Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

શનિવારથી જુનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ

ડો.મહાદેવપ્રસાદ મહેતા કથાનું રસપાન કરાવશેઃ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪ :  આગામી તા.૬ને શનિવાર થી તા.૧ર નવે શુક્રવાર સુધી જુનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જયદેવભાઇ જોષીના ધાર્મિક ફાર્મ ગિરનાર રોડ ગાયત્રી મંદિર સામે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુના અધ્યક્ષસ્થાને શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ  છે.

જેમાં ડો. મહાદેવપ્રસાદ મહેતા સંગીતની સુરાવલી સાથે શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. કોરોના કાળમાં મૃત્યુ પામેલા સમસ્ત બ્રહ્મસમાજના જુનાગઢ જિલ્લાના પ્રમુખ અને હોનહાર વ્યકિતત્વ ધરાવતા એવા એડવોકેટ પરેશભાઇ જોષી તેમજ તેમના લઘુબંધુ અને સમસ્ત બ્રહ્મસમાજે ગુમાવેલ સ્વજનો તેમજ પિતૃઓના મોક્ષર્થે આ કથાનું આયોજન કરાયુ છે અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીએ એક શુભ સંકલ્પ સાથે બિડુ ઝડપ્યુ છે કે આ કથા દરમિયાન જે કાંઇ રકમની આવક થશે તેમાંથી સમસ્ત બ્રહ્મસમાજ માટે નમુનેદાર વાડી બનાવવાની છે  જે માટે તેની સમગ્ર ટીમ ખુબ જહેમત ઉઠાવી રહી છે.

આ ભાગવત સપ્તાહના આયોજન માટે એક ખાસ ટીમ બનાવવામાં આવેલ છે. જેમાં સંસ્થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ આશિષ ઉપાધ્યાય તેમજ ઉત્સવાધ્યક્ષ તરીકે નાયબ મામલતદાર મહેશભાઇ શુકલ, દર્શક ઉપાધ્યાય, લલિત જોષી, મનોજભાઇ જોષી માર્ગદર્શન આપશે. તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની ટીમના મહામંત્રી કમલેશ ભરાડ, મનિષ ત્રિવેદી, અર્જુન રાવલ તુષાર મહેતા તેમજ મીડીયા સેલના મિલનભાઇ જોષી, જીજ્ઞેશ મહેતા અને પ્રવકતા રમેશભાઇ મહેતા પી.સી.ભટ્ટ અને મહિલા પાંખનાગીતાબેન જોષી અને તેની ટીમ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની સમગ્ર ટીમ છેલ્લા બે માસથી આ ભાગવત સપ્તાહને સફળ બનાવવા દિવસ રાત જોયા વગર તનતોડ જહેમત ઉઠાવી રહયા છે.

આ કથા દરમિયાન ગુજરાત રાજયના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કનુભાઇ દેસાઇ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય ભાવનગરના ડી.ડી.ઓ તુષાર જોષી ઉનાના એસ.ડી.એમ. જે.એમ.રાવલ સહિત બ્રહ્મસમાજના આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ કથા શ્રવણનો લાભ લેશે. તેમજ જુનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે.ડી. પંડયા અને શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી, છેલભાઇ જોષી સહિતના પણ હાજર રહેશે અને કથા દરમિયાન દરરોજ રાત્રે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા.૭ને રવિવારે બીરજુ બારોટ, શિવરાજ વાળા, મયુર દવે અને તા.૯ને મંગળવારે સંગીતા લાબડીયા, બ્રિજરાજ ગઢવી, ભાવના લાબડીયા તેમજ તા.૧૦ બુધવારે નારાયણ ઠાકર, મયુર દવે, તા.૧૧ને ગુરૂવારે રાજભા ગઢવી, સાંઇરામ દવે, તા.૧રને શુક્રવારે સવારે ૧૦ કલાકે પુ. આત્માનંદ સરસ્વતીજી  પુ. મહામંડલેશ્વર આશુતોષ ગીરીજી મહારાજ તેમજ પુ. ઇન્દ્રભારતીબાપુ પુ. જેન્તીરામબાપા, પુ.હરીહરાનંદ ભારતીબાપુ, પુ. શેરનાથબાપુ પુ. તનસુખગીરીબાપુ સહિતના સંતો આર્શિવચન પાઠવશે. ઉપરોકત તસ્વીરમાં કથા સ્થળે ચાલતી તડામાર તૈયારીઓ કરતા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટીમ તથા ભાગવતાચાર્ય મહાદેવપ્રસાદ મહેતા અને પુ. મુકતાનંદબાપુ  જેમના અધ્યક્ષ સ્થાને આ આયોજન કરાયું છે. તે નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:04 pm IST)