Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ઉનામાં ચૂંટણી પ્રચારને ઠંડીઃ કાર્યકરો અને મતદારોમાં ઉત્સાહ નહી

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગઃ બાકીના ૬ ઉમેદવારો કરામત કરે તો બાજી પલ્ટી શકે તેવી સ્થિતિ

ઉના તા.૪ : વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ટાઢોડુ છે. બંને પક્ષોના કાર્યકરો-મતદારોમાં નિરઉત્સાહ છે. ઉનામાં કોંગ્રેસ સામે ભાજપનો ખરેખરો જંગ જોવા મળે છે અને બાકીના છ ઉમેદવારો મત બગાડે તો બાજી પલ્ટી શકે છે.

સને-ર૦૧૭ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ૯૩ ઉના વિધાનસભા બેઠકનું મતદાનને માત્ર ૮ દિવસ બાકી છે પરંતુ ચૂંટણીનાં મેદાનમાં ઉતરેલ ઉમેદવારોમાં પ્રચારનો માહોલ જામ્યો નથી. ગામડામાં ત્થા શહેરમાં ચૂંટણી જેવુ લાગતુ નથી. હાલ આ બેઠક ઉપર ૮ ઉમેદવારો તેમનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાં છ વખત વિધાનસભા ત્થા ૧ વખત લોકસભાની ચૂંટણી લડી ૭મી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલ પુંજાભાઇ ભીમાભાઇ વંશની સામે ભાજપે નવો ચહેરો જે અગાઉ કોંગ્રેસના પક્ષમાં રહેલ અને હાલ ભાજપમાં રહેલા ગીરસોમનાથ જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ હરીભાઇ બોઘાભાઇ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે. આમ ગુરૂ-શિષ્ય વચ્ચે ટક્કર જામી છે. પુંજાભાઇ વંશે ર૦૦૭માં હારનો સ્વાદ ચાખેલ છે.

એકંદરે જોઇએ તો ગુજરાતની સ્થાપના પછી આવેલ ચૂંટણીઓમાં ઉના તાલુકો કોંગ્રેસનો ગઢ રહ્યો છે. વચ્ચે બે વખત જ જનતાદળ ર૦૦૭માં ભાજપ જીત્યુ હતુ.

ઉના વિધાનસભાની બેઠકમાં ગત ર૦૧રમાં ૧ લાખ ૭ હજાર પ૯૭ પુરૂષ ત્થા ૯૭,૮૦૯ મહિલા મતદારો હતા. કુલ ર,૦પ,૪૦૬ મતદારો પૈકી ૭૭,૪૮પ પુરૂષો, ૬૯,૪ર૧ સ્ત્રી મતદારોએ મળી ૧,૪૬,૯૪ર  મતદારોએ મતદાન કરી ૭૧.પર ટકા મતદાન થયુ હતુ. રપ૦ મતદાન કેન્દ્રો હતા. જયારે ર૦૧૭માં ૧ લાખ ર૧ હજાર ૦૪૪ પુરૂષ ત્થા ૧,૧ર,ર૯૦ સ્ત્રી મતદારો મળી કુલ ર,૩૩,૩૩૪ મતદારો નોંધાયા છે. ગત ર૦૧ર કરતા ર૭,૯ર૮ મતદારો વધ્યા છે. અત્યારે ર૭૪ મતદાન મથક છે.

સને ર૦૧રમાં મત ગણતરી બાદ કોંગ્રેસને ૬૯,૮ર૪ મતો ભાજપને ૬ર,૩૧૭ મતો અન્ય ૪ ઉમેદવારોને ૧પ,૯૩૪ મત મળેલ હતા. કોંગ્રેસને ૭પ૦૭ મતોની લીડથી વિજય થયો હતો.

આ વખતે અન્ય છ ઉમેદવારોમાં બહુજન સમાજ પાર્ટીના પરમાર જેન્તીભાઇ કાનાભાઇ, રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના જેસીંગભાઇ શામજીભાઇ રાઠોડ, બહુજન મુકતી પાર્ટીના રાઠોડ ડાયાભાઇ લાખાભાઇ, ગુજરાત જનચેતના પાર્ટીના શાંતિલાલ છાનાભાઇ કેડેચા ત્થા બે અપક્ષ બારૈયા બાબુભાઇ ભીમાભાઇ, હર્ષદભાઇ છગનભાઇ બાંભણીયા પણ ચૂંટણી લડતા હોય તેની જીતનું ગણીત બદલાવે તો નવાઇ નહી.

