Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ભાવનગરમાં ૧૨૫ વર્ષ પુરાણા ઐતિહાસિક તખ્તેશ્વર મહાદેવ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ

પૂ. જનકગીરીબાપુના વ્યાસાસને શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞઃ ઉમટતો માનવ મહેરામણ

ભાવનગર, તા. ૫ :. ભાવનગરની આગવી ઓળખ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર એવા ઐતિહાસિક તખ્તેશ્વર મહાદેવ મંદિરના નિર્માણના ૧૨૫ વર્ષ પૂર્ણ થતા શિવભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો છે અને ૧૨૫માં વર્ષની ઉજવણી માટે ધાર્મિક કાર્યક્રમો આયોજીત કરાયા છે.

ભાવનગરના નેક નામદાર મહારાજા તખ્તસિંહજી ગોહિલ - જી.સી.એસ.આઈ.એ આ શિવાલય બંધાવી સોનાના થાળા સાથે સંવત ૧૯૪૯માં ઈસવીસન ૧૮૯૩ના જાન્યુઆરી માસમાં અર્પણ કર્યુ હતુ જે અંગેની નોંધ હાલમાં મંદિર પર લાગેલી તકતીમાં જોઈ શકાય છે. મંદિર નિર્માણ પૂર્વે બનેલો એક પ્રસંગ ટાંકતા હાલના પૂજારી સુરેશગીરી ગોસ્વામીએ જણાવ્યુ કે એક ફકીરી સંતના આદેશથી આ તખ્તેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયેલું. ૧૮૦૦ પાદરના ધણી મહારાજ તખ્તસિંહજી ગોહિલ પોતાના રાજ્યમાં પ્રવાસે નિકળેલા ત્યારે બોટાદ નજીકના નવહથ્થા હનુમાનજી મંદિર પાસે સંત મસ્તરામબાપુ બિરાજમાન હતા.

મહારાજા તખ્તસિંહજીએ સંત મસ્તરામબાપુને દંડવત પ્રણામ કરી સેવા માટે કાંઈ હુકમ હોય તો જણાવવા આગ્રહ કર્યો ત્યારે પૂ.બાપુએ 'નામ તેનો નાશ છે' તેમ કહી લોકો યાદ કરે અને રૈયતને ઉપયોગી થાય તેવા કામ કરવા પ્રેરણા કરી હતી આથી મહારાજા તખ્તસિંહજીએ ઉંચી ટેકરી પર પોતાના નામ પરથી આ આરસ પહાણનું મંદિર બાંધી અર્પણ કર્યુ હતું. આ ઉપરાંત એક ધર્મશાળા અને સર તખ્તસિંહજી હોસ્પીટલનું પણ આજ સમયમાં નિર્માણ કરી રાજ્યની જનતાની સેવા સુખાકારી માટે અર્પણ કરી હતી.

તખ્તેશ્વર મંદિર નિર્માણને ૧૨૫ વર્ષ વીતી ગયા છતાં પણ આજે કાળની અનેક થપાટો ખાઈને પણ મંદિર અડીખમ ઉભુ છે. જે ઉત્તમ કળા સાથે તેની મજબૂતાઈનો પુરાવો છે. ધરતીકંપ અને વાવાઝોડાની કુદરતી આફતો વચ્ચે પણ મંદિર મજબૂત રીતે ઉભું છે. આ મંદિરનો વહીવટ સિટી મામલતદાર એટલે કે સરકાર હસ્તક છે.

આ મંદિર અસંખ્ય ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે, તો સહેલાણીઓને મનગમતુ સ્થળ છે, પ્રવાસીઓ અને વિદેશીઓને માટે પણ આકર્ષણરૂપ રહ્યું છે.

તખ્તેશ્વર મંદિરની સેવા પૂજા કરતા પૂજારી સુરેશગીરી અને રાજેશગીરી ગોસ્વામી પરિવાર દ્વારા મંદિર નિર્માણના ૧૨૫માં વર્ષ નિમિતે તા. ૪ ગુરૂવારથી તળેટીમાં મેદાનમાં શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે. જેમાં ખારી-મહુવાના જનકગીરીબાપુ વકતા રહેશે. કથાના પ્રારંભે બપોરે ૩ કલાકે તખ્તેશ્વર સ્થિત શ્રી ખોડીયાર મંદિરેથી પ્રસ્થાન થયેલ. કથા સ્થળે સાંજે ૪.૩૦ વાગ્યે મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ તથા પૂજનીય સંતો-મહંતોના હસ્તે દીપ પ્રાગટય કર્યુ હતું. કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ છે. લાભ લેવા આયોજકોએ અપીલ કરી છે.(૨-૩)

(9:47 am IST)