Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

કચ્‍છના રણોતસવમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્‍યામાં વધારોઃ ટેન્‍ટ સીટી અને સફેદ રણ આસપાસની પ્રાઇવેટ હટલો અને રિસોર્ટનું એડવાન્‍સ બુકીંગ શરૂ થયુ

કચ્‍છના દરેક ખુણાના કારીગરો માટે લાઇવ ડેમોસ્‍ટ્રેશનનું આયોજન

કચ્છ: દિવાળીના તહેવારોના કારણે લોકો બહાર ફરવાનું વધુ પસંદ કરતા હોય છે, ત્યારે કચ્છનું સફેદ રણમાં યોજાતો રણોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. તમને જણાવી દઈએ કે 1 નવેમ્બરથી રણોત્સવ શરૂ થયો છે. કચ્છનું સફેદ રણ જોવા મોટી સંખ્યામાં દિવસેને દિવસે ઉમટી રહ્યા છે. કોરોનાના કારણે ગત વર્ષે ખૂબ ઓછા પ્રવાસીઓ આવ્યા હતા. પરંતુ હવે કોરોનાના કેસ ઓછા થતાં સરકારે આપેલી છૂટછાટના કારણે રણોત્સવમાં લોકો ઉમટી રહ્યા છે. આ વખતે રણોત્સવમાં નવી થીમ અને અલગ અલગ આકર્ષણો ઉભા કરાયા છે. એટલું જ નહીં કચ્છી સંસ્કૃતિનું અલગ પ્રદર્શન પણ યોજાયું છે. આ વખતે તહેવારોના કારણે અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ વધ્યા હોવાની માહિતી મળી રહી છે.

ગુજરાત સરકારની જાણીતી જાહેરાત 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' આ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વનાં દરેક પ્રવાસીઓને આકર્ષતું કચ્છનું સફેદરણ હવે વિશ્વ ફલક પર મૂકાતું જાય છે. દર વર્ષે શિયાળા દરમિયાન રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે રણોત્સવનું આયોજન 1 નવેમ્બર થી 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે અને અત્યારથી જ ટેન્ટસીટી અને સફેદ રણની આસપાસનાં ગામોમાં આવેલ પ્રાઇવેટ હોટલ અને રિસોર્ટનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે.

રણોત્સવ માણવાં આવતા પ્રવાસીઓને જ્યારે ટેન્ટ સિટી ફુલ હોય ત્યારે ટેન્ટ મળતાં નથી. ત્યારે સફેદ રણની આસપાસ આવેલ ગામ હૉડકો અને ધોરડોમાં પણ પ્રવાસીઓ રોકાણ માટે આવે છે ત્યારે કુલ 40 જેટલા પ્રાઇવેટ હોટલ અને રિસોર્ટમાં પણ 60 થી 70 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું હોવાની માહિતી મળી છે.

રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા BSF ચોકીથી વોચ ટાવર સુધી લાઈટિંગ પણ કરવામાં આવી છે. 'અતુલ્ય ભારત' થીમ સાથે લાઈવ ડેમોસ્ટ્રેશનની વ્યવસ્થાદર વખતે રણોત્સવમાં જુદી જુદી થીમ હોય છે ત્યારે આ વખતે પણ 'અતુલ્ય ભારત' થીમ રાખવામાં આવી છે. આ ઉપરાંત આ વર્ષે કચ્છનાં દરેક ખૂણાના કારીગરો માટે લાઈવ ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

(3:23 pm IST)