Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

પીપાવાવ શીપ યાર્ડમાં ૫ કરોડના કિંમતી સાધનો પચાવી પાડવાના કેસમાં તપાસનો ધમધમાટ

અમરેલી, તા. ૫ :. અગાઉ ભારત સરકાર દ્વારા અબજો રૂપિયા ખર્ચીને જુદા જુદા દેશો પાસેથી લડાકુ જહાજોની ખરીદી કરવામાં આવતી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેક ઈન ઈન્ડીયા કાર્યક્રમ હેઠળ વિવિધ ઉત્પાદનો માટે ભારત હબ બને એ માટે પ્રયત્નો શરૂ કરાયા હતા અને વડાપ્રધાનના હસ્તક્ષેપથી ગુજરાતમાં અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ શીપયાર્ડનો વહીવટ ટોચના ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ સંભાળ્યો હતો. ત્યાર બાદ ભારતીય નેવી માટે જરૂરીયાત મુજબના તમામ યુદ્ધ જહાજોનું નિર્માણ અહીં કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના અંગે પીપાવાવ ડિફેન્સના જનરલ મેનેજર મનોજકુમાર ઉપાધ્યાય દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરીયાદ મુજબ રિલાયન્સ નેવલ એન્ડ એન્જીનીયરીંગ, પીપાવાવ દ્વારા ભારતીય નેવી અને કોસ્ટગાર્ડ માટે નવા યુદ્ધ જહાજ બનાવવાનું અને રીપેરીંગ કરવાનું કામ ચાલી રહ્યુ છે. કંપની દ્વારા ઈન્ડીયન નેવી તરફથી ૧૩-૨-૨૦૧૬ના રોજ આરએનએસ સાવિત્રી વોર શિપનો રીફીટનો કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે. ત્યાર બાદ તા. ૨૭-૮-૨૦૧૬ના રોજ આઈએનએસ સાવિત્રી વોરા શીપનું રીફીટ કરવાનું કામ યુનાઈટેડ શીપ રીપેર્સ એન્ડ મરીન પ્રા.લી. મુંબઈને પેટા કોન્ટ્રાકટ આપવામાં આવેલો અને બહરતેય નેવી પાસેથી તેની એપ્રોવલ લેવામાં આવેલી હતી. મુંબઈની આ કોન્ટ્રાકટર કંપનીના મેનેજીંગ ડાયરેકટર રાજુ મનોહર નાયક (રહે. મુંબઈ-વાળા) છે. રીલાયન્સ દ્વારા આ કોન્ટ્રાકટ કુલ ૧૪.૧૮ કરોડમાં આપવામાં આવેલો હતો. આઈએનએસ સાવિત્રી વોર શીપના રીફીટ કોન્ટ્રાકટ માટે ભારતીય નેવી તરફથી જહાજમાં લગાડવા માટેના અને દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણી શકાય તેવા કુલ ૧૭ સાધનો આ કંપનીને આપવામાં આવ્યા હતા. જેની કિંમત પાંચ કરોડ રૂપિયા જેવી થાય છે ત્યાર બાદ ઈંગજ સાવિત્રીને રીફીટની કામગીરી શરૂ થઈ હતી અને મુંબઈના કોન્ટ્રાકટર દ્વારા અમુક કિંમતી સાધનો સબ વેન્ડર મરીન કંપની અને હેમંત એન્જીનીયરીંગ મુંબઈવાળાને આપ્યા હતા અને અમુક સાધનો પોતાની પાસે જ રાખ્યા હતા. આ તમામ સાધનો મુંબઈની મુખ્ય પેટા કંપનીના મેનેજીંગ ડીરેકટર રાજુ નાયક જવાબદારી સાથે લઈ ગયા હતા.

ત્યાર બાદ એક વર્ષ સુધી કામગીરી ચાલી હતી પણ પેટા કંપનીના કામદારો વારંવાર હડતાલ પર જતા હોવાથી અને કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતા રીલાયન્સ ડીફેન્સ દ્વારા તા. ૮-૭-૧૭ના રોજ ૧૫.૨૫ વાગ્યે કોન્ટ્રાકટર રદ કરી દેવામાં આવ્યો હતો. એ પછી રાજુ નાયક સાથે રીલાયન્સ ડીફેન્સના અધિકારીઓની ભારતીય નેવીના કિંમતી સાધનો પરત કરવા માટે બેઠક યોજાઈ હતી પણ એ સાધનો હજુ સુધી પરત આવ્યા નથી. એન્ડીયન નેવીનો સામાન પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે રાખી રાખવો તે ગંભીર ગુન્હો બને છે અને જો તે સામાન કે તેની જાણકારી દેશની બહાર જાય તો દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ સાબિત થઈ શકે છે. જેથી રીલાયન્સ ડીફેન્સની ફરીયાદ પરથી પીપાવાવ મરીન પોલીસે આરોપી સામે ગુન્હો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:55 pm IST)