Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

રવિવારે જુનાગઢમાં ગોકુલેશ પુષ્ટિ વિદ્યાધામ દ્વારા સંસ્કૃત-સંસ્કૃતિ મહોત્સવ

અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સંસ્કૃતનો પ્રચાર પ્રસાર

જૂનાગઢ તા.૫: તા.૭ને રવિવારે સાંજે ૫ થી ૮ ભુતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ જૂનાગઢ ખાતે ગોકુલેશ પૂષ્ટિ વિદ્યા ધામ દ્વારા વિવિધ સંસ્કૃત અનુરાગી સંસ્થાઓના સહયોગથી સંસ્કૃત-સંસ્કૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

સંસ્થાના ૮૦ વિદ્યાર્થીઓ દ્વારા શ્રી દાનીરાયજી હવેલી, જૂનાગઢના શ્રી ૧૦૮ વજેન્દ્રરાયજી મહાદય (રવિબાવા)ની પ્રેરણા અને માર્ગદર્શન સાથૈ તૈયાર કરાયેલા સંસ્કૃત-સંસ્કૃતિ મહોત્સવ દરમ્યાન સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે. આ મહોત્સવ પ્રસંગે આકર્ષક સંસ્કૃત વસ્તુ પ્રદર્શની, સરળ સંસ્કૃત શિક્ષણ સાહિત્યનું પ્રદર્શન અને વેચાણ, સંસ્કૃત ગીત સંગીત, નાટક,સંસ્કૃત ગરબાઓ અને ભરત નાટ્યમ સહીતના કાર્યક્રમો આયોજીત કરાયા છે.

આ પ્રસંગે મંત્રી જયેશભાઇ રાદડીયા, બિભાવરીબેન દવે, કલેકટર ડો.રાહુલ , જીલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા, મેડીકલ કોલેજના ડીન ડો.એસ.પી.રાઠોડ, કેળવણીકાર પ્રદિપભાઇ ખીમાણી, દાદુભાઇ કનારા, મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઇ ધુલેશીયા, સંસ્કૃત ભારતી ગુજરાતના અધ્યક્ષ ડો.કૃષ્ણપ્રસાદ નીરૌલા, પ્રાંત મંત્રી જયશંકરભાઇ રાવલ, સોમનાથ સંસ્કૃત યુનિ.ના આચાર્ય નરેન્દ્રભાઇ પંડ્યા, અધ્યાપક ડો. દિપેશ કતીરા, તેમજ પત્રકારો ધીરૂભાઇ પુરોહીત, કૃષ્ણકાંતભાઇ રૂપારેલીયા અને અર્જુનભાઇ ડાંગર વગેરે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિના દર્શન નૃત્ય કલા દ્વારા રાજકોટના 'તાંડવ નર્તન ગૃપ'ના જીગનેશભાઇ સુરાણી પોતાની ઉત્કૃષ્ટ શૈલીમાં રજૂ કરશે. તેવો નૃત્ય કલા ક્ષેત્રે ઘણા સમયથી કાર્યરત છે . શ્રી સુરાણીનો નૃત્ય કાર્યક્રમ જૂનાગઢ ખાતે પ્રથમ વખત યોજાઇ રહ્યો છે.

આયોજન શ્રી ગોકુલેશપૂષ્ટિ વિધાધામ દ્વારા સંસ્કૃતના વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. અને પશ્ચીમી સંસ્કૃતિ તરફ જઇ રહેલા યુવાધનને પાછુ વાળવાના પણ આ સંસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સંસ્કૃત-સંસ્કૃતિ મહોત્સવની વિશેષ માહિતી માટે શાસ્ત્રી રવિભાઇ જોષીનો મો.૯૯૨૪૧ ૧૫૯૮૮નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

(11:27 am IST)