Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

હલેન્ડા પ્રાથમિક શાળામાં ધોરણ-૬ના છાત્રને શિક્ષિકાએ કાન પર લાફો માર્યો

લેશનનો ચોપડો કેમ નથી લાવ્યો કહી ફડાકો ખેંચી લીધોઃ દુઃખાવો ઉપડતાં સારવાર માટે દાખલઃ ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ તા.૫: સરધારના હલેન્ડાની પ્રાથમિક શાળામાં ધોરણ-૬માં અભ્યાસ કરતાં છાત્ર યુવરાજ શંકરભાઇ પરમાર (ચમાર) (ઉ.૧૧)ને શિક્ષીકાએ લેશનના ચોપડા બાબતે કાન પર લાફો મારી દેતાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

યુવરાજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ છાત્રના પિતાની ફરિયાદ નોંધી હતી. શંકરભાઇ મુળજીભાઇ પરમારે જણાવ્યું હતું કે પોતે કડીયા કામ કરે છે અને સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રી છે. જેમાં યુવરાજ ત્રીજા નંબરે છે. ગઇકાલે બપોરે બે વાગ્યે રિશેષ બાદ તેને હલેન્ડા પ્રાથમિક શાળામાં શિક્ષકા પારૂલબેને લાફો માર્યાની અને તેના કારણે દુઃખાવો થઇ રહ્યાની જાણ આજે સવારે પોતાને યુવરાજે કરતાં પોતે તેને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતાં.

યુવરાજે કહ્યું હતું કે પોતે લેશન કરીને ગયો હતો. પણ લેશનનો ચોપડો બેગમાંથી નીકળીને બહાર પડી ગયો હોઇ તેની પોતાને ખબર નહોતી. ત્યાં શિક્ષીકા લેશન જોવા આવતાં બેગમાં ચોપડો ન મળતાં શિક્ષીકાએ 'લેશન કેમ નથી કર્યુ, ચોપડો કેમ નથી લાવ્યો?' કહી લાફો માર્યો હતો. શંકરભાઇએ કહ્યું હતું કે ડાબા કાનમાં યુવરાજને દુઃખાવો હોઇ તેની દવા ચાલુ હતી. એ કાન ઉપર જ લાફો મારવામાં આવ્યો હતો.

(3:38 pm IST)