આરોપીઓને અદાલતે છ માસની સજા ફટકારી હતી.

આ કામનાં ફરીયાદી નરશીભાઇ રાઘવભાઇ ગોહેલ ગત તા. ર૧-૧-૧૮ ના રોજ બપોરના ત્રણ વાગ્યાના સુમારે તેમની દુકાને બેઠા હતા, તે વેળાએ આ ગામમાં કેવડીયા વાડી વિસ્તારમાં રહેતા વનરાજ ગોહેલ તેમની દુકાને આવેલા અને કહેલ કે, તારા બાપા પાસે જે જમીન જાદવભાઇએ ગીરવે મુકેલ છે, તે તમારા બાપની નથી. ખાલી કરી નાખજો, તેમ કહી ગાળો આપી જે તે સમયે જતા રહેલ.

ત્યારબાદ આ વાત ફરીયાદીએ તેમના પિતાને કરતા તેઓ વનરાજભાઇને કેવડીયાની વાડી વિસ્તારે તેમનાં ઘર પાસે સમજાવવા ગયેલા અને થોડી વારમાં તેમને કોઇકે ફોન કરેલ કે તમારા બાપા સાથે લડાઇ ઝઘડો થયો છે. જેથી ફરીયાદી બાઇક લઇ ઘટના સ્થળે ગયા હતાં. ત્યાં તેમનાં કાકા નાનજીભાઇને પેટના ભાગે લોહી નીકળતું હોય અને તેમના પિતા તથા ભગતકાકા હાજર હતા અને ફરીયાદીના પિતાએ ફરીયાદીને વાત કરેલ કે, તેઓ વનરાજને સમજાવતા હતા ત્યારે વનરાજભાઇ ગાળો દેવા લાગેલા અને ઝઘડો કરતા તેમનાં કાકા નાનજીભાઇ તથા ભગતકાકા તથા નાનીબેન રમેશભાઇ આવી ગયેલ. અને વનરાજે અશોકભાઇને ફોન કરતા તે ગુપ્તી લઇને આવ્યા હતાં. અને નાનજીભાઇને પડખામાં મારી જીવલેણ હૂમલો કરી નાસી ગયા હતાં. અને મેપાભાઇએ તેમને ધોકો મારતા આંખમાં ઇજા થઇ હતી.

આ કામમાં આરોપી નં. (૧) મેપાભાઇ ઉકાભાઇ ગોહેલ ઉ.પપ, (ર) વનરાજ ઉર્ફે વના ભાયાભાઇ ગોહેલ, ઉ.૩૬ (૩) અશોક ભાયાભાઇ ગોહેલ ઉ.૩ર (૪) ભાયાભાઇ ઉકાભાઇ ગોહેલ ઉ.પ૮, (પ) ભારતીબેન વનરાજભાઇ ગોહેલ, ઉ.૪૦, (૬) શાધુબેન મેપાભાઇ ગોહેલ ઉ.પ૩ (રહે. તમામ હાથબ ગામ, તા. જી. ભાવનગર) સહિતનાઓએ એકસંપ કરી એકબીજાને મદદગારી કરી નાનજીભાઇ બચુભાઇ ઉપર હૂમલો કરતા નાનજીભાઇને ગંભીર હાલતે સારવાર માટે જે તે સમયે ભાવનગરની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરેલ. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો.

આ બનાવ અંગે ફરીયાદી નરશીભાઇ રાઘવભાઇ ગોહીલે વરતે જ પો. સ્ટે. માં ઉકત છ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા તમામ સામે ઇ. પી. કો. કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, પ૦૪, ૩૦૭, ૩ર૩, ૩૦ર તથા જી. પી. એકટ ૧૩પ મુજબનો ગુન્હો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરનાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર. ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો, મૌખીક પુરાવા-૧પ, દસ્તાવેજી પુરાવા-૩૬ વિગેરે ધ્યાને લઇ આ કામનાં મુખ્ય આરોપી નં. (૩) અશોક ભાયાભાઇ ગોહેલ સામે ઇ. પી. કો. કલમ -૩૦ર મુજબના શિક્ષાપાત્ર ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી આરોપીને આજીવન કેદની સજા અને રોકડ રૂ. પ,૦૦૦નો દંડ, જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.

આ બનાવમાં સામસામે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. આ ક્રોસ ફરિયાદમાં ફરિયાદી મેપાભાઇ ઉકાભાઇ ગોહેલે ગત તા. ર૧-પ-૧૮ ના રોજ તેમનાં ગામના ચોરે માતાજીના માંડવામાં તેઓ ગયા હતાં. તે વેળાએ બપોરના સુમારે ઘરે પરત આવતા હતા ત્યારે આ કામના આરોપીઓ (૧) ગોહેલ રાઘવ બચુભાઇ (ઉ.૬પ), (ર) ગોહેલ નરશી રાઘવ (ઉ.૩પ), (૩) ગોહેલ રમેશ બચુભાઇ (ઉ.૪૮), (૪) ગોહેલ ભગત બચુભાઇ (ઉ.પપ), (પ) ગોહેલ પ્રેમજી ભુથાભાઇ (ઉ.ર૮), (૬) ગોહેલ નાનીબેન રમેશભાઇ (ઉ.૪૩), (૭) ગોહેલ સમજુબેન ભગતભાઇ (ઉ.પ૦) સહિતનાઓએ એકસંપ કરી લડાઇ - ઝઘડો કરી ફરીયાદી પર હથીયારો વડે હૂમલો કરેલ. તે અંગે વરતેજ પો. સ્ટે. માં ફરીયાદ નોંધાવતા પોલીસે ઉકત આરોપીઓ સામે ઇ. પી. કો. કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩૦૭, પ૦૪, જી. પી. એકટ ૧૩પ મુજબનો ગુન્હો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરનાં પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર. ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ બી. કે. વોરાની દલીલો, મૌખીક પુરાવા-૧પ, લેખીત પુરાવા-ર૩ વિગેરે ધ્યાને લઇ અદાલતે મુખ્ય આરોપી (૧) ગોહેલ રાઘવ બચુભાઇ તથા (પ) ગોહેલ પ્રેમજી ભુથાભાઇ સામે ઇ. પી. કો. કલમ ૩ર૩ મુજબના શિક્ષાપાત્ર ગુન્હામાં બંને આરોપીઓનો તકસીરવાન ઠરાવી છ માસની કેદની સજા, રોકડા રૂ. ૧૦૦૦ દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ૧પ દિવસની સજા અદાલતે ફટકારી હતી.

(11:19 am IST)