Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કાલથી રાહુલ ગાંધી કચ્‍છ, મોરબી, સુરેન્‍દ્રનગરની મુલાકાતે

કોંગ્રેસના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ ફરી વખત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દક્ષિણ-ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં

રાજકોટ, તા. ૪ :  વિધાનસભા ચૂંટણી આડે  હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે કોંગ્રેસના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી કાલથી સૌરાષ્‍ટ્ર કચ્‍છ, દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

કોંગ્રેસ ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી આગામી પ થી ૭ ડિસેમ્‍બરથી ત્રણ દિવસની વધુ એક મુલાકાતે આવી રહ્યા છે. પ ડિસેમ્‍બરથી શરૂ થનારા આ પ્રવાસ દરમિયાન તેઓ પ્રથમ દિવસે કચ્‍છ-મોરબી અને સુરેન્‍દ્રનગર, બીજા દિવસે ૬ ડિસેમ્‍બરે તાપી-સુરત અને નર્મદા, જયારે ત્રીજા દિવસે ૭ ડિસેમ્‍બરે મધ્‍ય ગુજરાતમાં રોડ શો, જાહેર સભા સાથે પ્રચાર કરશે.

કોંગ્રેસના સુત્રોના જણાવ્‍યા મુજબ ૯ મી ડિસેમ્‍બરે પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ફરી એક વખત ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. આ વખતે તેઓ ગુજરાતમાં ત્રણ દિવસ રોકાણ કરીને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને દક્ષિણ ગુજરાતના વિસ્‍તારોમાં પ્રચાર કરશે. જો કે, મધ્‍ય ગુજરાતમાં અગાઉના રાઉન્‍ડમાં બાકી રહેલા વિસ્‍તારોમાં તેઓ પ્રચાર કરશે.

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : ભાજપના પરંપરાગત ગઢ માનવામાં આવતા મોરબી જીલ્લામાં ભાજપને જોરદાર પછડાટ આપવા માટે રાહુલ ગાંધી ફરીથી મોરબીના પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ ટંકારામાં સભા યોજયા બાદ ફરીથી રાહુલ ગાંધી મંગળવારે મોરબીમાં સભાને સંબોધન કરશે.

કોંગ્રેસ અને પાસની ટીમ જે બેઠક પર જીતની શક્‍યતાઓ વધુ છે તેવી બેઠક પર કોઈ કસર છોડવા માંગતા નથી. મોરબી જીલ્લો પાટીદાર આંદોલનમાં અતિ પ્રભાવિત રહ્યો છે અને હાર્દિક પટેલની સભાને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે જેથી ગત સપ્તાહે ખાખરેચી અને બાદમાં વાંકાનેરના લુણસરમાં સભા બાદ સોમવારે હાર્દિક પટેલ બાપા સીતારામ ચોકમાં સભાને સબોધન કરશે તો મંગળવારે રાહુલ ગાંધીની સભાનું આયોજન કરાયું છે જેમાં તા. ૫ ને મંગળવારે બપોરે ૩ કલાકે વેલકમ પાર્ટી પ્‍લોટ, રવાપર-દ્યુનડા રોડ ખાતે સભાનું આયોજન કરાયું છે જેમાં રાહુલ ગાંધીની સભામાં પ્રદેશ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, અહેમદ પટેલ, શક્‍તિસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ ઉપરાંત મોહન રાઠવા અને અશોક ગેહલોત સહિતના આગેવાનો પણ ઉપસ્‍થિત રહેશે. મોરબી જીલ્લાના ટંકારામાં અગાઉ રાહુલ ગાંધીના પ્રવાસ દરમીયાન સભાને બહોળો પ્રતિસાદ મળ્‍યો હતો તો રાહુલ ગાંધીને જોવા અને સાંભળવા માટે મોટી મેદની ઉમટી પડશે તેમ પણ કોંગ્રેસના આગેવાનો જણાવી રહ્યા છે.

 

(12:35 pm IST)