Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

રોટેશન પદ્ધતિ હોય તો રીનાબેન ભોજાણીને હટાવી મનીષાબેન સાવલીયાને શા માટે પ્રમુખ બનાવાયા ?

ગોંડલ પાલિકામાં વધુ એક રાજીનામાથી ભાજપનું શિસ્ત ગોત્યુ જડતુ નથી !!

ગોંડલ તા.પ : ભાજપ શાસિત નગરપાલિકામાં વધુ એક ઔર સદસ્યએ રાજીનામુ આપતા ગાંધીનગરની માફક ગોંડલ ભાજપનો આંતરીક કલહ હવે સપાટી બહાર આગળ ધપી રહ્યો છે. વ્યસ્તતાનું મહોરૂ પહેરી રાજીનામુ આપનારા ખરા અર્થમાં નારાજગીનામુ દાખવી રહયા છે. નારાજગીનામાનાં દૌર વચ્ચે ભાજપના મોવડીઓની સદસ્યો ઉપરની પક્કડ પણ ઢીલીઢફફ સાબીત થઇ રહી છે. હજુ વધુ સદસ્યો દ્વારા રાજીનામાનો 'ડ્રામા' ભજવાય તો નવાઇ નહી.

કુલ ૪૪ સદસ્યો સાથેની નગરપાલિકામાં ર૯ સદસ્યો સાથે ભાજપ સત્તારૂઢ છે. સત્તા ઉપર બેઠેલા ભાજપને હજુ બે વર્ષ માત્ર પુરા થયા છે પરંતુ આ સમયગાળામાં ત્રણ સભ્યોએ રાજીનામારૂપી નારાજગી વ્યકત કરી છે. પ્રથમ લો કોલેજ કમીટીના ચેરમેન ક્રિષ્નાબેન તન્ના બાદમાં ચેતનભાઇ ઠુંમર અને હવે અનિતાબેન રાજયગુરૂએ રાજીનામુ આપતા શિસ્તબ્ધ કહેવાના ભાજપની શિસ્ત હાડપીંજર બનવા પામી છે.

અલબત રાજીનામા આપનાર સદસ્યોએ જીલ્લા કલેકટરને રાજીનામુ આપવાની નૈતિક હિંમત કયારેય દાખવી નથી. સભ્યોના રાજીનામા બાદ મોવડીઓ દ્વારા મનામણા થાય અને અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાય, અનિતાબેન રાજયગુરૂના રાજીનામા પ્રકરણમાં પણ મોવડીઓ ઘીનું ઠામ ધરશે તેવુ મનાય છે.

નગરપાલિકામાં સભ્યોના રાજીનામાનું વધી રહેલુ ચલણ જોતા શિસ્તનો કોરડો વિંઝવા માટે મોવડીઓ પણ જાણે શકિતમાન ના હોય ઘીના ઠામ હાથવગા રાખવા પડે તેવી હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાવા પામી છે. હાલ અઢી વર્ષ માટે સામાન્ય સ્ત્રીનું પ્રમુખપદનું રોટેશન કાર્યરત છે જેને પુર્ણ થવામાં પાંચથી છ માસ બાકી છે.

નગરપાલિકાની ચૂંટણી બાદ સત્તારૂઢ થનાર ભાજપ દ્વારા મહિલા પ્રમુખપદે રીનાબેન ભોજાણીને રંગેચંગે તાજ પહેરાવાયો હતો પરંતુ અઢી વર્ષનો તેમનો કાર્યકાળ પુર્ણ થાય તે પહેલા માત્ર એક વર્ષમાં જ રીનાબેન ભોજાણીનો તાજ છીનવી મનીષાબેન સાવલીયાને પ્રમુખ બનાવાયા ત્યારે રીનાબેનને શા માટે તેનુ સ્પષ્ટ કારણ આજ સુધી ગોપનીય રહ્યુ છે. મોવડીઓ દ્વારા દરેકને ચાન્સ મળે તેવો જવાબ અપાયો હતો તો પછી રોટેશન પધ્ધતિનો અર્થ શું તેવા સવાલો ભાજપી સદસ્યો કરી રહ્યા છે.

અહી વાસ્તવિકતા આવી જ છે જે ભાજપ મોવડીઓ ખોખારીને જાહેરમાં કહી શકતા નથી. છેલ્લા ત્રણ-ચાર દાયકાઓથી ગોંડલની પ્રજાએ ભાજપ ઉપર અપાર વિશ્વાસ જતાવ્યો છે પરંતુ ભાજપના સભ્યો જ આપસી અવિશ્વાસ સાથે લોકસેવા કરતા હોય પ્રજાપણ વિચારતી થાય તેવો તાલ સર્જાયો છે.

હાલ તુરંત કમીટીના સતત કાર્યરત રહેલા અનિતાબેન રાજયગુરૂનું રાજીનામુ પાલિકા વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યુ છે અને હજુ વધુ રાજીનામા  આવી પડે તેવી શકયતાઓ વચ્ચે ભાજપનું કહેવાતુ શિસ્ત હલબલી ઉઠયાનું ચિત્ર ઉપસી રહ્યુ છે.

(11:26 am IST)