Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મહેન્દ્રભાઇ મશરૂ વિરૂધ્ધ હાર્દિકના આક્ષેપો સામે સાવરકુંડલા રઘુવંશી સમાજમાં આક્રોશ

 સાવરકુંડલા તા.૪ : જુનાગઢના સેવાના ભેખધારી અને સર્વ સમાજમાં સ્વીકૃત અને માનભર્યુ સ્થાન ધરાવતા ધારાસભ્યશ્રી મહેન્દ્ર મશરૂની વિરૂધ્ધમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા જુનાગઢના શિવમ પાર્ટી પ્લોટમાં તા.ર-૧ર-૧૭ના યોજાયેલ સભામાં મૂલ્યનિષ્ઠ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂની વિરૂધ્ધમાં બેફામ વાણી વિલાસ કરીને જુનાગઢની અર્ધો અવધ જમીન મહેન્દ્ર મશરૂની હોવાનો પાયાહિન આક્ષેપ કરતી સાવરકુંડલાના સમસ્ત રઘુવંશી સમાજમાં હાર્દિક વિરૂધ્ધમાં રોષ વ્યાપી ગયો છે.

સાવરકુંડલા લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે લોહાણા મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિજયભાઇ વસાણી અને મહાજન પ્રમુખશ્રી હસમુખભાઇ વડેરા સાથે મોટી સંખ્યામાં રઘુવંશી જ્ઞાતિઓ ભેગા મળ્યા હતા અને હાર્દિક પટેલ દ્વારા મહેન્દ્ર મશરૂ વિરૂધ્ધ કરવામાં આવેલ આક્ષેપ વખોડી કાઢી જણાવેલ કે શ્રી મહેન્દ્રભાઇ મશરૂ આજીવન સેવાના ભેખધારી છે. જુનાગઢમાં બ્લડ બેન્ક સહિત વિવિધ સેવા સંસ્થાઓ દ્વારા સર્વસમાજની સેવા કરેલ છે.

ધારાસભ્ય તરીકે તેમને સરકાર દ્વારા કાયદેસર પગાર-ભથ્થા સુધા તે સ્વીકારતા નથી. આવા નખશીખ-પ્રમાણિક લોકસેવક વિરૂધ્ધ આક્ષેપ બાજી કરી પાસના કન્વીનર દ્વારા જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે જળવાઇ રહેલા સુમેળભર્યા વાતાવરણને ડહોળવાનો હિનકક્ષાનો પ્રયાસ કરે છે તેની સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હાર્દિક પટેલ પોતાનુ બે જવાબદાર નિવેદન પરત ખેચે તેવી સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે અને જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેર ઉભુ કરવાની હિન પ્રવૃતિ બંધ કરવા ચીમકી આપી છે.

(2:24 pm IST)