Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ધોરાજી એસ.ટી.ના રૂટ ત્રીજે 'દિ બંધઃ અમરેલી ખુલ્લુ રહ્યુ

બપોર બાદ ઉપલેટા-પોરબંદર અને જામનગરના રૂટો ચાલુ કરાશેઃ મહારાષ્ટ્રની ઘટનાના સૌરાષ્ટ્રમાં પડઘા

ધોરાજી, તા. ૫ :. ધોરાજીમાં બુધવારે રાત્રીના ૮ વાગ્યાના સમયે ભુખી ચોકડી પાસે કોઈ અજાણ્યા શખ્સોએ રાજકોટ-ઉપલેટા રૂટની એસ.ટી. બસ સળગાવવાની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડયા હતા. જેના આજે ત્રીજા દિવસે ધોરાજી એસ.ટી. બસ સ્ટેશનના તમામ રૂપે બંધ રહેતા પેસેન્જરો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો, દિવ્યાંગો, અંધજનો, સિનીયર સીટીઝનો અને તમામ ગામડાઓના પેસેન્જરો પરેશાન થઈ ગયા હતા અને ખાનગી રીક્ષાચાલકો, ટ્રાવેલ્સ બસના સંચાલકોને બખ્ખા થઈ ગયા હતા અને કાયમી રૂટના ભાવ કરતા લૂંટ ચલાવ્યાનું જાણવા મળેલ હતું.

આ સમયે ધોરાજી એસ.ટી. ડેપો મેનેજર પુરીબેન ડાંગરનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, ધોરાજીમાં બુધવારે એસ.ટી. બસ સળગાવ્યાના મામલે એસ.ટી. બસોને વધુ નુકશાની સહન ન કરવી પડે એ બાબતોને ધ્યાનમાં રાખી જૂનાગઢ ડીવીઝન (મેનેજર) નિયામકશ્રીની સૂચનાથી ધોરાજીના તમામ રૂટો બંધ કરી દેવામાં આવેલ. આ સાથે રાજકોટ પોરબંદર ધોરાજી જામનગર ધોરાજી જૂનાગઢ વિગેરે કુલ ૩૭ રૂટો બુધવાર રાત્રીના જ બંધ કરી દીધા હતા.

બાદ આજે શુક્રવારે સંપૂર્ણ શાંતિ જણાતા સવારે ૯.૦૦ કલાકે જૂનાગઢ અને રાજકોટના રૂટો ચાલુ કરાયા છે અને ધોરાજીના પોલીસ ઈન્સ. સાથે વાત થયા બાદ ઉપલેટા રોડ અને જામનગર રોડ ઉપર પુરતો પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલીંગની ખાત્રી બાદ ઉપલેટા પોરબંદર અને જામનગરના રૂટો ચાલુ કરાશે.

હાલમાં ધોરાજી એસ.ટી. ડેપોને ત્રણ દિવસ એસ.ટી. બસનો તમામ વ્યવહાર બંધ રહેતા અંદાજે ધોરાજી ડેપોને લાખોની નુકશાની વેઠવી પડેલ હતી.

હાલમાં ધોરાજી એસ. ટી. ડેપોની બંધ પડેલા રૂટોની એસ. ટી. બસના થપ્પા દર્શાય છે.

ધોરાજીમાં એસ. ટી. બસ સળગાવવાના મામલે પોરબંદર-જામનગર-જુનાગઢ-રાજકોટ-જેતપુર-ગોંડલ-કેશોદ વિગેરે એસ. ટી. ડેપોની બસ બંધ રહી હતી.

જો એસ. ટી. ડીવીઝનએ તાત્કાલીક આ બાબતે નિર્ણય ન લીધો હોત તો તમામ જીલ્લા અને રૂટોમાં મોટી નુકશાની એસ. ટી. ગુજરાતને સહન કરવાનો વારો આવેલ. યોગ્ય સમયે યોગ્ય અને તાત્કાલીક નિર્ણય એસ. ટી. માટે ફાયદારૂપ  બન્યો હતો.

અમરેલી

અમરેલીઃ તાજેતરમાં મહારાષ્ટ્ર ભીમા કોરેગાવમાં દલિતો પોતાના શૌર્યદીનની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન અહી ૪૦૦ થી ૫૦૦ના આવારા તત્વોના ટોળા આવીને શૌર્યસભામા ઉપસ્થિત દલિત સમાજ આગેવાનો, યુવાનો, બહેનો, બાળકો પર પથ્થરમારો કરીને જાન લેવા હુમલો કર્યો હતો.

આ બનાવ પગલે ડો. બી.આર. આંબેડકરના પૌત્ર પ્રકાશરાય આંબેડકર દ્વારા મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરવામાં આવી હતી. આજે સમસ્ત અમરેલી જીલ્લા દલિત સમાજ દ્વારા એસટી-એસટીની સાથે મીટીંગ કરવામાં આવી હતી. જેમા અમરેલી શહેર વેપારી વર્ગ આજરોજ બંધ પાળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમજ આજરોજ શાંતીપૂર્વક કલેકટરને આવેદન આપવામાં આવશે.

આજરોજ બંધના એલાનને કોઈ પ્રતિસાદ મળ્યો નથી. સવારના સમયે દુકાનો બંધ રહ્યા બાદ થોડા સમયમાં શટરો ટપોટપ ખુલવા લાગ્યા હતા અને બજારો રાબેતા મુજબ ખુલી ગઈ હતી. બંધ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. એકંદરે શહેરમાં શાંતિનો માહોલ યથાવત રહ્યો હતો.

(11:26 am IST)