Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

રસ્તા, પાણી, લાઇટ, ટ્રાફીક સમસ્યાના વિરોધમાં સુરેન્દ્રનગર સજ્જડ બંધ

સીનીયર સીટીઝનની લડત-રેલીમાં જનમેદની ઉમટીઃ ઉપવાસ આંદોલનનો પાંચમો દિવસ

વઢવાણ તા.પ : રસ્તા, પાણી, લાઇટ, ટ્રાફીક સહિતના પ્રશ્ને આજે સુરેન્દ્રનગર સજ્જડ બંધ રહ્યુ છે. સીનીયર સીટીઝનની લડતમાં જનમેદની ઉમટી પડી છે અને ઉપવાસ આંદોલનના પાંચમાં દિવસે મહારેલી નીકળી હતી અને લોકો સ્વયંભુ જોડાયા હતા અને તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

સુરેન્દ્રનગર શહેરને છેલ્લા બે વર્ષથી રોડ-રસ્તા ખોદી નાખ્યા. ગામને ગામડા કરતા પણ બદતર હાલતમાં મુકી દેવાયુ. ગામમાં પ્રવેશો એટલે ધુળ-ડમરી સિવાય બીજુ કાંઇ જોવા જાણવા જ ન મળે લોકોને રોગનો શિકાર બનાવી દેવાયા. સુવાસથી લઇને આંખના રોગના, ફેફસાના દર્દીઓની સંખ્યા સુરેન્દ્રનગર શહેરમાં વધી રહી છે.

ત્યારે ભાજપના વર્તમાન ધારાસભ્ય તરીકે પુર્વ એમ.એલ.એ. વર્ષાબેન દોશીના સમયમાં ગામ બંધ રખાયુ હતુ. સ્વતંત્ર રીતે ગામે બંધ પાળ્યો ગામ બંધના એલાનમાં સમસ્યાઓથી ત્રસ્ત બનેલા લોકોએ રેલી કાઢવામાં આવી અને આ રેલી ઐતિહાસિક રેલી તરીકે સુરેન્દ્રનગરમાં સાબીત તો થઇ જ પરંતુ વ્યંઢળો પણ આ રેલીમાં જોડાયા. નગરપાલિકા ડીડીઓ, જિલ્લા કલેકટર સહિતના સમય સુધીમાં નગરને ડગર બનાવવાના વચનો આપી રોડ, રસ્તા, લાઇટ, પાણી, સફાઇ સહિતની તમામ જવાબદારીઓ પણ સ્વીકારવામાં આવી ત્યારે ૩૧-૧ર-૧૭ મુદત પુર્ણ થઇ ગઇ અને ગામનો-શહેરનો પ્રશ્ન એનો એ જ રહ્યો, સ્થિતિ પણ એની એ જ રહી છે.

ઉપવાસના પાંચમા દિવસે સુરેન્દ્રનગર બંધનું એલાન આપવામાં આવ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના વેપારીઓ અને મોટુ હટાણા માર્કેટ ગણાતુ એવુ આ મહેતા માર્કેટ પણ બંધમાં ટેકો આપી હાલમાં બંધના એલાનમાં સાથે જોડાયુ છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં દવા બજાર પણ સદંતર બંધ રાખી બંધના એલાનને ટેકો જાહેર કરી હાલમાં બંધમાં જોડાઈ ગયા છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર આવેલ ઝવેરી માર્કેટના વેપારીઓ પણ બંધના એલાનમાં ટેકો જાહેર કરી અને હાલમાં જોડાયા છે.

ત્યારે સામાન્ય વર્ગના લોકો પણ પોતપોતાના ધંધા રોજગાર સ્વયંભુ બંધ રાખ્યા છે અને આજે સંપૂર્ણપણે સુરેન્દ્રનગર વિકાસના બદલે વિનાશ તરફ ધકેલવામાં આવ્યું છે ત્યારે બંધને સંપૂર્ણપણે બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે ત્યારે આજે સાડા દસે મેઘા મોલ મિલન રોડ પાસેથી રેલી યોજવામાં આવેલ છે. લોકો સ્વયંભુ ઉમટયા છે. આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે અને હાલ વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

રાત્રીના બન્ને આગેવાનોને છોડી દીધા

ત્યારે સિનીયર સિટીઝનવાળા, આ બન્ને અને અશોકભાઈ વગેરે ભેગા મળી અને નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવેલ હતી ત્યારે આ મામલામાં કિશોરચંદ્ર નરોતમદાસ રાજદેવ અને ઘનશ્યામ લાલજીભાઈ પરમાર આ બન્નેને ફરજ રૂકાવટના ઓઠા તળે ગઈકાલે ધરપકડ રાત્રીના ઘરેથી કરી નાખેલ ત્યારે ગામનો માહોલ અને તોફાન થાય તેવી સ્થિતિ જોવા મળતા તાત્કાલીક રાત્રીના જ જામીન આપી છોડી મુકાયા હતા ત્યારે આવા પણ ખેલ ભાજપ દ્વારા પાડવામાં આવતા ભારે રોષ ભેલાયો હતો.

(3:55 pm IST)