Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

જૂનાગઢમાં ૯૫ વર્ષના કસ્તુરબેન, ૯૦ વર્ષના આદમભાઈ દુર્વેશ એથ્લેટીકમાં ઝંપલાવશે

કાલથી બે દિવસીય રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ સ્પર્ધાનો પ્રારંભ

 જૂનાગઢ, તા. ૫ :. ગુજરાત રાજ્યની ૩૭મી ગુજરાત રાજ્ય માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ, સિનીયર સિઝીઝન્સ મંડળ અને માસ્ટર એથ્લેટીક એસોસીએશન જૂનાગઢ શહેરના સંયુકત ઉપક્રમે શ્રીમતિ સ્વ. સ્મીતાબેન આડતિયાની સ્મૃતિમાં શ્રી શરદભાઈ આડતિયાના સૌજન્યથી તા. ૬ અને ૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના શનિ, રવિના દિવસો દરમિયાન એગ્રીકલ્ચરલ યુનિ. કેમ્પસ ગ્રાઉન્ડ જૂનાગઢ ખાતે યોજવામાં આવનાર છે.

આ ચેમ્પીયનશીપમાં ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાંથી ૩૫ થી ૧૦૦ વર્ષ ઉપરના અંદાજે ૫૫૦ જેટલા ખેલાડી ભાઈ-બહેનો ઉપસ્થિત રહેનાર છે. ખાસ કરીને આ સ્પર્ધામાં ૭૦+, ૭૫+, ૮૦+, ૮૫+, ૯૦+ વર્ષ ઉપરના યુવાન રમતવીરો પોતાનામાં રહેલી શકિતનો પરિચય કરાવવા રમવા આવનાર છે. આ ચેમ્પીયનશીપમાં આવનાર ખેલાડીઓ અગાઉ નેશનલ કક્ષાએ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલો મેળવી ઈન્ટરનેશનલ કક્ષાએ પણ રમીને ગુજરાત તથા ભારતને ગૌરવ અપાવેલ છે.

સફળ બનાવવા સિનીયર સીટીઝન્સ મંડળ અને માસ્ટર એથ્લેટીક એસોસીએશનના પ્રમુખ જે.બી. માંકડ, જે.એમ. ઝાલાવાડીયા, પ્રવિણભાઈ પોપટ, આઈ.યુ. સીડા, વજસીભાઈ સોલંકી તેમજ બન્ને એસોસીએશનના તમામ સભ્યો છેલ્લા ૧૦ દિવસથી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

આ ૩૭મી ચેમ્પીયનશીપના વિજેતા ખેલાડીઓ આગામી ૩૯મી નેશનલ માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ તા. ૨૧ થી ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન કાન્તીરવા સ્ટેડીયમ બેંગ્લોર ખાતે ભાગ લેવા જનાર છે.

એમ.ડી. માંકડ અને આઈ.યુ. સીડા એ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે આ સ્પર્ધામાં જૂનાગઢના ૯૫ વર્ષના કસ્તુરબેન કાથરોટીયા, ૧૦૦ મી., ૨૦૦ મી. અને ગોળાફેંક સ્પર્ધા તેમજ આદમભાઈ દુવેર્શ (ઉ.વ.૯૦) તે હેમલ થ્રો જયેલીયન થ્રો, ચક્ર ફેંક સ્પર્ધામાં ભાગ લેનાર છે અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૧૦૦ જેટલા રમતવીરો આ સ્પર્ધામાં ભાગ લેનાર છે.

ગત રાત્રે ગાર્ડન પેલેસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વધુ વાતચીત કરતા શ્રી સીડાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં  જુનાગઢ શહેર ગ્રામ્ય રાજકોટ શહેર ગ્રામ્ય અમદાવાદ, સુરત, બરોડા, નવસારી, વલસાડ, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ-ભુજ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જીલ્લાઓમાંથી ૪૬૦ એન્ટ્રીઓ નોંધાય છે જેમાં ૩ર૩ ભાઇઓ અને ૧૩૭ બહેનોનો સમાવેશ થાય છે.

આ સ્પર્ધામાં આવનાર ર્સ્પધકો માટે દોમડીયાવાડી ખાતે રહેવા જમવાની સુવિધા ગોઠવવામાં આવેલ છે આ દ્વિદિવસીય રમતોત્સવમાં જૂનાગઢની જનતા વધુમાં વધુ જોડાય ભાગ લેવા અને નિહાળવા શ્રી બી. જે. માંકડે નિમંત્રણ પાઠવ્યું છે

(4:43 pm IST)