૨૦૧૭માં જ્ઞાતિ આધારીત સમીકરણ જોઇએ તો તાલુકાભરમાં ૭૭,૦૦૦થી વધુ કોળી જ્ઞાતિ, ર૮ હજારથી વધુ પાટીદાર સમાજ, ર૧ હજારથી વધુ મુસ્લિમ સમાજ, ર૦ હજારથી વધુ દલીત સમાજ, ર૦ હજારથી વધુ પંચોળી, આહીર, ૧૭ હજારથી વધુ પ્રજાપતિ, મારૂ કુંભાર, મારૂ રાજપુત, કારડીયા રાજપૂત ૪૦૦૦થી વધુ, ૭૦૦૦થી વધુ બ્રાહ્મણ, ૧૦ હજારથી વધુ વાણીયા, લુહાણા મતદારો છે. તાલુકામાં કોળી, પાટીદાર મતદારો જે બાજુ ઢળશે તે ઉમેદવારની જીત નક્કી થાશે.

ઉના-ગીરગઢડા તાલુકાની જનતા મતદારો તાલુકાનો વિકાસ, ઉદ્યોગ, રોડ-રસ્તા, આરોગ્ય સેવા, સલામતી મળે તેવુ ઇચ્છે છે.

ઉના-ગીરગઢડા તાલુકામાં છેલ્લા ૧૯ વરસથી પાયાનો વિકાસથી વંચિત રહી છે. તાલુકાનો એક માત્ર સમખાવા પુરતો હજારો લોકોને રોજીરોટી આપતો સહકારી ખાંડ ઉદ્યોગ રાજકારણનો ભોગ બનતા ર૦૦૦માં બંધ થઇ જતા બેકાર બની ગયા છે. બીજો કોઇ ઉદ્યોગમાં રાજકીય આગેવાનો રસ લીધો નથી. ઉના-ગીરગઢડા તાલુકામાં બ્લેકસ્ટોન, લાઇમસ્ટોનની ખાણો, ખનીજ વિપુલ પ્રમાણમાં છે. ખનીજ અન્ય તાલુકામાં ચાલી જાય છે તેવી ફરિયાદો છે.

ઉના તાલુકામાં નવા બંદર, સૈયદ રાજપરા, સીમરબંદર દરિયા કાંઠે આવેલ બંદરો છે, મચ્છીમારીનો ઉદ્યોગ વિકસીત છે તેમ છે હાલ બંદરો જેટી તુટી ગઇ છે. ડ્રેજીંગ થતુ નથી. પ્રવાસન ઉદ્યોગ માટે તક છે. આરોગ્યની સેવા ર૦ વર્ષથી કથળી ગઇ છે. સરકારી હોસ્પિટલો છે, સાધનો છે પણ ડોકટરો ન હોવાથી ખાનગી દવાખાનામાં લોકોને જવુ પડે છે. રાજકીય નેતાઓ કાયમી ડોકટર નિમણુંક કરવા નિષ્ફળ ગયા છે. તાલુકાના વિસ્તાર ત્થા જીલ્લા મથક સુધી જોડતા રોડ ભંગાર હાલતમાં છે. નેશનલ હાઇવે રોડનું કામ ધીમુ ચાલે છે.

ઉના તાલુકા નજીક દિવ પ્રદેશ નજીક હોય તાલુકામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલથી યુવા પેઢી બરબાદ થઇ રહી છે ત્યારે કડક દારૂબંધીની જરૂર છે. પોલીસમાં કડક, નિષ્ઠાવાન અમલદારોને રાજકીય આગેવાનો ટકવા દેતા નથી. રાજકીય કિન્નાખોરીનો ભોગ બને છે અને તાલુકામાં ઘરફોડ ચોરી, મારામારી, ખુન, અકસ્માતના બનાવો વધ્યા છે. તાલુકામાં કડક અમલદારની નિમણુંક ઇચ્છી રહી છે.

(12:22 pm IST)