Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

આંખની ઓળખાણે રહેવા માટે આપેલ મકાન પરત વૃધ્ધ માલિકને અપાવતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ,તા.૪:  દોલતપરા વિસ્તારમાં કસ્તુરબા સોસાયટી ખાતે મકાન ધરાવતા સિનિયર સીટીઝન રવજીભાઈ રામજીભાઈ ચુડાસમા કે જેઓની એક દીકરી પોરબંદર ખાતે પરણાવેલ હોઈ અને હવે આગળ પાછળ કોઈ ના હોઈ અને પોતાનું જીવન માવતર વૃદ્ઘાશ્રમ વીરપુર ખાતે વિતાવતા હોઈ, તેઓએ આંખની ઓળખાણથી પોતાનું મકાન ભરતભાઇ દેવાભાઈ કુછડીયા મેર અને તેના પત્ની રેખાબેન ભરતભાઇ કુછડીયાને રહેવા આપેલ હતું. આ ભરતભાઇ અને રેખાબેન અવાર નવાર ગુન્હાઓમાં પકડાયેલ હોઈ અને માથાભારે હોઈ, અરજદાર સિનિયર સીટીઝન રવજીભાઈ ચુડાસમાએ મકાન ખાલી કરવાનું કહેતા સિનિયર સીટીઝન રવજીભાઈને ધમકી આપી, મકાન ખાલી નહિ કરવા જણાવતા, સિનિયર સીટીઝન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પો.ઇન્સ. એમ.એમ.વાઢેર, મહેન્દ્રસિંહ ઝણકાર, પીએસઆઇ એ.કે.પરમાર, સ્ટાફના હે.કો. માલદેભાઈ, દિનેશભાઇ, કલ્પેશભાઈ, પંકજભાઈ, મોહસીનભાઈ, વિક્રમસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા ભરતભાઇ કુછડીયા અને રેખાબેન કુછડીયાને પોલીસની ભાષામાં સમજાવતા અને તાજેતરમાં ભરતભાઇ કુછડીયા ચોરી અને છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ હોઈ, જૂનાગઢ પોલોસ દ્વારા લેન્ડગ્રેબિંગનો ગુન્હો દાખલ કરવાની તૈયારી કરતા, રેખાબેન કુછડીયા દ્વારા સિનિયર સિટીઝનને મકાનનો કબજો સોંપી દેતા, સિનિયર સીટીઝન એકલા રહેતા હોય, પોતાના મકાનનો કબજો મળી જતા, ફરિયાદ કરવાનું ટાળેલ હતું. સિનિયર સીટીઝન દ્વારા પોતાનું મકાન પરત મળતા, જુનાગઢ પોલીસનો આભાર વ્યકત કરેલ હતો અને જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના જીવન મરણ સમાન મૂડી રૂપ મકાન ખોવાનો  વારો આવેલ હોત, તેવી ભાવના વ્યકત કરી, ભાવ વિભોર થયેલ હતા.

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવી તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા સકારાત્મક અભિગમ દ્વારા પોતાના જીવનમરણ સમાન મૂડી રૂપ મકાન સિનિયર સિટીઝનને પરત અપાવી, દિવાળી સુધારી, દિવાળીના સમયમાં સિનિયર સિટીઝનના ઘરમાં મદદરૂપ દીવો કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્ત્।રદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

રાજપુત સમાજનું સ્નેહ મિલન

શુક્રવારના રોજ સવારે ૧૦ થી ૧૧:૩૦ કલાકે રાજપુત સેવા સમાજ ગિરનાર દરવાજા ખાતે રાજપુત સામજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાનાર છે.

જેમાં રાજપૂત સમાજના સહપરિવારોએ ઉપસ્થિત રહેવા અને અલ્પાહાર લેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું શ્રી જીતેન્દ્રસિંહ સોલંકીએ યાદીમાં જણાવ્યું છે.

કડીયા જ્ઞાતિનું મિલન

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા કડિયા સમાજના સમસ્ત જ્ઞાતિજનોનું નૂતન વર્ષનું સ્નેહ મિલન શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૦ કલાકે શ્યામવાડી, દાતાર રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

તો કડિયા જ્ઞાતિના તમામ સંસ્થાના હોદેદારશ્રીઓ, અગ્રણીઓ, ટ્રસ્ટીશ્રીઓ, વિભાગીય પ્રમુખશ્રીઓ તથા દરેક ભાઇ-બહેનોને પધારવા પ્રમુખ ધીરૂભાઇ ગોહેલની યાદીમાં જણાવવામાં આવે છે.

સમસ્ત લેઉવા પટેલ સમાજનું સ્નેહમિલન મોકૂફ

સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ (દોમડીયા વાડી) જૂનાગઢના પ્રમુખ કરશનભાઇ આર.ધડુક તથા મંત્રી અનિલભાઇ એમ.પટોલીયા તથા ટ્રસ્ટીમંડળ તથા કારોબારીની યાદી જણાવે છે કે, આ વર્ષે સ્નેહમિલન 'કોરોના' સંક્રમણા કારણથી મોકુફ રાખેલ છે.

(12:44 pm IST)