Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

જુનાગઢઃ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.માં ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સમાપન

બે દિવસ યોજાયેલ 'પેપરલેસ ટ્રેનીંગ'માં ર૦૦થી વધુ પ્રોફેસર્સ-ડેલીગેટસ

જુનાગઢ તા.પ : ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા ગ્લોબલ ટ્રેનીંગ એજયુકેશન પ્રોગ્રામ-યુકેના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાન અંતર્ગત યોજાયેલ ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું અને સમાપન ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.જે.પી.મૈયાણીના અધ્યક્ષસ્થાને યોજાયુ હતુ.

ચાર દિવસ દરમિયાન બે ભાગમાં બે-બે દિવસ માટે યોજાયેલ આ પેપરલેસ ટ્રેનીંગમાં ર૦૦થી વધુ પ્રોફેસર્સ-લેકચરર્સને ગ્લોબલ ટ્રેનીંગ એજયુકેશન પ્રોગ્રામ-યુકેના ડાયરેકટર અને ટ્રેનર પ્રો.શિતલ નાગોરી ભરવાડ તથા મેનેજર સંગીતા તોમર કનવર દ્વારા ઉંડાણપુર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા. સોરઠ પંથકમાં કદાચ સૌ પ્રથમ એવા આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રોગ્રામ કાગળ, નોટ, પેન, રાઇટીંગ પેડ વિગેરેના લેશમાત્ર ઉપયોગ વિના માત્ર એકટીવીટી બેઇઝડ ટ્રેનીંગ (કોમ્યુનિકેશન-કોલોબ્રેશન, ક્રિએટીવીટી, ક્રિટીકલ થીન્કીંગ, એકટીવ લર્નીંગ ટેકનીકસ વિગેરે) દ્વારા સર્વે પ્રોફેસર્સને તાલીમ આપવામાં આવી હતી.

સમાપન સમારંભમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.જે.પી.મૈયાણી, ગુજરાત સરકારનો માનતા જણાવ્યુ હતુ કે, શિક્ષણ દ્વારા સાચા અર્થમાં જ્ઞાનના સાગરસમા એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય, ગુજરાતનો વિદ્યાર્થી વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મિલાવીને ઉત્કૃષ્ટ દેખાવ કરે, લાયકાત પ્રમાણે રોજગારી મેળવી શકે તેવો સંનિષ્ઠ અને વિનમર પ્રયાસ આ વર્કશોપ પાછળ રહેલો હતો.

ઇંગ્લેન્ડથી આવેલ ટ્રેનર પ્રો.શિતલ નાગોરી ભરવાડ તથા સંગીતા તોમર કનવરે પોતાના લાગણીસભર પ્રતિભાવમાં સોરઠની મહેમાનગતિ, પ્રોફેસર્સની વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિઓ અપાતુ પ્રોત્સાહન વિગેરેને અસામાન્ય ગણાવ્યુ હતુ.

આ વેલીડીકટરી ફંકશનમાં પ્રારંભિ પ્રવચન પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો.સુહાસભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવ્યુ હતુ. પુષ્પગુચ્છ, ખાદીનો રૂમાલ તથા પુસ્તક દ્વારા મહેમાનોનું સ્વાગત કુલસચિવ ડો.એ.એચ.બાપોદરા, ડો.જયસિંહ ઝાલા તથા ડો.સુહાસભાઇ વ્યાસ દ્વારા કરાયુ હતુ. આભારવધિ યુનિવર્સિટીના કુલસચિવ ડો.એ.એચ.બાપોદરા દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

(9:07 am IST)