Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

પોરબંદર સાંદીપનિ દ્વારા સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોના વિવિધ નિદાન કેમ્પ

પૂ.ભાઇશ્રીની નિશ્રામાં આયોજનઃ ફેફસા અને શ્વાસના દર્દો, નેત્ર તથા દંત રોગનું નિદાનઃ લેબોરેટરી, કાર્ડીયોગ્રામ, સોનોગ્રાફી અને નિદાન વિનામૂલ્યે

પોરબંદર , જુનાગઢ તા.૫: સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર દ્વારા આયોજીત શ્રી હરિ મંદિર પાટોત્સવ-૨૦૧૮ અંતર્ગત વિવિધ મેડીકલ કેમ્પના આયોજન કરેલ છે.

પૂજય ભાઇશ્રીની નિશ્રામાં શ્રી હરિ મંદિર પાટોત્સવ-૨૦૧૮ દરમ્યાન ધર્મોત્સવની સાથે માનવસેવાના ઉમદા કાર્યોને ચરિતાર્થ કરતા વિવિધ તબીબી મહાયજ્ઞોનું આયોજન કરવામાં આવેલ છે.

મુંબઇની ખ્યાતનામ બોબ્બે સીટી આઇ ઇન્સ્ટીટયુટ એન્ડ રિસર્ચ સેન્ટરના વિશ્વવિખ્યાત આઇ સર્જન ડો.કુલિનભાઇ કોઠારી અને તેમની ટીમ દ્વારા સુપર સ્પેશ્યાલીટી આઇ કેમ્પનું આયોજન તા.૨૨ તેમજ તા.૨૩ ના રોજ યોજેલ છે. તા.૨૨ના રોજ લાયન્સ હોસ્પિટલ ખાતે રાજકોટના ડો. જયેશભાઇ ડોબરીયા દ્વારા પલ્મોનોલોજી (ફેફસા અને શ્વાસના દર્દો) ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સાંદીપનિ ખાતે ગૌરીદળના દંતવૈદ્ય ડો. સરોજબેન જોષીના દંતયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.બધા જ કેમ્પોમાં તમામ દર્દીઓને વિનામૂલ્યે નિદાન, જરૂરી તમામ લેબોરેટરી તપાસ (લોહી, પેશાબ વિગેરે) એકસ-રે, ઇ.સી.જી (કાર્ડીયોગ્રામ) સોનોગ્રાફી, ટુ-ડી ઇકો વિગેરે કરી આપવામાં આવશે. ઉપરાંત સુપર સ્પેશ્યાલીટી આઇ કેમ્પમાં જરૂરી તમામ લેઝર સર્જરી પણ વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ જરૂરીયાત મંદ દર્દીઓને પાંચ દિવસની પૂરતી દવાઓનો કાર્સ પણ કેમ્પના સ્થળ પરથી જ પૂરો પાડવામાં આવશે. સેવાયજ્ઞોના શુભારંભ પ્રસંગે દીપ પ્રાગટય ધામેચા આઇ હોસ્પિટલ ખાતે તા.૨૨ સવારે ૮:૩૦ કલાકે કરવામાં આવશે.

કેમ્પ અંગે કોઇપણ માહિતીની જાણકારી માટે અમારા કેમ્પ કો-ઓર્ડીનેટર ડો.ભરતભાઇ ગઢવી (૯૭૧૨૨ ૨૨૦૦૦) તથા ડો.સુરેશભાઇ ગાંધી (૯૮૨૪૧ ૭૨૪૧૩)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:30 am IST)