Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

માંડવીમાં મુસ્લિમ યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઇ'તીઃ ૩ ઝડપાયા

રાત્રે પોતાની બહેન સાથે યુનેન ને જોઇ જતાં ભાઇ મનોજ વચ્ચે ઝઘડામાં ખૂન-માંડવી પોલીસ સ્ટેશને મુસ્લિમોનાં ટોળા એકત્ર થતાં રાત્રે માહોલ તંગ-દલિત યુવતી અને મુસ્લિમ યુવાન વચ્ચે પ્રેમ પ્રકરણ

 ભુજ તા. પ :.. માંડવીમાં  ગઇકાલે મળેલ મુસ્લિમ યુવાન યુનેન યાહયા ચાકીની હત્યાનાં કેસમાં પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે.

ડીવાયએસપી એન. વી. પટેલ અને માંડવી પી. આઇ. એન. વી. ગામીતના જણાવ્યા પ્રમાણે પોલીસે હત્યાના મુખ્ય આરોપી મનોજ વાલજી મહેશ્વરી ઉપરાંત લાશને સગેવગે કરવામાં મદદરૂપ લક્ષ્મણ કલ્યાણ મહેશ્વરી (ગણેશનગર, માંડવી), અને નરેશ કલ્યાણ થારૂ મહેશ્વરી (ગોકુલવાસ, માંડવી)ની કલમ ૩૦ર હેઠળ હત્યાના આરોપસર ધરપકડ કરી છે.

માંડવીનાં મચ્છી પીઠમાં રહેતી જયશ્રી વાલજી મહેશ્વરીનાં ઘેર રાત્રે યુનેન યાહયા ચાકી ગયો હતો. દરમ્યાન રાત્રે જયશ્રીનો ભાઇ જાગી જતાં તેણે યુનેનને પોતાની બહેન જયશ્રી સાથે જોઇને વધુ પુછપરછ કરતા બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી.

જેમાં યુનેનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઇ હતી. હત્યા બાદ લાશને સગેવગે કરવા માટે મનોજે પોતાના બે મિત્રો લક્ષ્મણ તેમજ નરેશને બોલાવ્યા હતા ત્રણેય લાશને સગેવગે  કરવા એકટીવી ઉપર લઇ જતા હતા ત્યારે કુતરા ભસતાં અને ગાય અથડાતા લાશને મચ્છીપીઠ કમાલશા પીરની દરગાહ પાસે જ છોડીને રવાના થઇ ગયા હતાં.

પોલીસે હત્યાની ગુપ્તથી સુલઝાવીને ત્રણેય આરોપીઓ મનોજ વાલજી મહેશ્વરી, લક્ષ્મણ કલ્યાણ મહેશ્વરી, અને નરેશ કલ્યાણ થારૂ મહેશ્વરીની ધરપકડ કરી હતી. જો કે, ગઇકાલે મોડી રાત્રે હત્યાનાં બનાવ અને હત્યારાઓની ધરપકડ સંદર્ભે માંડવી પોલીસ  સ્ટેશને મુસ્લિમોના ટોળા એકત્ર થયા હતાં.

લાશ સ્વીકારવાની આના કાની સાથે મહિલા આરોપી કાનબાઇ વાલજી મહેશ્વરીને પોલીસ બચાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. એક તબકકે પોલીસ સ્ટેશનની બાજૂમાં આવેલ હત્યારાઓનાં સબંધી કુંવરબાઇ મહેશ્વરીના મકાન ઉપર પથ્થરમારો કરાયો હતો, જો કે, પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. કાનબાઇ વાલજી મહેશ્વરી મહિલા બુટલેગર હોવાનું અને પોલીસ તેને બચાવી રહી હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. પ્રેમ પ્રકરણમાં રહેલી યુવતી જયશ્રી કાનબાઇની પુત્રી છે અને દલિત યુવતી જયશ્રી અને મુસ્લિમ યુવાન યુનેન પ્રેમ પ્રકરણ આ સમગ્ર ઘટનામાં હોવાનું ખુલ્યું છે.

(9:41 pm IST)