Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ગાંધીધામમાં નશામાં ચુર પુત્ર સાથે ટીવી જોવા રકઝક બાદ માતાએ ગળે ફાંસો ખાઇ જીવ આપી દીધો

રીમોટ લઇને બહાર નાસેલો પુત્ર ઘેર પરત ફર્યો ત્યારે માને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇને પિતાને ખુરશી વડે ફટકાર્યા

ભુજ તા. પ :.. દારૂનો નશો વ્યકિતને કેટલી હદે ભાન ભુલાવે છે તેનો કિસ્સો ગાંધીધામમાં બહાર આવ્યો છે.

સુંદરપુરી વિસ્તારમાં રહેતા મીનાબેન રમણ પરમાર (ઉ.પ૦) ઘેર પતિ અને પુત્ર સાથે ટીવી જોતા હતા તે દરમ્યાન ચેનલ જોવા માટે નશામાં ચુર પુત્ર સાથે રકઝક થઇ હતી. દારૂના નશામાં ગુસ્સે ભરાયેલો પુત્ર રીમોટ અને સેટઅપ બોકસ લઇ બહાર ચાલ્યો ગયો હતો. દરમ્યાન ઉશ્કેરાયેલ માતા મીનાબેને ઘેર પંખામાં ગળે ફાંસો ખાઇને જીવ દઇ દીધો હતો.  આ ઘટના બાદ ઘેર પરત ફરેલા પુત્ર સુરેશ રમણ પરમારે પોતાની મા ને ગળે ફાંસો ખાઇ ને મૃત હાલતમાં જોતાં માતા અને પિતા વચ્ચે કંઇ બોલાચાલી થઇ હશે એવું ધારીને પિતા રમણ પરમારને ખુરશી વડે ફટકાર્યા હતાં. બૂમાબૂમ થતાં લોકો દોડી આવ્યા હતાં.

એક તબકકે માતાની હત્યા પુત્રએ કરી હોવાની શંકા જતાં ઉશ્કેરાયેલા પડોશીઓએ પોલીસને બોલાવી હતી. જો કે ત્યારબાદ પરિસ્થિતિ સ્પષ્ટ થઇ હતી. પોલીસે પિતા રમણ પરમાર અને પુત્ર સુરેશ બન્નેની વધુ પુછપરછ કરી મૃતક મીનાબેનની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)